NCERT વિવાદ શું છે? ધોરણ 8 ના પુસ્તકમાં એવું તો શું લખાયું કે છેક સુપ્રીમ કોર્ટ અને શિક્ષણ મંત્રીએ આપવો પડ્યો જવાબ
શિક્ષણ જગતમાં હાલમાં એક મોટો વિવાદ સર્જાયો છે, જેની ગુંજ સુપ્રીમ કોર્ટથી લઈને વડાપ્રધાન કાર્યાલય સુધી સંભળાઈ રહી છે. NCERT (નેશનલ કાઉન્સિલ ઓફ એજ્યુકેશનલ રિસર્ચ એન્ડ ટ્રેનિંગ) ના ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં “ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર” (Judicial Corruption) વિષય પરના એક પ્રકરણને લઈને ભારે હોબાળો મચ્યો છે. આ બાબતે સુપ્રીમ કોર્ટે સખત નારાજગી વ્યક્ત કર્યા બાદ હવે કેન્દ્ર સરકાર અને શિક્ષણ મંત્રાલય એક્શન મોડમાં આવી ગયા છે. આ ઘટનાએ પાઠ્યપુસ્તકો તૈયાર કરવાની પ્રક્રિયા અને તેમાં રહેલી બેદરકારી સામે મોટા સવાલો ઉભા કર્યા છે.
સુપ્રીમ કોર્ટની નારાજગી અને NCERT ની તપાસ
આ વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે ધોરણ 8 ના પાઠ્યપુસ્તકમાં ન્યાયતંત્રની નબળાઈઓ અને ભ્રષ્ટાચાર અંગેના વિવાદાસ્પદ મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું. સુપ્રીમ કોર્ટે આ મામલે ગંભીર ટિપ્પણી કરતા કહ્યું કે, વિદ્યાર્થીઓના માનસ પર ન્યાયતંત્રની આવી નકારાત્મક છબી ઉભી કરવી તે અયોગ્ય છે. ન્યાયતંત્ર એ લોકશાહીનો મજબૂત સ્તંભ છે અને તેને લઈને કરવામાં આવેલી આ પ્રકારની રજૂઆતથી બાળકોમાં ન્યાય પ્રણાલી પ્રત્યેનો વિશ્વાસ ડગી શકે છે.
કોર્ટના આકરા વલણ બાદ, NCERT એ તાત્કાલિક ધોરણે તપાસ સમિતિની રચના કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, NCERT હવે એ બાબતની ઝીણવટભરી તપાસ કરી રહ્યું છે કે આ પ્રકરણ તૈયાર કરવામાં કઈ પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હતું અને કયા તબક્કે આ ગંભીર બેદરકારી રહી ગઈ. જે લોકો આ પ્રકરણના ડ્રાફ્ટિંગ અને રિવ્યુ પ્રોસેસમાં સામેલ હતા, તેમની જવાબદારી નક્કી કરવામાં આવશે. NCERT એ ખાતરી આપી છે કે ભવિષ્યમાં આવી ભૂલો ન થાય તે માટે અત્યંત કડક પગલાં લેવામાં આવશે.
સરકારનું કડક વલણ: પીએમઓની નારાજગી અને શિક્ષણ મંત્રીનું નિવેદન
આ મામલો માત્ર શિક્ષણ જગત પૂરતો મર્યાદિત રહ્યો નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ ઘટના અંગે નારાજગી વ્યક્ત કરી હોવાનું જાણવા મળ્યું છે. સરકાર માને છે કે શિક્ષણ ક્ષેત્રે આવું “જજમેન્ટ ઓફ એરર” સ્વીકાર્ય નથી. આ મામલે શિક્ષણ મંત્રાલય દ્વારા ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેકનોલોજી મંત્રાલય (MeitY) ને પત્ર લખીને ડિજિટલ પ્લેટફોર્મ પરથી આ વિવાદાસ્પદ સામગ્રીને હટાવવા અથવા તેમાં સુધારો કરવા માટેની સૂચનાઓ આપવામાં આવી છે.
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને પણ આ મામલે પોતાની વેદના અને ક્રોધ વ્યક્ત કર્યો છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, ન્યાયતંત્રમાં ભ્રષ્ટાચાર જેવા વિષયોને શાળાના પાઠ્યપુસ્તકોમાં સ્થાન આપવું તે અયોગ્ય છે. તેમણે ખાતરી આપી છે કે આ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડકમાં કડક એક્શન લેવામાં આવશે. મંત્રીએ એમ પણ કહ્યું કે, પાઠ્યપુસ્તકો એ રાષ્ટ્રના ભવિષ્યના નિર્માણ માટે છે, તેને કોઈ વિવાદાસ્પદ વિચારધારાનું મેદાન ન બનાવવું જોઈએ.
જવાબદારી નક્કી કરવાના પ્રયાસો અને ભવિષ્યની સાવચેતી
NCERT દ્વારા હવે ‘ટેક્સ્ટબુક ડેવલપમેન્ટ કમિટી’ ના સભ્યો અને વિષય નિષ્ણાતોની ભૂમિકાની તપાસ કરવામાં આવી રહી છે. સામાન્ય રીતે, પાઠ્યપુસ્તક તૈયાર થયા બાદ તે અનેક સ્તરે રિવ્યુ કરવામાં આવે છે. છતાં પણ આવું સંવેદનશીલ પ્રકરણ કેવી રીતે પાસ થઈ ગયું, તે એક મોટો કોયડો છે. શિક્ષણ મંત્રાલય હવે એવી સિસ્ટમ વિકસાવવા પર ભાર મૂકી રહ્યું છે કે જેમાં માત્ર વિષયના નિષ્ણાતો જ નહીં, પરંતુ કાયદાકીય અને બંધારણીય પાસાઓને સમજતા લોકો પણ રિવ્યુ પ્રક્રિયામાં સામેલ હોય.
આ વિવાદે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) ના અમલીકરણ દરમિયાન સામગ્રીની ગુણવત્તા પર પણ પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે, ન્યાયતંત્રમાં સુધારાની જરૂરિયાત વિશે વાત કરવી અલગ બાબત છે, પરંતુ તેને ‘ભ્રષ્ટાચાર’ તરીકે શાળાના બાળકો સામે રજૂ કરવી તે અત્યંત જોખમી છે. હવે આગામી દિવસોમાં NCERT ના સેટઅપમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે, જેથી પાઠ્યપુસ્તકો માત્ર જ્ઞાનપ્રદ જ નહીં, પણ રાષ્ટ્રીય સંસ્થાઓ પ્રત્યે આદર જળવાય તેવી ગરિમાપૂર્ણ પણ રહે.

