અવકાશમાં મહિલા અને અશ્વેત શક્તિનો ડંકો: આર્ટેમિસ-2 ના લોન્ચિંગની તસવીરો જોઈને તમે પણ કહેશો ‘અદભૂત’!
અવકાશ વિજ્ઞાનના ઇતિહાસમાં આજે એક નવો અધ્યાય લખાયો છે. ૫૦ વર્ષથી વધુ લાંબા ઇંતજાર પછી, માનવજાત ફરી એકવાર ચંદ્ર તરફ ડગ માંડી રહી છે. નાસાના આ મહત્વકાંક્ષી આર્ટેમિસ II (Artemis II) મિશનનું બુધવારે સફળ લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. હાલમાં ઓરિયન સ્પેસક્રાફ્ટ પૃથ્વીની ભ્રમણકક્ષામાં સફળતાપૂર્વક પરિક્રમા કરી રહ્યું છે, જ્યાં અવકાશયાત્રીઓ ચંદ્રની સફર શરૂ કરતા પહેલા તમામ સિસ્ટમ્સનું ચેકિંગ કરી રહ્યા છે.
નવા યુગની શરૂઆત: એપોલો યુગ પછીનું પ્રથમ માનવ મિશન
કેનેડી સ્પેસ સેન્ટર ખાતે જ્યારે ૩૨ માળ જેટલું ઊંચું રોકેટ આકાશને ચીરીને ઉપર ગયું, ત્યારે હજારો લોકો આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા હતા. આ મિશન માત્ર ચંદ્રની મુલાકાત નથી, પરંતુ આગામી બે વર્ષમાં ચંદ્રની સપાટી પર માનવીને ઉતારવા માટેનો એક મોટો પાયો છે. ૧૦ દિવસના આ મિશનમાં ચાર અવકાશયાત્રીઓ ચંદ્રની ફરતે હાઈ-સ્પીડ ચક્કર લગાવીને પરત ફરશે.
ઉડાન ભર્યાની માત્ર પાંચ જ મિનિટમાં, મિશન કમાન્ડર રીડ વાઈઝમેને કેપ્સ્યુલમાંથી ઉત્સાહપૂર્વક જણાવ્યું કે, “અમે સુંદર ચંદ્ર ઉદય જોઈ શકીએ છીએ, અમે સીધા તેની તરફ જઈ રહ્યા છીએ.” આ મિશન દ્વારા નાસા ચંદ્ર પર કાયમી હાજરી સ્થાપિત કરવા તરફ તેનું સૌથી મોટું કદમ ઉઠાવી રહ્યું છે.
સૌથી વિવિધતાસભર ક્રૂ: ઇતિહાસ રચતા ચાર અવકાશયાત્રીઓ
આર્ટેમિસ II મિશન તેની વિવિધતા માટે પણ યાદ રાખવામાં આવશે. આ અત્યાર સુધીનું સૌથી વૈવિધ્યસભર લુનર ક્રૂ છે, જેમાં નીચેના સભ્યો સામેલ છે:
-
કમાન્ડર રીડ વાઈઝમેન (અમેરિકા)
-
પાયલટ વિક્ટર ગ્લોવર (ચંદ્ર મિશન પર જનાર પ્રથમ અશ્વેત વ્યક્તિ)
-
ક્રિસ્ટિના કોચ (ચંદ્ર મિશન પર જનાર પ્રથમ મહિલા)
-
જેરેમી હેન્સન (ચંદ્ર મિશન પર જનાર પ્રથમ બિન-અમેરિકન – કેનેડા)
આ અવકાશયાત્રીઓ તેમની ૧૦ દિવસની ટેસ્ટ ફ્લાઇટના પ્રથમ ૨૫ કલાક પૃથ્વીની નજીક જ વિતાવશે. આ સમય દરમિયાન તેઓ ઓરિયન કેપ્સ્યુલની તમામ સિસ્ટમ્સ અને મશીનરીની ચકાસણી કરશે. જો કોઈ નાની-મોટી ટેકનિકલ ખામી (Glitch) જણાશે, તો તેને પૃથ્વીની ભ્રમણકક્ષામાં જ સુધારી લેવામાં આવશે.
ચંદ્રની સફરનો આગામી પડાવ
સિસ્ટમ ચેક પૂરો થયા પછી, સ્પેસક્રાફ્ટના મુખ્ય એન્જિનને ફાયર કરવામાં આવશે, જે ઓરિયનને પૃથ્વીની ભ્રમણકક્ષામાંથી બહાર કાઢીને સીધું ચંદ્ર તરફ ધકેલશે. આ મિશનનો મુખ્ય હેતુ એ ચકાસવાનો છે કે શું નાસાનું નવું ઓરિયન કેપ્સ્યુલ અને સ્પેસ લોન્ચ સિસ્ટમ (SLS) રોકેટ માનવીને સુરક્ષિત રીતે ચંદ્ર સુધી લઈ જવા અને પાછા લાવવા માટે સક્ષમ છે કે નહીં.
આ સફળતા પછી, નાસા આ દાયકાના અંત સુધીમાં અવકાશયાત્રીઓને ફરીથી ચંદ્રની સપાટી પર ઉતારવાનું લક્ષ્ય રાખે છે. આ મિશન માત્ર વિજ્ઞાન માટે જ નહીં, પણ સમગ્ર માનવજાત માટે એક નવી આશા લઈને આવ્યું છે કે હવે ચંદ્ર પર રહેવું એ માત્ર કલ્પના નહીં પણ વાસ્તવિકતા બનવા જઈ રહી છે.

