સાવધાન! વધતું વાયુ પ્રદૂષણ મગજને કરી રહ્યું છે ખોખલું: રિસર્ચમાં દાવો – પ્રદૂષિત હવા વધારી રહી છે અલ્ઝાઈમરનું જોખમ
અત્યાર સુધી આપણે જાણતા હતા કે વાયુ પ્રદૂષણ માત્ર આપણા ફેફસાં અને શ્વાસની પ્રક્રિયાને નુકસાન પહોંચાડે છે, પરંતુ તાજેતરમાં થયેલા એક મોટા સંશોધને દુનિયાને ચોંકાવી દીધી છે. અમેરિકામાં થયેલા એક અભ્યાસમાં દાવો કરવામાં આવ્યો છે કે હવામાં રહેલા ઝેરી કણો સીધા મગજ પર હુમલો કરે છે અને અલ્ઝાઈમર (યાદશક્તિ ગુમાવવી) જેવી ગંભીર બીમારીનું જોખમ અનેકગણું વધારી દે છે.
2.78 કરોડ લોકો પર થયેલો અભ્યાસ
અમેરિકાની પ્રસિદ્ધ Emory University ની રિસર્ચ ટીમે એક વિશાળ અભ્યાસ હાથ ધર્યો હતો. આ સંશોધનમાં વર્ષ 2000 થી 2018 વચ્ચે 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લગભગ 2.78 કરોડ વડીલોના ડેટાનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. રિસર્ચમાં જાણવા મળ્યું કે પ્રદૂષિત હવામાં રહેલા અતિ સૂક્ષ્મ કણો (PM 2.5) શ્વાસ વાટે મગજ સુધી પહોંચે છે અને મગજની કામગીરીમાં અવરોધ ઊભો કરે છે.
પ્રદૂષણ કેવી રીતે મગજને નુકસાન પહોંચાડે છે?
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર, પ્રદૂષિત કણો મગજમાં પહોંચીને નીચે મુજબની અસરો કરે છે:
- મગજમાં સોજો: આ ઝેરી કણો મગજમાં બળતરા કે સોજો (Inflammation) પેદા કરે છે, જેનાથી ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું જોખમ વધે છે.
- કોષો વચ્ચેના સંપર્કમાં અવરોધ: પ્રદૂષણને કારણે મગજની સેલ્સ (ન્યુરોન્સ) વચ્ચેની કમ્યુનિકેશન સિસ્ટમ નબળી પડે છે.
- ટાઉ પ્રોટીનનું જમાવટ: મગજમાં ટાઉ પ્રોટીન અને એમાયલોઇડ પ્લેક જેવા હાનિકારક તત્વો જમા થવા લાગે છે, જે અલ્ઝાઈમરનું મુખ્ય લક્ષણ છે.
વડીલો માટે વધુ જોખમ
રિસર્ચમાં ખાસ નોંધવામાં આવ્યું છે કે જે લોકો લાંબા સમય સુધી પ્રદૂષિત વિસ્તારોમાં રહે છે, તેમાં યાદશક્તિ ગુમાવવાનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે. પ્રદૂષણ માત્ર અસ્થમા કે લંગ કેન્સર જ નહીં, પણ મગજને લગતી બીમારીઓ આપીને જીવનને લાચાર બનાવી રહ્યું છે.
રક્ષણ મેળવવા શું કરવું?
નિષ્ણાતો સલાહ આપે છે કે જે વિસ્તારોમાં પ્રદૂષણનું સ્તર (AQI) વધારે હોય ત્યાં લોકોએ ખાસ સાવચેતી રાખવી જોઈએ. માસ્કનો ઉપયોગ કરવો, ઘરમાં એર પ્યુરિફાયર વાપરવા અને સવારે પ્રદૂષણ વધુ હોય ત્યારે બહાર ફરવાનું ટાળવું એ બચવા માટેના અત્યંત જરૂરી પગલાં છે.

