મૂળ, ડાળી અને પાંદડાના સંતુલનથી વધુ ઉત્પાદન મેળવવાની પ્રાકૃતિક કૃષિ રીત
રાજ્યને આગામી ૫ વર્ષમાં સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી યુક્ત બનાવવા માટે રાજ્ય સરકાર મિશન મોડમાં કામ કરી રહી છે. આ પદ્ધતિમાં સૌથી મહત્વનો સ્તંભ ‘વરાપ’ છે. સામાન્ય રીતે ખેડૂતો ખેતરમાં પાણી ભરી દેતા હોય છે, પરંતુ વૈજ્ઞાનિક દૃષ્ટિએ જમીનના બે કણો વચ્ચે ૫૦ ટકા વરાળ અને ૫૦ ટકા હવાનું પ્રમાણ હોવું જોઈએ, જેને ‘વરાપ’ કહેવામાં આવે છે.
પાણી આપવાની સાચી પદ્ધતિ અને તેના ફાયદા
જો જમીનમાં પાણી ભરાઈ જાય, તો ઓક્સિજનના અભાવે જમીનના ઉપયોગી જીવાણુઓ અને છોડના મૂળ નાશ પામે છે, જેનાથી પાક પીળો પડી જાય છે. વરાપ નિર્માણ માટે નીચે મુજબની બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે:
-
મૂળનું સ્થાન: છોડના પાંદડાનો છાંયો બપોરે ૧૨ વાગ્યે જ્યાં પડે છે, તેની છેલ્લી હદ પર વરાળ લેનારા મૂળ હોય છે.
-
વ્યવસ્થાપન: થડની નજીક પાણી ભરાવાને બદલે છાંયડાની બહારથી નાળું કાઢવું જોઈએ અને થડ પર માટી ચડાવવી જોઈએ.
વૃક્ષાકાર સમજ અને ડાળી-થડનો ઘેરાવો
પાકનું ઉત્પાદન વધારવા માટે છોડની પ્રકાશ સંશ્લેષણ (Photosynthesis) પ્રક્રિયા અને તેના ડાળી-થડના ઘેરાવા વચ્ચે સીધો સંબંધ છે:
૧. ખોરાકનો સંગ્રહ: પાંદડા દ્વારા તૈયાર થયેલો ખોરાક ડાળી અને થડમાં સંગ્રહાય છે. જો ડાળીનો ઘેરાવો ઓછો હોય, તો તૈયાર થયેલો બધો ખોરાક સંગ્રહી શકાતો નથી અને ઉત્પાદન ઘટે છે.
૨. મૂળ સાથે સંબંધ: ડાળીનો ઘેરાવો વધારવા માટે મૂળનો ઘેરાવો વધારવો અનિવાર્ય છે.
૩. પાણીનું અંતર: જો છોડને તેના મૂળથી ૬ ઈંચ દૂર પાણી આપવામાં આવે, તો મૂળ પાણીની શોધમાં લાંબા થાય છે. પરિણામે, ડાળીઓનો ઘેરાવો વધે છે, પાંદડાઓની સંખ્યા વધે છે અને અંતે પાકનું ઉત્પાદન ૩૦ ટકા જેટલું વધી શકે છે.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમના પુસ્તક ‘પ્રાકૃતિક કૃષિ’ માં આ પદ્ધતિઓ વિશે ખેડૂતોને સરળ અને સચોટ માર્ગદર્શન પૂરું પાડ્યું છે. આ અભિગમ અપનાવવાથી જમીનની ફળદ્રુપતા વધશે અને ખેડૂતોની આવકમાં નોંધપાત્ર વધારો થશે.

