હાઈકોર્ટના જસ્ટિસનો મહાદાનનો સંકલ્પ: GPFના ૧ કરોડથી વધુ રૂપિયા દાન કરવાનો મોટો નિર્ણય
સમાજ સેવા અને રાષ્ટ્ર નિર્માણ પ્રત્યેની નિષ્ઠા ક્યારેય ઉંમર કે હોદ્દા પર નિર્ભર નથી હોતી. આ વાતને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે મધ્ય પ્રદેશ હાઈકોર્ટના નિવૃત્ત જસ્ટિસ અવનીન્દ્ર કુમાર સિંહે. પોતાની નિવૃત્તિના ખાસ પ્રસંગે તેમણે બે એવા ઐતિહાસિક નિર્ણયોની જાહેરાત કરી છે, જેણે સમગ્ર દેશનું ધ્યાન ખેંચ્યું છે અને લોકોના દિલ જીતી લીધા છે.
તેમણે જાહેરાત કરી છે કે તેઓ પોતાના જનરલ પ્રોવિડન્ટ ફંડ (GPF)માંથી મળનારી સમગ્ર રકમ ‘પ્રધાનમંત્રી નાગરિક સહાયતા અને આપાત સ્થિતિ રાહત કોષ’ એટલે કે PM કેયર્સ ફંડ (PM CARES Fund)માં દાન કરી દેશે. વિવિધ અહેવાલો મુજબ આ રકમ લગભગ ₹૧.૦૧ કરોડથી ₹૧.૧ કરોડ જેટલી થાય છે.

વિદાય સમારંભમાં કરી દેશસેવાની મોટી જાહેરાત
જસ્ટિસ સિંહે ૧૭ સપ્ટેમ્બરે આયોજિત પોતાના વિદાય સમારંભ દરમિયાન આ ભાવુક અને દાનવીરતાપૂર્ણ નિર્ણયની જાહેરાત કરી હતી. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જેમ જ તેમના ખાતામાં GPFની રકમ જમા થશે, તેમ જ તેઓ આ પૂરેપૂરી રકમ રાષ્ટ્ર નિર્માણના કાર્યો માટે PM કેયર્સ ફંડમાં ટ્રાન્સફર કરી દેશે.
પોતાના સંબોધનમાં તેમણે જણાવ્યું કે તેમના માટે સમાજ પ્રત્યેની જવાબદારી નિભાવવી એ માત્ર પૂજા-પાઠ કે ધાર્મિક વિધિઓ સુધી સીમિત નથી. તેમનું માનવું છે કે માનવતા અને સમાજની સેવા માટે વ્યક્તિગત સ્તરે આર્થિક અને શારીરિક યોગદાન આપવું પણ એટલું જ જરૂરી છે.
પતિ-પત્નીએ સાથે મળીને લીધો દેહદાનનો મહાસંકલ્પ
માત્ર આર્થિક સંપત્તિનું દાન જ નહીં, પરંતુ જસ્ટિસ અવનીન્દ્ર કુમાર સિંહ અને તેમનાં પત્ની ઈન્દિરા સિંહે મૃત્યુ પછી પોતાના શરીરનું દાન (દેહદાન) કરવાનો પણ સંકલ્પ લીધો છે. તેમણે નિવૃત્તિના બે દિવસ પહેલાં જ એક મેડિકલ કોલેજ મારફતે પોતાના દેહદાનનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. જેથી મૃત્યુ પછી પણ તેમનું શરીર મેડિકલના વિદ્યાર્થીઓના અભ્યાસ અને વૈજ્ઞાનિક સંશોધનો માટે ઉપયોગી થઈ શકે.
અહેવાલો મુજબ, જીવનભરની કમાણી સમાજને અર્પણ કરવાનો અને દેહદાન કરવાનો આ અનોખો વિચાર તેમની પત્ની ઈન્દિરા સિંહનો હતો. પતિ-પત્નીના આ ઉમદા નિર્ણકની ચારેય તરફ પ્રશંસા થઈ રહી છે.
‘નિવૃત્તિ એ અંત નથી, એક નવી શરૂઆત છે’
વિદાય સમારંભમાં ઉપસ્થિત સાથી ન્યાયાધીશો અને વકીલોને સંબોધતા જસ્ટિસ સિંહે કહ્યું કે, “નિવૃત્તિ એ જીવનનો અંત નથી, પરંતુ એક નવા અધ્યાયની શરૂઆત છે.” તેમણે ઈચ્છા વ્યક્ત કરી હતી કે નિવૃત્તિ પછી પણ તેઓ વિવિધ માધ્યમો દ્વારા સમાજના કલ્યાણ માટે સતત કાર્યરત રહેશે.
પોતાની ૩૬ વર્ષની લાંબી ન્યાયિક કારકિર્દીને યાદ કરતા તેમણે પોતાના ગુરુઓ, વરિષ્ઠ જજ સાહેબો, કોર્ટના કર્મચારીઓ અને વહીવટી અધિકારીઓનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે પોતાના બાળપણના સંઘર્ષોનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે ખૂબ જ નાની ઉંમરે માતાનું છત્ર ગુમાવ્યા બાદ તેમની માસીએ તેમને પોતાના પુત્રની જેમ ઉછેરીને મોટા કર્યા હતા. માસી પાસેથી મળેલી પ્રેરણાને યાદ કરતા તેમણે કહ્યું કે જીવનમાં સફળતાનો કોઈ ટૂંકો રસ્તો (Short-cut) હોતો નથી. સખત મહેનત અને પ્રામાણિક પ્રયાસો વગર મળેલી સફળતા લાંબો સમય ટિકતી નથી.

૧૯૯૦થી શરૂ થઈ હતી ન્યાયિક સેવાની સફર
જસ્ટિસ અવનીન્દ્ર કુમાર સિંહે ૩૧ મે ૧૯૯૦ના રોજ સિવિલ જજ (ક્લાસ-II) તરીકે પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. પોતાની ૩૬ વર્ષની સેવા દરમિયાન તેમણે મધ્ય પ્રદેશના અનેક જિલ્લાઓમાં ન્યાયાધીશ તરીકે પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
૨૦૧૮: છતરપુર ખાતે જિલ્લા અને સત્ર ન્યાયાધીશ તરીકે નિયુક્તિ.
૨૦૨૨: ધાર ખાતે પ્રધાન જિલ્લા અને સત્ર ન્યાયાધીશનો પદભાર સંભાળ્યો.
૧ મે ૨૦૨૩: મધ્ય પ્રદેશ હાઈકોર્ટના જજ તરીકે શપથ લીધા.
૧૭ સપ્ટેમ્બર ૨૦૨૬: હાઈકોર્ટના જજ તરીકે તેમનો કાર્યકાળ પૂર્ણ થયો.
પોતાની સમગ્ર કારકિર્દી દરમિયાન ન્યાયિક નિષ્ઠા જાળવી રાખ્યા બાદ, નિવૃત્તિ સમયે તેમણે લીધેલો આ દાનનો નિર્ણય સમાજ માટે એક ઉત્કૃષ્ટ ઉદાહરણ બની રહેશે.
