Natural Farming Gujarat: પિતા-પુત્રની પ્રાકૃતિક ખેતીથી ગામમાં નવી પ્રેરણા
Natural Farming Gujarat: મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના સાંપાવાડા ગામના રહેવાસી શંકરભાઈ પટેલ અને તેમના પુત્ર મિતેશકુમાર શંકરલાલ પટેલ આજે પ્રાકૃતિક ખેતીના ક્ષેત્રમાં એક અનોખું ઉદાહરણ બની ગયા છે. પિતા વર્ષોનો ખેતીનો અનુભવ ધરાવે છે, જ્યારે પુત્ર મિતેશકુમારએ ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં બી.ઈ. પૂર્ણ કર્યું છે. બંનેએ વર્ષ 2023માં મળીને ગાય આધારિત નેચરલ ફાર્મિંગ શરૂ કરી હતી, જે હવે સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની ગયું છે.
મિતેશભાઈ હાલ અમદાવાદમાં રહે છે, પરંતુ રજાઓ દરમિયાન તેઓ પોતાના ગામે પાછા આવીને ખેતીમાં સક્રિય ભાગ લે છે. પિતા-પુત્ર મળીને આશરે 17 વીઘા જમીનમાં વિવિધ પાકોનું પ્રાકૃતિક રીતે ઉત્પાદન કરે છે. રાસાયણિક દવાઓ કે ખાતર વગર તેઓ ગાયના ગોબર અને ગૌમૂત્રથી તૈયાર થતા જીવામૃત અને ઘનજીવામૃતનો ઉપયોગ કરે છે. આ વર્ષે તેમણે નવા પ્રયોગ રૂપે 200 આંબાના ઝાડ વચ્ચે આંતરપાક તરીકે હળદર વાવી છે, જેથી એક જ જમીન પરથી બે પાકની આવક મેળવી શકાય. સાથે સાથે બે વીઘાથી વધુ જમીનમાં મગફળીનું વાવેતર પણ કર્યું છે.

શંકરભાઈના જણાવ્યા મુજબ, મગફળીમાંથી આશરે 50 મણ ઉત્પાદન થવાની સંભાવના છે. ગયા વર્ષે તેમણે અઢી વીઘા જમીનમાં પ્રાકૃતિક રીતે ઘઉં ઉગાડ્યા હતા, જેમાંથી 90 મણ ઉત્પાદન મળ્યું હતું. એ ઘઉં 20 કિલો દીઠ 1,000 રૂપિયામાં વેચાતા લગભગ 90,000 રૂપિયાની આવક થઈ હતી. તેમનું માનવું છે કે નેચરલ ફાર્મિંગમાં ખર્ચ ઓછો રહે છે, નફો વધુ મળે છે, જમીનની ઉર્વરતા વધે છે અને પાકની ગુણવત્તા પણ ઉત્તમ બને છે.
આ વર્ષે તેઓ મગફળીના દાણામાંથી તેલ કાઢીને સીધું વેચાણ કરવાની યોજના ધરાવે છે, જેથી મૂલ્યવર્ધન થઈ શકે. આગામી સિઝનમાં તેઓ ચણા અને ઘઉં જેવા પાકોનું પણ વાવેતર કરશે. જો પાક અનુકૂળ આવે તો એક વીઘામાંથી 50,000 રૂપિયા સુધીની આવક થવાની ધારણા છે.

શંકરભાઈ અને મિતેશભાઈ માને છે કે પ્રાકૃતિક ખેતી માત્ર નફાકારક જ નથી, પણ જમીન અને પર્યાવરણ બંને માટે ફાયદાકારક છે. તેઓ અગાઉ રોજગાર માટે અમદાવાદ સ્થાયી થયા હતા, પરંતુ પુત્રના અભ્યાસ પછી ફરી વતનમાં પાછા જઈ ખેતી શરૂ કરવાનો નિર્ણય લીધો. આજે તેમની સફળતા જોઈને ગામના અન્ય ખેડૂતો પણ આ પદ્ધતિ અપનાવવા પ્રેરાઈ રહ્યા છે.
સાંપાવાડા ગામમાં અગાઉ ક્યારેય હળદરનું વાવેતર ન થયું હતું, પણ આ પિતા-પુત્રે જોખમ લઈ નવી શરૂઆત કરી છે. તેમના ખેતરમાં આવતા લોકો પ્રાકૃતિક ખાતર બનાવવાની રીતો, જીવામૃત તૈયાર કરવાની પ્રક્રિયા અને પાક સંભાળ અંગે માહિતી મેળવી રહ્યા છે. આ રીતે તેઓ માત્ર પોતાનું જ ભવિષ્ય સુધારી રહ્યા નથી, પરંતુ સમગ્ર સમાજને ઝેરમુક્ત ખોરાક, સ્વસ્થ જીવન અને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપી રહ્યા છે.

