હાફિઝ સઈદનો જમણો હાથ અને લશ્કરનો સ્થાપક અમીર હમઝા લોહીલુહાણ: પાકિસ્તાનમાં અજાણ્યા શખ્સોનો ગોળીબાર, હાલત અત્યંત નાજુક
પાકિસ્તાનમાં આતંકવાદીઓ પર થઈ રહેલા ‘અજ્ઞાત હુમલાખોરો’ના પ્રહારનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રહ્યો. આ વખતે નિશાન પર આવ્યો છે ભારતનો કટ્ટર દુશ્મન અને આતંકી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સ્થાપક સભ્ય અમીર હમઝા. લાહોરમાં એક ખાનગી ન્યૂઝ ચેનલની ઓફિસ બહાર અમીર હમઝા પર અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવ્યો છે. આ હુમલામાં તે ગંભીર રીતે ઘાયલ થયો છે અને હાલમાં હોસ્પિટલમાં જિંદગી અને મોત વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે.
કેવી રીતે થયો હુમલો?
મળતી માહિતી મુજબ, ૬૬ વર્ષીય અમીર હમઝા લાહોરમાં એક ન્યૂઝ ચેનલ પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક મોટરસાઈકલ પર આવેલા અજ્ઞાત હુમલાખોરોએ તેના પર ગોળીબાર શરૂ કરી દીધો હતો. હુમલા બાદ હુમલાખોરો ફરાર થઈ ગયા હતા. હમઝાને તાત્કાલિક લાહોરની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યાં ડોક્ટરો તેની હાલત અત્યંત નાજુક ગણાવી રહ્યા છે.
કોણ છે આતંકી અમીર હમઝા?
અમીર હમઝા કોઈ સામાન્ય નામ નથી, પરંતુ તે લશ્કર-એ-તૈયબાના પાયાના પથ્થરોમાંનો એક છે.
લશ્કરની સ્થાપના: ૧૯૮૭માં હાફિઝ સઈદ સાથે મળીને તેણે લશ્કર-એ-તૈયબાની સ્થાપના કરી હતી. એક સમયે તે આ સંગઠનમાં હાફિઝ સઈદ પછી બીજા નંબરનું સ્થાન ધરાવતો હતો.
ઝેરીલી વાણીનો માસ્ટર: હમઝાનું મુખ્ય કામ હથિયાર ઉઠાવવા કરતા પણ વધારે ખતરનાક હતું. તે પોતાની ઉશ્કેરણીજનક તકરીરો (ભાષણો) દ્વારા યુવાનોનું બ્રેઈનવોશ કરીને તેમને આતંકની દુનિયામાં ધકેલતો હતો.
આંતરરાષ્ટ્રીય આતંકી: અમેરિકાના નાણા વિભાગે ૨૦૧૨માં જ અમીર હમઝાને વૈશ્વિક આતંકી જાહેર કર્યો હતો અને તેને વિશ્વની સુરક્ષા માટે મોટો ખતરો ગણાવ્યો હતો.
સોવિયેત યુદ્ધથી કાશ્મીર સુધીનો આતંકી પ્રવાસ
અમીર હમઝાનો જન્મ પાકિસ્તાનના પંજાબ પ્રાંતના શેખુપુરામાં થયો હતો. તેણે મદરેસામાંથી ‘આલિમ’ની ડિગ્રી મેળવી હતી, પરંતુ ધર્મના શિક્ષણનો ઉપયોગ તેણે લોહી વહેવડાવવા માટે કર્યો. ૧૯૭૯માં જ્યારે સોવિયેત યુનિયને અફઘાનિસ્તાન પર હુમલો કર્યો, ત્યારે હમઝા અફઘાન લડવૈયાઓ સાથે મળીને યુદ્ધમાં જોડાયો હતો. સોવિયેત સેના પાછી ગઈ એટલે હાફિઝ સઈદે તેને ભારત વિરુદ્ધ જમ્મુ-કાશ્મીરમાં આતંક ફેલાવવાની જવાબદારી સોંપી હતી.
ભારતમાં થયેલા અનેક નાના-મોટા આતંકી હુમલાઓમાં હમઝાનું નામ અને તેની રણનીતિ સામે આવતી રહી છે. તે માત્ર આતંકી જ નહીં, પણ લેખક પણ છે. તેણે આતંકવાદ અને ઉગ્રવાદ પર આઠ જેટલા પુસ્તકો લખ્યા છે, જે લશ્કરના પ્રકાશનો દ્વારા છાપવામાં આવ્યા છે.
હાફિઝ સઈદ સાથે ખટરાગ અને નવું સંગઠન
લાંબા સમય સુધી લશ્કરમાં સાથે રહ્યા બાદ, ૨૦૧૮માં નાણાકીય બાબતો અને ફંડની વહેંચણીને લઈને અમીર હમઝા અને હાફિઝ સઈદ વચ્ચે મતભેદો સર્જાયા હતા. આ ખટરાગ એટલો વધ્યો કે હમઝાએ લશ્કરથી અલગ થઈને પોતાનું નવું સંગઠન ‘જૈશ-એ-મનકાફા’ બનાવ્યું હતું. ત્યારથી તે આતંકી વર્તુળોમાં થોડો અલગ-થલગ પડી ગયો હતો.

