રશિયા-ભારત તેલ સોદો: “દુષ્ટ બુદ્ધિશાળીઓથી બચવા આંકડા ગુપ્ત રખાશે”; તેલ સંકટ વચ્ચે ક્રેમલિનનો મોટો નિર્ણય
વિશ્વ જ્યારે ત્રીજા વિશ્વયુદ્ધના ભણકારા અને ઉર્જા સંકટ વચ્ચે ઘેરાયેલું છે, ત્યારે રશિયાએ ભારત સાથેના પોતાના ગાઢ સંબંધોને ફરી એકવાર સાબિત કર્યા છે. શુક્રવારે ક્રેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે સ્પષ્ટ કર્યું હતું કે રશિયા ભારતને કેટલી માત્રામાં ક્રૂડ ઓઇલ નિકાસ કરી રહ્યું છે તેના કોઈ પણ આંકડા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવશે નહીં. પેસ્કોવે આ માટે “વિશ્વમાં રહેલા ઘણા દુષ્ટ બુદ્ધિશાળી લોકો” (Evil Minded People) ને જવાબદાર ગણાવ્યા છે, જેઓ આ સપ્લાય ચેઈનને તોડવાનો પ્રયાસ કરી શકે છે.
રશિયાની ૨૨ મિલિયન બેરલની ક્ષમતા
ભારતીય મીડિયાના અહેવાલો અનુસાર, રશિયા માત્ર એક જ અઠવાડિયામાં ભારતને ૨૨ મિલિયન બેરલ ક્રૂડ ઓઇલ સપ્લાય કરવાની ક્ષમતા ધરાવે છે. આ સમાચાર પર ટિપ્પણી કરતા પેસ્કોવે આંકડાની પુષ્ટિ કરવાનો ઇનકાર કર્યો હતો પરંતુ સંકેત આપ્યો હતો કે રશિયા ભારતની ઉર્જા જરૂરિયાતો પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે. રશિયન સરકારી ટીવી પર પ્રસારિત થયેલા એક નકશામાં અનેક રશિયન ટેન્કરો અરબી સમુદ્રથી બંગાળની ખાડી તરફ, એટલે કે ભારતના પૂર્વ કિનારાની રિફાઇનરીઓ તરફ જતા જોવા મળ્યા હતા.
અમેરિકાની મજબૂરી અને ૩૦ દિવસની છૂટ
રસપ્રદ વાત એ છે કે, જે અમેરિકાએ રશિયા પાસેથી તેલ ન ખરીદવાની શરતે ભારત સાથે વેપાર કરાર કર્યા હતા, તે જ અમેરિકાએ હવે ભારતને ૩૦ દિવસની કામચલાઉ છૂટ આપી છે. યુએસ ટ્રેઝરી સેક્રેટરી સ્કોટ બેસન્ટ દ્વારા આ જાહેરાત કરવામાં આવી છે. આ પાછળનું મુખ્ય કારણ ઈરાન દ્વારા ‘હોર્મુઝની સામુદ્રધુની’ બંધ કરી દેવી છે. વિશ્વના ૨૦% તેલ પુરવઠાનો માર્ગ બંધ થતા અમેરિકા સમજી ગયું છે કે જો ભારત રશિયા પાસેથી તેલ નહીં ખરીદે, તો વૈશ્વિક સ્તરે તેલના ભાવ કાબૂ બહાર જશે.
હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતા સર્જાયેલી સ્થિતિ
ગયા શનિવારે ઈરાન પર થયેલા અમેરિકા-ઇઝરાયલના હુમલા બાદ ઈરાને વળતા પ્રહારમાં હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી દીધું છે. આનાથી ખાડી દેશોનું તેલ વિશ્વ સુધી પહોંચતું અટકી ગયું છે. રશિયન નાયબ વડા પ્રધાન એલેક્ઝાન્ડર નોવાકે જણાવ્યું હતું કે, “જ્યારે હોર્મુઝ જેવો વ્યૂહાત્મક માર્ગ બંધ હોય, ત્યારે રશિયા ભારત અને ચીન જેવા મિત્ર દેશોને તેલ સપ્લાય વધારવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે.”
રશિયા કેમ આંકડા છુપાવવા માંગે છે?
નિષ્ણાતોના મતે, રશિયા પર પશ્ચિમી દેશોના અસંખ્ય પ્રતિબંધો છે. જો રશિયા ચોક્કસ આંકડા જાહેર કરે, તો પશ્ચિમી દેશો તે ટેન્કરો અથવા ટ્રાન્ઝેક્શન પર નવા પ્રતિબંધો લાદી શકે છે અથવા વીમા કંપનીઓ પર દબાણ લાવી શકે છે. પેસ્કોવનું “દુષ્ટ બુદ્ધિશાળીઓ” વાળું નિવેદન સીધું જ પશ્ચિમી શક્તિઓ તરફ નિર્દેશ કરે છે.
ભારત માટે શું છે ફાયદો? ભારત માટે આ સમય ‘તક અને પડકાર’ બંને સમાન છે. એક તરફ યુદ્ધના કારણે મોંઘવારી વધી રહી છે, તો બીજી તરફ રશિયા તરફથી મળતું ગુપ્ત અને સુરક્ષિત તેલ પુરવઠો ભારતની અર્થવ્યવસ્થાને ગબડતી બચાવી શકે છે. રશિયા દ્વારા પૂર્વ કિનારે મોકલવામાં આવતું તેલ ભારતની ઘરેલું જરૂરિયાતો પૂરી કરવામાં મોટી ભૂમિકા ભજવશે.

