મેક્રોને કર્યા ભારતના ભરપૂર વખાણ: બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધની અપીલ, ‘ઈન્ડિયા સ્ટેક’ને ગણાવ્યું અદભૂત
નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત ‘IndiaAI Impact Summit 2026’ માં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોને ભારતની ડિજિટલ ક્રાંતિની પ્રશંસા કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વિઝનને બિરદાવ્યું હતું. મેક્રોને ભારતના એન્જિનિયરો અને અહીંના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને વિશ્વ માટે એક ઉદાહરણ ગણાવ્યું હતું.
નમસ્તેથી કરી ભાષણની શરૂઆત
પોતાના સંબોધનની શરૂઆત ‘નમસ્તે’ થી કરતા મેક્રોને કહ્યું કે, “વડાપ્રધાન મોદી, આ શાનદાર દેશ અને શહેરમાં અમારું સ્વાગત કરવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.” તેમણે નોંધ્યું કે છેલ્લા 10 વર્ષમાં ભારતમાં જે પરિવર્તન આવ્યું છે તે અકલ્પનીય છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, દસ વર્ષ પહેલા મુંબઈમાં જે ફેરિયા પાસે બેંક ખાતું કે દસ્તાવેજ નહોતા, તે આજે પોતાના ફોન પર તરત જ પેમેન્ટ સ્વીકારી શકે છે.
ભારત: AI એન્જિનિયરોનું વૈશ્વિક કેન્દ્ર
મેક્રોને ભારતીય પ્રતિભાના વખાણ કરતા જણાવ્યું કે, ભારત દર વર્ષે લાખો AI એન્જિનિયરોને તૈયાર કરે છે. આજે 5 લાખથી વધુ એન્જિનિયરો સાથે ભારત વિશ્વની બીજી સૌથી મોટી ડેવલપર કોમ્યુનિટી ધરાવે છે. તેમણે ‘ઈન્ડિયા સ્ટેક’ (India Stack) નો ઉલ્લેખ કરતા કહ્યું કે, 1.4 અબજ લોકો માટે ડિજિટલ ઓળખ અને દર મહિને 20 અબજ ટ્રાન્ઝેક્શન પ્રોસેસ કરતી પેમેન્ટ સિસ્ટમ બનાવીને ભારતે વિશ્વમાં પોતાની અલગ ઓળખ ઊભી કરી છે.
PM મોદીને ખાસ અપીલ: બાળકો અને સોશિયલ મીડિયા
આ સમિટ દરમિયાન મેક્રોને એક અત્યંત મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે વડાપ્રધાન મોદીને અપીલ કરી કે 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો માટે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવો જોઈએ. તેમણે જણાવ્યું કે, “ફ્રાન્સે 15 વર્ષથી નાના બાળકો માટે સોશિયલ મીડિયા બંધ કરી દીધું છે. અમે આ રસ્તે આગળ વધી રહ્યા છીએ અને મને આશા છે કે વડાપ્રધાન મોદી પણ આ દિશામાં વિચારશે.”
સ્વાસ્થ્ય ક્ષેત્રે ભારતની સિદ્ધિ
મેક્રોને ભારતના હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ પ્રશંસા કરી હતી, જેમાં 500 મિલિયનથી વધુ ડિજિટલ હેલ્થ ID જારી કરવામાં આવ્યા છે. તેમણે ભારતના આ ઓપન અને સાર્વભૌમ ડિજિટલ મોડેલને વિશ્વના અન્ય દેશો માટે પ્રેરણારૂપ ગણાવ્યું હતું.

