પૂરગ્રસ્ત નેપાળને ભારતનો મદદનો હાથ: વિદેશી સહાયના ઇનકાર વચ્ચે વિનંતી પર ટનલ રેસ્ક્યૂ ટીમ અને રાહત સામગ્રી રવાના
વિનાશક પૂર અને ભૂસ્ખલનની ગંભીર આપત્તિનો સામનો કરી રહેલા પડોશી દેશ નેપાળ માટે ભારતે ફરી એકવાર મજબૂત મદદનો હાથ લંબાવ્યો છે. નેપાળ સરકારે વિદેશી શોધ અને બચાવ ટીમો મોકલવાની ઓફરનો અસ્વીકાર કર્યા બાદ પણ, ભારત તેમની ચોક્કસ વિનંતી અને જરૂરિયાત મુજબ વિશેષ બચાવ સામગ્રી અને નિષ્ણાતો મોકલી રહ્યું છે.
વિદેશ મંત્રી એસ. જયશંકરે શુક્રવારે માહિતી આપી હતી કે નેપાળમાં એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટની ટનલમાં આશરે ૧૦૦ લોકો ફસાયેલા હોવાના અહેવાલો બાદ ટનલિંગ નિષ્ણાતોની એક ટીમને ત્યાં મોકલવાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત, રાહત અને બચાવ સામગ્રીથી ભરેલા ત્રણ વિમાનો અને મેડિકલ ટીમો પણ નેપાળ માટે રવાના કરવામાં આવી રહી છે.
ટનલમાં ફસાયેલા લોકો માટે વિશેષ ટીમ અને બેલી બ્રિજ રવાના
પૂરગ્રસ્ત નેપાળથી દિલ્હી પરત ફરેલા ૨૧ ભારતીયોના જૂથ સાથે મુલાકાત કર્યા બાદ વિદેશ મંત્રી એસ. જયશંકરે માધ્યમો સાથે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, “નેપાળના એક હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ ક્ષેત્રમાં મોટી સંખ્યામાં લોકો ટનલમાં ફસાયેલા હોવાની આશંકા છે, જેથી ટનલ બચાવ કામગીરીના નિષ્ણાતોની મદદ મોકલવામાં આવી રહી છે. આ સાથે જ કનેક્ટિવિટી ઝડપથી પુનઃસ્થાપિત કરવા માટે ઝડપથી એસેમ્બલ થઈ શકે તેવા બેલી બ્રિજ અને તબીબી ટીમો પણ મોકલવામાં આવી રહી છે.”

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે સાપ્તાહિક બ્રીફિંગ દરમિયાન ઉમેર્યું હતું કે નેપાળની વિનંતી મુજબ, ટનલ રેસ્ક્યૂ માટે જરૂરી સાધનો અને સ્થિતિની સમીક્ષા કરવા સૌપ્રથમ એક રેકી (સર્વે) ટીમ રવાના કરવામાં આવી છે. જો નેપાળ માંગ કરશે તો નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (NDRF) ના કર્મચારીઓને પણ તાત્કાલિક મોકલવામાં આવશે.
નેપાળે વિદેશી સર્ચ એન્ડ રેસ્ક્યૂ ટીમોનો ઇનકાર કેમ કર્યો?
ચીનની સરહદ નજીકના વિસ્તારોમાં વિનાશકારી પૂર અને ભૂસ્ખલનને કારણે નેપાળમાં ભારે તારાજી સર્જાઈ છે. આ હોનારતમાં ૫૪૭ થી વધુ લોકોના મોત થયા છે અને ૧૫૦૦ થી વધુ લોકો ગુમ છે. આ સ્થિતિમાં ભારત, ચીન, અમેરિકા, બ્રિટન, જાપાન અને બાંગ્લાદેશ સહિતના દેશોએ પોતાની બચાવ ટીમો મોકલવાની ઓફર કરી હતી.
જોકે, નેપાળ સરકારના પ્રવક્તા લોક બહાદુર છેત્રીએ સ્પષ્ટતા કરી હતી કે દેશની પોતાની સુરક્ષા એજન્સીઓ (નેપાળી સેના અને પોલીસ) શોધ અને બચાવ કામગીરી માટે સક્ષમ છે. વર્ષ ૨૦૧૫ ના મહાવિનાશક ભૂકંપ દરમિયાન ૩૪ દેશોની ૭૬ જેટલી આંતરરાષ્ટ્રીય ટીમો એકસાથે આવી પહોંચતા સંકલનમાં મોટી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. એ અનુભવને ધ્યાનમાં રાખીને આ વખતે વિદેશી સેના કે સર્ચ ટીમો લેવાનો ઇનકાર કરાયો છે.
#WATCH | Nepal flash flood | Delhi: EAM Dr S Jaishankar says, “I just received a group of Indians who had gone on pilgrimage to Kailash Mansarovar. They had been rescued after the floods. So, they were brought back to Kathmandu. They were rescued by Nepali Army. Then our Embassy… pic.twitter.com/mkSjHa5NBV
— ANI (@ANI) August 28, 2026
ફસાયેલા ભારતીયોનો સંપર્ક કરવાનો ભારતનો પ્રયાસ
નેપાળમાં પૂરની સ્થિતિ વચ્ચે ફસાયેલા ભારતીયોની સુરક્ષા સુનિશ્ચિત કરવી ભારત સરકાર માટે સર્વોચ્ચ પ્રાથમિકતા બની ગઈ છે. વિદેશ મંત્રીએ નોંધ્યું હતું કે શુક્રવારે ૮૫ ભારતીયોને બચાવી લેવાયા છે, પરંતુ હજુ પણ ૩૧૫ થી વધુ ભારતીયો સાથે સંપર્ક થઈ શક્યો નથી.
A third flight carrying 10 tonnes of humanitarian assistance has departed for Kathmandu.
The assistance includes portable generator sets, dignity kits, food packets and water purification tablets.
An 11-member team of doctors, paramedics & Recce team for Tunnel rescue… pic.twitter.com/PrqCbyoo9D
— Dr. S. Jaishankar (@DrSJaishankar) August 28, 2026
ભારતીય એમ્બેસી નેપાળી સત્તાવાળાઓ સાથે સતત સંપર્કમાં રહીને સંપર્કવિહોણા નાગરિકોને શોધવાના અને જેમને બચાવવામાં આવ્યા છે તેમને સુરક્ષિત સ્વદેશ પાછા લાવવાના પ્રયાસો ઝડપથી કરી રહી છે. કાઠમંડુ અને અસરગ્રસ્ત વિસ્તારોમાં રાહત પુરવઠો પહોંચાડવા માટે ભારતે અત્યાર સુધીમાં ૬૦ ટનથી વધુ રાહત સામગ્રી મોકલી આપી છે.
