જળાશયોનું અનોખું મિશ્રણ બનાવે છે ખીજડીયાને દેશ-વિદેશના પક્ષીઓનું પ્રિય નિવાસસ્થાન
જામનગરના ખીજડીયા પક્ષી અભયારણ્યમાં શિયાળાની હવા પહોચતાં જ કુદરતનો અદભૂત રંગોત્સવ છવાઈ ગયો છે. દેશ-વિદેશમાંથી આવતી 200થી વધુ પક્ષી પ્રજાતિઓ હાલાર વિસ્તારમાં ઉતર્યા છે, જેને નિહાળવા વહેલી સવારે અને સાંજના શાંત સમયે પ્રવાસીઓ મોટી સંખ્યામાં આવી રહ્યા છે. જેમ જેમ શિયાળો વધુ ગાઢ બનશે તેમ પક્ષીઓનો આવેગ પણ વધશે અને અભયારણ્યનું સૌંદર્ય વધુ મોહક બનશે. દર વર્ષે અહીં આશરે 300થી વધુ પ્રજાતિઓના પરદેશી અને સ્થાનિક પક્ષીઓ આવે છે, જે આ સ્થળને પક્ષીપ્રેમીઓ માટે સ્વર્ગ સમાન બનાવે છે.
દુર્લભ પ્રજાતિઓનું આગમન અને કુદરતી વૈવિધ્ય
હાલ સ્થાનિક પક્ષીઓ સાથે સાથે કાળી ડોક ઢોંક, નકટો, કુંજ, નાની મુરધાબી, ચેતવા, ચંચળ પાન, હંસ સહિત અનેક જળચર તથા વૃક્ષવાસી પ્રજાતિઓ જોવા મળી રહી છે. આરએફઓ દક્ષાબેન વઘાસિયાના જણાવ્યા અનુસાર કાળી ડોક ઢોંક અહીંનું વિશેષ આકર્ષણ છે અને તેને નિહાળવા પ્રવાસીઓ વિશેષ ઉત્સાહ દર્શાવે છે. અભયારણ્યની સૌથી અનોખી વિશેષતા એ છે કે અહીં મીઠા અને ખારા પાણીના જળાશયોનું અનોખું સંયોજન છે, જેના કારણે બન્ને પ્રકારના પક્ષીઓને આ સ્થળ કુદરતી પ્રજનન અને નિવાસ માટે આદર્શ લાગે છે.
સૂર્યોદય-સૂર્યાસ્તના અદભૂત નજારા અને અભયારણ્યનો અનુભવ
ખીજડીયા ખાતે સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો અદભૂત હોય છે. પાણીની રમખણ કરતા પક્ષીઓની કલરવ વચ્ચેનું આ દૃશ્ય પ્રવાસીઓને જીવનભર યાદ રહે તેવી અનુભૂતિ આપે છે. કુદરતી ખજાનાનો આ એવો જીવંત અહેસાસ છે જે પ્રકૃતિપ્રેમીઓને મનથી જોડે છે. પ્રવાસીઓ અહીંથી અવિસ્મરણીય યાદો સાથે કુદરતના સંરક્ષણનો સંદેશ લઈને પરત ફરે છે, જે આ સ્થળની વિશેષ સફળતા ગણાય છે.
શૈક્ષણિક શિબિરો અને સ્થાનિક સમૃદ્ધિનો વિકાસ
વન વિભાગ દર વર્ષે શિયાળામાં શાળા વિદ્યાર્થીઓ માટે ખાસ શિબિરનું આયોજન કરે છે, જેમાં વિદ્યાર્થીઓને પક્ષીઓ, તેમના નિવાસસ્થાન અને અભયારણ્યના મહત્વ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવે છે. બીજી તરફ પ્રવાસીઓના સતત વધતા પ્રવાહને કારણે ખીજડીયા ગામની આર્થિક સમૃદ્ધિમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. આ સ્થળ કુદરત, પર્યાવરણ અને વિકાસનો આદર્શ સમન્વય રજૂ કરે છે.

