અન્ન એટીએમ, બોર્ડ પરીક્ષા આયોજન અને ફાગવેલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ મુદ્દે નડિયાદ કલેકટર કચેરીમાં વ્યાપક સમીક્ષા
નડિયાદ કલેક્ટર કચેરી ખાતે સાંસદ દેવુસિંહ ચૌહાણ અને કલેક્ટર અમિત પ્રકાશ યાદવના નેતૃત્વમાં જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત સરકારની આધુનિક પહેલ ‘અન્ન એટીએમ’ (Grain ATM) વિશે વિશેષ ચર્ચા કરવામાં આવી હતી. આ મશીન દ્વારા રાશન વિતરણની પ્રક્રિયા વધુ પારદર્શક અને સરળ બનશે. કલેક્ટર અને સાંસદશ્રીએ જિલ્લા પુરવઠા અધિકારી સાથે આ ‘ઓટો ગ્રેઈન ડિસ્પેન્સિંગ મશીન’ જિલ્લામાં વહેલી તકે શરૂ કરવા બાબતે જરૂરી સમીક્ષા કરી હતી.
ડાકોર ફાગણી પૂનમના મેળા માટે વહીવટી તંત્ર સજ્જ
આગામી ૨૭ ફેબ્રુઆરીથી ૩ માર્ચ સુધી ડાકોર ખાતે યોજાનારા સુપ્રસિદ્ધ ફાગણી પૂનમના મેળાના આયોજન અંગે બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી. પદયાત્રીઓની સુવિધા માટે રસ્તા, પીવાનું પાણી, સફાઈ અને સુરક્ષા જેવી બાબતો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મેળા દરમિયાન કોઈ પણ મેડિકલ ઈમરજન્સીને પહોંચી વળવા માટે ૧૨ એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવશે. આ ઉપરાંત, ડાકોર, મહેમદાવાદ અને ગળતેશ્વર ખાતે પણ વિશેષ આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ રહેશે જેથી શ્રદ્ધાળુઓને કોઈ તકલીફ ન પડે.
ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરક્ષા વ્યવસ્થા
ડાકોર આવતા પદયાત્રીઓની સુરક્ષા માટે અંદાજે ૨૦૦૦ જેટલા પોલીસ જવાનો તૈનાત કરવામાં આવશે. નાયબ પોલીસ અધિક્ષક ડૉ. દિવ્યાબેન જાડેજાએ જણાવ્યું કે સમગ્ર મેળા વિસ્તાર અને પદયાત્રાના માર્ગો પર સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે. શ્રદ્ધાળુઓ શાંતિપૂર્ણ રીતે દર્શન કરી શકે તે માટે કાયદો અને વ્યવસ્થાનું ચુસ્ત પાલન કરવામાં આવશે. પદયાત્રાના માર્ગો પર મોબાઈલ ટોયલેટ અને પીવાના પાણીની વ્યવસ્થા પણ સુનિશ્ચિત કરવામાં આવી છે.
ફાગવેલ તાલુકાનો વિકાસ અને બોર્ડ પરીક્ષાનું આયોજન
મુખ્યમંત્રીશ્રી દ્વારા નવરચિત ફાગવેલ તાલુકામાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ ઝડપથી પૂર્ણ કરવા કલેક્ટરશ્રીએ સૂચના આપી હતી. આ માટે નજીકના સમયમાં ચિંતન શિબિર યોજીને નવા તાલુકાના વિકાસ માટે આયોજન કરવામાં આવશે. આ ઉપરાંત, આગામી ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડ પરીક્ષાઓના સુચારૂ સંચાલન, રોડ સેફ્ટી, અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેવી વિવિધ સમિતિઓની કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી અને અન્ય ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

