બનાસકાંઠામાં ભૂગર્ભ જળસ્તર ઘટતા મેવાડા ગામનું અસ્તિત્વ જોખમમાં
ધાનેરા તાલુકાના મેવાડા ગામમાં પાણીની ગંભીર કટોકટી સર્જાતા લોકો અહીંથી સ્થળાંતર કરી રહ્યા છે. ગામના 60 થી 70 ટકા પરિવારો રોજિંદા પાણીની તંગીને કારણે આસપાસનાં શહેરોમાં વસવા મજબૂર બન્યા છે. પીવાનું પાણી ત્રણથી ચાર દિવસ પછી ટેન્કર દ્વારા પૂરું પાડવામાં આવે છે, જે પૂરતું ન પડતાં ગામમાં દૈનિક જીવન કપરું બન્યું છે. પાણી વિના લોકો પીવાનું તો દૂર, નાહવાનું અને રસોઈ કામ પણ મુશ્કેલીથી કરી રહ્યા છે.
ખેતી–પશુપાલન ઠપ થતા ગ્રામજનોની સ્થિતિ વધુ ખરાબ
બનાસકાંઠામાં છેલ્લા અનેક વર્ષોથી ભૂગર્ભ પાણીનું સ્તર ઝડપથી નીચે જઈ રહ્યું છે. પરિણામે મેવાડા ગામે ખેતી અને પશુપાલન બંને ક્ષેત્રોમાં સંકટ ઊભું થયું છે. પાણી ન મળતા ખેડૂતો તેમની જમીન પર કોઈ ઉત્પાદન કરી શકતા નથી અને પશુઓ માટે ચારો–પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે. અનેક ખેડૂતો તેમની વર્ષો જૂની જમીન અને ઘર છોડીને રોજગારીની આશાએ બહાર જવા મજબૂર થયા છે.
વાસ્તવિક સ્થિતિ ચોંકાવનારી, ટેન્કર પર નિર્ભરતા વધી
ગામની પરિસ્થિતિ અત્યંત નિરાશાજનક છે. ગામજનોનું કહેવું છે કે ટેન્કર દ્વારા મળતું પાણી માત્ર થોડા સમય માટે પૂરતું થાય છે અને બાકીના દિવસો માટે તેઓ તરસતું જીવન જીવે છે. પાણીની અછત એટલી ગંભીર છે કે સામાન્ય દૈનિક વપરાશ માટે પણ પૂરતું પાણી પ્રાપ્ત થતું નથી. સ્થાનિક લોકો સરકાર તરફથી સ્થાયી ઉકેલની માંગ કરી રહ્યા છે.
બોર ફેલ થતા લાખો રૂપિયાનું નુકસાન, લોકો શહેરોમાં સ્થાયી થવા લાગ્યા
ગામમાં અનેક બોરવેલ લાખો રૂપિયાનું રોકાણ કરીને બનાવવામાં આવ્યા હતા, પરંતુ પાણી ન મળતા મોટા ભાગના બોર ફેલ થઈ ગયા છે. આર્થિક નુકસાન સાથે પાણીનો અભાવ બંનેને કારણે લોકો અહીં જીવનયાપન ચલાવી શકતા નથી. જેના કારણે મેવાડાના અનેક પરિવારો મુંબઈ, સુરત, નવસારી અને પાલનપુર જેવી મોટી સિટીઓમાં જમાવટ કરી રહ્યા છે. ગામ ધીમે ધીમે ખાલી થતું જતા ચિંતા વધતી જોવા મળી રહી છે.

