શિક્ષણ મંત્રીના રાજીનામાની માગ તેજ! શું આજના ધમાસણમાં ધર્મેન્દ્ર પ્રધાન ખુરશી ગુમાવશે?
દેશભરમાં ચર્ચાનો વિષય બનેલા NEET-UG પેપર લીક અને શિક્ષણ વ્યવસ્થામાં ગડબડના મુદ્દે ચાલી રહેલું આંદોલન હવે એક મહત્વપૂર્ણ વળાંક પર પહોંચ્યું છે. ગુરુવારે મોડી રાત્રે કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા માહિતી આપવામાં આવી હતી કે કેન્દ્ર સરકાર તેમની સાથે તટસ્થ સ્થળે મધ્યસ્થી અને વાતચીત કરવા માટે તૈયાર થઈ ગઈ છે. વિદ્યાર્થીઓ અને પ્રદર્શનકારીઓ શરૂઆતથી જ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહ્યા છે, અને આ જ મુદ્દે સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે આજે બેઠક યોજાવાની છે.
આ મહત્વનો ઘટનાક્રમ એવા સમયે સામે આવ્યો છે જ્યારે જાણીતા પર્યાવરણવાદી અને સામાજિક કાર્યકર સોનમ વાંગચુક પણ ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને ડૉ. જિતેન્દ્ર સિંહની હાજરીમાં પોતાના ૨૬ દિવસ લાંબા ઉપવાસનો અંત આણ્યો હતો. વાંગચુક પણ દેશના વિદ્યાર્થીઓના હિત અને શિક્ષણ પ્રણાલીમાં સુધારાની આ જ માંગણીઓ સાથે ભૂખ હડતાળ પર બેઠા હતા.

કન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા ખાતે યોજાશે મહત્વની બેઠક
કોકરોચ જનતા પાર્ટી (CJP) તરફથી જણાવાયું છે કે સરકારે તેમની માંગણીઓ સાંભળવા અને એક તટસ્થ સ્થળે ચર્ચા કરવા માટે સંમતિ આપી છે. CJP મુજબ, આ બેઠક દિલ્હી સ્થિત ‘કન્સ્ટિટ્યુશન ક્લબ ઓફ ઈન્ડિયા’ ખાતે યોજાશે. આ બેઠકમાં પક્ષ પોતાના તમામ મુખ્ય મુદ્દાઓ સરકાર સમક્ષ રાખશે, જેમાં સૌથી પહેલી માંગણી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું છે.
CJPના પ્રવક્તા સૌરવ દાસે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, “આવતીકાલે વાતચીત માટે બોલાવવામાં આવ્યા છે, અને સરકારે કોઈ તટસ્થ સ્થળે ચર્ચા કરવાની અમારી વિનંતી સ્વીકારી છે તેનો અમને આનંદ છે. આ માટે કન્સ્ટિટ્યુશન ક્લબની પસંદગી કરવામાં આવી છે.”
સોનમ વાંગચુક દ્વારા ઉપવાસ સમેટવાના નિર્ણય અંગે વાત કરતા સૌરવ દાસે ઉમેર્યું, “અમે જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ. ત્યાં ઈન્ટરનેટ કનેક્ટિવિટી નબળી હતી અને જામર કાર્યરત હોવાને કારણે યોગ્ય સિગ્નલ નહોતા મળતા. એટલે અમને મોડેથી સમાચાર અહેવાલો દ્વારા ખબર પડી. પરંતુ આ ખરેખર રાહતની વાત છે. અમે ગઈકાલે જ તેમને પત્ર લખીને ઉપવાસ છોડવા અપીલ કરી હતી, કારણ કે તેમના ઉપવાસના ૨૫ દિવસ પૂરા થઈ ગયા હતા અને આજે ૨૬મો દિવસ હતો.”
“ફાસ્ટ ટ્રેક કોર્ટની જાહેરાતોનો કોઈ અર્થ નથી” – પ્રવક્તાનો આકરો પ્રહાર
પેપર લીકના ગુનેગારોને કડક સજા અપાવવા માટે ફાસ્ટ ટ્રેક કોર્ટ સ્થાપવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ખાતરી આપતી ટ્વિટ અંગે પૂછવામાં આવતા સૌરવ દાસે તેને લોકોનું ધ્યાન ભટકાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું, “આવી જાહેરાતોનો કોઈ વ્યવહારુ ઉપયોગ નથી. આ માત્ર લોકોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસો છે. અમે આ મુદ્દે માત્ર મૌખિક ખાતરીઓ નથી ઈચ્છતા, પરંતુ જવાબદારી અને જવાબદેહી નક્કી થાય તે ઈચ્છીએ છીએ. કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાથી ઓછી કોઈ પણ બાબતે અમે કોઈ બાંધછોડ કરવા તૈયાર નથી.”
CJPના અન્ય એક પ્રવક્તા વૈષ્ણવી ગૌરે પક્ષની ચાર મુખ્ય માંગણીઓ દોહરાવતા કહ્યું, “સરકાર અમારી સાથે તટસ્થ સ્થળે મળવા સંમતિ આપી છે. અમે પ્રથમ દિવસથી જ જે માંગણીઓ પર મક્કમ છીએ તે જ રજૂ કરીશું. અમારી મુખ્ય ચાર માંગણીઓ છે: ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, પીડિત અને અસરગ્રસ્ત પરિવાર માટે યોગ્ય વળતર, અને નિર્દોષ વિદ્યાર્થીઓ તથા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલી તમામ FIR તાત્કાલિક પાછી ખેંચવી.”

સોનમ વાંગચુકના ઉપવાસના અંત પર અભિજીત દીપકે વ્યક્ત કરી રાહત
CJPના સ્થાપક અભિજીત દીપકે સોનમ વાંગચુકના ૨૬ દિવસના ઉપવાસના અંતને આવકારતા કહ્યું કે તેમનું જીવન આ દેશ માટે ખૂબ જ કિંમતી છે. તેમણે વાંગચુકના અસાધારણ સાહસ અને બલિદાનની પ્રશંસા કરી હતી.
પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટમાં દીપકે લખ્યું, “સોનમ સર દ્વારા ૨૬ દિવસ પછી ભૂખ હડતાળ સમાપ્ત કરવાના સમાચારથી અમે ભારે રાહત અને કૃતજ્ઞતા અનુભવીએ છીએ. આપની અસાધારણ હિંમત અને ત્યાગ માટે આભાર સર. પોતાના જીવનને જોખમમાં મૂકીને આપે આખા દેશના વિવેકને જગાડવાનું કામ કર્યું છે. આપનું જીવન આ દેશ માટે અનમોલ છે.”
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતર-મંતર પર પ્રદર્શન ચાલુ રહેશે
અભિજીત દીપકે આ સાથે સ્પષ્ટ કર્યું કે વાંગચુકના ઉપવાસ પૂરા થયા હોવા છતાં તેમની પાર્ટીનું આંદોલન અટકશે નહીં. તેમણે જણાવ્યું કે, “જ્યાં સુધી શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું નહીં આપે ત્યાં સુધી જંતર-મંતર ખાતે કોકરોચ જનતા પાર્ટીનું શાંતિપૂર્ણ પ્રદર્શન ચાલુ જ રહેશે.”
બીજી તરફ, સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પર શેર કર્યું કે વિવિધ શરતો પર લાંબી વાટાઘાટો અને દેશમાં થનારી સંભવિત હિંસા તથા અશાંતિને ધ્યાનમાં રાખીને તેમણે ઉપવાસ પૂરા કરવાનો આ નિર્ણય લીધો છે.
ભાજપના સાંસદ મનોજ તિવારીએ આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આ નિર્ણય મોદી સરકાર પર લોકોના અટૂટ વિશ્વાસને દર્શાવે છે. તિવારીએ કહ્યું, “સોનમ વાંગચુકે પોતાના પારણા કર્યા છે… આ બાબત સાબિત કરે છે કે તેમને મોદી સરકારની નીતિઓ અને સંવેદનશીલતા પર વિશ્વાસ છે. મોદી સરકારે ૨૦૨૪માં પેપર લીક સામે કડક કાયદા બનાવ્યા હતા અને હવે વધુ સખત કાયદા લાવવા જઈ રહી છે. સોનમ વાંગચુકનો આ નિર્ણય સરકારની વિદ્યાર્થીઓ પ્રત્યેની જવાબદારી પર મંજૂરીની મહોર મારે છે.”
NEET-UG પેપર લીક મુદ્દે CJP દ્વારા ૨૪ જુલાઈએ દેશવ્યાપી શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શનનું આહ્વાન કરવામાં આવ્યું હતું, જેના દબાણ હેઠળ જ ગુરુવારે રાત્રે આ તમામ રાજકીય અને સામાજિક ઘટનાક્રમો ઝડપથી બદલાયા હતા. હવે સૌની નજર આજે થનારી સરકાર અને CJP વચ્ચેની મધ્યસ્થ બેઠક પર ટકેલી છે.