અમેરિકામાં બરફીલા તોફાનનો કહેર: 153 વર્ષમાં પહેલીવાર અખબાર ન છપાયું, લાખો ઘરોમાં અંધારપટ અને જનજીવન ઠપ
અમેરિકાના ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં આવેલા ભીષણ ‘નોરઈસ્ટર’ (Noreaster) તોફાને ભારે તબાહી મચાવી છે. રેકોર્ડબ્રેક હિમવર્ષા અને પ્રચંડ પવનને કારણે અમેરિકાના અનેક રાજ્યો થંભી ગયા છે. સ્થિતિ એટલી ગંભીર છે કે હજારો ફ્લાઈટ્સ રદ કરવી પડી છે અને લાખો પરિવારો વીજળી વગર અંધારામાં રહેવા મજબૂર બન્યા છે. ન્યૂયોર્ક અને મેસેચ્યુસેટ્સ જેવા વિસ્તારોમાં ઈમરજન્સી જાહેર કરીને ટ્રાવેલ બેન પણ લાદવામાં આવ્યો છે.
153 વર્ષનો રેકોર્ડ તૂટ્યો: અખબારનું પ્રિન્ટિંગ બંધ રહ્યું
આ તોફાનની ગંભીરતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે પ્રખ્યાત અખબાર તેના 153 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર પોતાનું પ્રિન્ટ એડિશન બહાર પાડી શક્યું નથી. ભારે બરફવર્ષાને કારણે કર્મચારીઓ પ્રિન્ટિંગ પ્રેસ સુધી પહોંચી શક્યા નહોતા. આ ઉપરાંત, સમગ્ર વિસ્તારમાં 6 લાખથી વધુ ઘરો અને ઓફિસોમાં વીજળી ગુલ થઈ ગઈ છે, જેના કારણે કકડતી ઠંડીમાં લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે.
3 ફૂટથી વધુ બરફની ચાદર અને હજારો ફ્લાઈટ્સ રદ
નેશનલ વેધર સર્વિસના જણાવ્યા અનુસાર, રોડ આઇલેન્ડ અને મેસેચ્યુસેટ્સમાં 37 ઇંચ (લગભગ 3 ફૂટ) સુધી બરફ નોંધાયો છે. ન્યૂયોર્કના સેન્ટ્રલ પાર્કમાં પણ 20 ઇંચ જેટલી હિમવર્ષા થઈ છે. ખરાબ વિઝિબિલિટી અને રનવે પર બરફ જામી જવાને કારણે રવિવારથી મંગળવાર દરમિયાન 11,000 થી વધુ ફ્લાઈટ્સ રદ કરવામાં આવી છે. પવનની ગતિ કલાકના 110 માઈલ સુધી પહોંચી ગઈ હતી, જેણે છેલ્લા એક દાયકાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે.
શું હોય છે આ ‘નોરઈસ્ટર’ તોફાન?
અમેરિકાના પૂર્વી તટ પર આવતા આ શક્તિશાળી શિયાળુ તોફાનને ‘નોરઈસ્ટર’ કહેવામાં આવે છે કારણ કે તેમાં પવન ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાય છે. જ્યારે કેનેડા તરફથી આવતી અતિશય ઠંડી હવા એટલાન્ટિક મહાસાગરની ગરમ અને ભેજવાળી હવા સાથે ટકરાય છે, ત્યારે આ ખતરનાક સિસ્ટમ સર્જાય છે. જેત સ્ટ્રીમ (Jet Stream) આ તોફાનને વધુ વેગ આપે છે, જેના પરિણામે ભારે હિમવર્ષા અને દરિયાઈ ભરતી જેવી સ્થિતિ સર્જાય છે.
રાજ્યોમાં કટોકટી અને સાવચેતીના પગલાં
ન્યૂયોર્ક સિટીમાં સુરક્ષાને ધ્યાનમાં રાખીને શાળાઓ, પુલ અને હાઈવે અસ્થાયી રૂપે બંધ કરી દેવામાં આવ્યા હતા. મેસેચ્યુસેટ્સના ગવર્નર મૌરા હીલીએ લોકોને ઘરમાં રહેવાની અપીલ કરી છે અને બિનજરૂરી મુસાફરી પર પ્રતિબંધ મૂક્યો છે. જોકે, હવે ધીમે ધીમે પરિસ્થિતિમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ બરફ હટાવવાની કામગીરી હજુ પણ યુદ્ધના ધોરણે ચાલી રહી છે.

