ગરીબોના ‘કામનો અધિકાર’ છીનવાયો! CWC બેઠકમાં ખડગેના મોદી સરકાર પર પ્રહાર; મનરેગા મુદ્દે દેશવ્યાપી આંદોલનની જાહેરાત
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આજે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ની મહત્વની બેઠકમાં મોદી સરકાર પર ગરીબ વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. ખડગેએ જણાવ્યું કે સરકાર દ્વારા યુપીએ સરકારની મહત્વકાંક્ષી યોજના મનરેગાને ખતમ કરવી એ કરોડો ગરીબોની પીઠમાં છરો ભોંકવા સમાન છે. તેમણે આ મુદ્દે ભાજપ સરકાર વિરુદ્ધ રાષ્ટ્રવ્યાપી આંદોલન છેડવાની હાકલ કરી છે.
મનરેગા વિરુદ્ધ ‘કાળો કાયદો’: ખડગેનો આકરો વિરોધ
મલ્લિકાર્જુન ખડગેએ સરકારના નવા કાયદા ‘વિકસિત ભારત-ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન (ગ્રામીણ)’ (VB-G RAM G Act) ની સરખામણી ત્રણ વિવાદાસ્પદ કૃષિ કાયદાઓ સાથે કરી હતી.
- ક્રૂર હુમલો: ખડગેએ કહ્યું કે આ માત્ર નામ બદલવાની વાત નથી, પરંતુ ગરીબોના ‘કામના અધિકાર’ પર સુનિયોજિત અને ક્રૂર હુમલો છે.
- પૂંજીપતિઓનો ફાયદો: તેમણે આરોપ લગાવ્યો કે મોદી સરકારને ગરીબોની નહીં પણ માત્ર મોટા ઉદ્યોગપતિઓના નફાની જ ચિંતા છે.
- આંદોલનની તૈયારી: જેમ કૃષિ કાયદાઓ પાછા ખેંચવા પડ્યા હતા, તેમ મનરેગાને પુનઃજીવિત કરવા માટે સરકારને મજબૂર કરવામાં આવશે.
બાંગ્લાદેશમાં હિન્દુઓ પર હુમલાની નિંદા
સીડબ્લ્યુસીની બેઠકમાં ખડગેએ બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પર થઈ રહેલા હુમલાઓ અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી.
-
તેમણે કહ્યું કે બાંગ્લાદેશની હિંસાથી આખું ભારત ચિંતિત છે.
-
તાજેતરમાં દીપુ ચંદ્ર દાસ અને અમૃત મોંડલ જેવા હિન્દુ નેતાઓની થયેલી હત્યાની તેમણે કડક શબ્દોમાં નિંદા કરી હતી અને ભારત સરકારને આ મુદ્દે મક્કમ પગલાં લેવા જણાવ્યું હતું.
ચૂંટણી અને સંગઠન પર મંથન
બિહાર વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસના ખરાબ પ્રદર્શન બાદ આ પ્રથમ મોટી બેઠક હતી. આથી ખડગેએ ૨૦૨૬માં આવનારી ૫ રાજ્યોની (આસામ, કેરળ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ અને પુડુચેરી) ચૂંટણીઓ માટે અત્યારથી જ સજ્જ થવા નેતાઓને આદેશ આપ્યો છે.
- મતદાર યાદીમાં કાવતરું: ખડગેએ ‘સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન’ (SIR) ને લોકશાહી અધિકારો મર્યાદિત કરવાનું કાવતરું ગણાવ્યું અને કોંગ્રેસના મતદારોના નામ ન કપાય તે જોવા કાર્યકરોને તાકીદ કરી.
શું છે નવો ‘G RAM G’ એક્ટ?
સરકારના નવા કાયદા મુજબ, ગ્રામીણ પરિવારોને ૧૨૫ દિવસની રોજગારીની ખાતરી આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસનો આરોપ છે કે:
- તેમાં કેન્દ્ર સરકારનું ફંડિંગ ઘટાડીને રાજ્યો પર ૪૦% બોજ નાખવામાં આવ્યો છે.
- ખેતીની સીઝન દરમિયાન કામ પર ‘પોઝ’ (Pause) મૂકવાની સત્તા કેન્દ્ર પાસે રહેશે, જે મજૂરો માટે અન્યાયી છે.

