ચાઈનીઝ દોરી સામે કડક કાર્યવાહી અને ૧૬થી વધુ બર્ડ કલેક્શન સેન્ટર: કચ્છમાં કરૂણા અભિયાનની તૈયારીઓ
ઉત્તરાયણ પર્વ દરમિયાન આકાશમાં ઉડતા પક્ષીઓને પતંગની જીવલેણ દોરીથી બચાવવા માટે કચ્છ જિલ્લામાં કરુણા અભિયાનનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. ૧૦ જાન્યુઆરીથી ૨૦ જાન્યુઆરી સુધી ચાલનારા આ અભિયાનમાં વન વિભાગ, પશુપાલન વિભાગ અને વિવિધ સેવાભાવી સંસ્થાઓ એકસાથે મળીને કામ કરશે. પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક આયુષ વર્માની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં પક્ષીઓના રક્ષણ માટેની તમામ આગોતરી તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો.
ચાઈનીઝ દોરી વેચનારા સામે કડક કાર્યવાહી
પક્ષીઓ માટે સૌથી વધુ ખતરનાક સાબિત થતી ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ સામે વન વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. નાયબ વન સંરક્ષક દ્વારા તમામ રેન્જ ફોરેસ્ટ ઓફિસરોને સૂચના આપવામાં આવી છે કે તેઓ પોતાના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચલાવી પ્રતિબંધિત દોરી જપ્ત કરે. નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે તેઓ મનોરંજન માટે પક્ષીઓના જીવ જોખમમાં મૂકે તેવી જીવલેણ દોરીનો ત્યાગ કરે અને સુરક્ષિત રીતે ઉત્તરાયણની ઉજવણી કરે.
સોળથી વધુ કેન્દ્રો પર મળશે સારવાર
કચ્છ જિલ્લામાં આ વર્ષે ઘાયલ પક્ષીઓના કલેક્શન અને તાત્કાલિક સારવાર માટે ૧૬થી વધુ કેન્દ્રો કાર્યરત કરવામાં આવશે. આ કેન્દ્રો પર વેટરનરી ડોક્ટરોની ટીમ દવાઓના પૂરતા જથ્થા સાથે હાજર રહેશે જેથી ઈજાગ્રસ્ત પક્ષીને લાવતાની સાથે જ સારવાર મળી રહે. આ ઉપરાંત મોબાઈલ મેડિકલ કીટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે જેના દ્વારા પક્ષીને ઘટનાસ્થળે અથવા રસ્તામાં જ પ્રાથમિક સારવાર આપી શકાશે જેથી મૃત્યુદરમાં ઘટાડો કરી શકાય.
૫૦૦ લોકોની ટીમ સેવામાં હાજર
સમગ્ર જિલ્લામાં ૫૦૦થી વધુ સ્વયંસેવકો અને વનકર્મીઓની ટીમ આ અભિયાન હેઠળ દિવસ-રાત કાર્યરત રહેશે. ઘાયલ પક્ષીની જાણ કરવા માટે નાગરિકો ૧૯૨૬ નંબર પર સંપર્ક કરી શકશે અથવા તાલુકા વાઈઝ હેલ્પલાઈન માટે ૮૩૨૦૦૦૨૦૦૦ નંબર પર કોલ કરી વિગતો મેળવી શકશે. વન વિભાગ દ્વારા શાળાઓમાં પણ બાળકોને પક્ષીઓ પ્રત્યે સંવેદના જગાડવા માટે માહિતગાર કરવામાં આવશે જેથી નવી પેઢી આ અભિયાનમાં સક્રિય યોગદાન આપી શકે.
