નિર્મલા સીતારામનનો માસ્ટરસ્ટ્રોક! કેનેડા સાથે નવી રોકાણ સંધિથી ભારતમાં આવશે કરોડો ડોલરનું ફંડ!
ભારત અને કેનેડા વચ્ચેના આર્થિક અને રાજદ્વારી સંબંધો એક નવી અને મજબૂત દિશા તરફ આગળ વધી રહ્યા છે. બંને દેશો વચ્ચેના વ્યાપારી સહયોગને વધુ ગાઢ બનાવવા અને દ્વિપક્ષીય વેપારને વર્ષ ૨૦૩૦ સુધીમાં ₹૪.૬૫ લાખ કરોડ (૭૦ બિલિયન કેનેડિયન ડોલર) સુધી પહોંચાડવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને પ્રાપ્ત કરવા માટે ભારતે કેનેડા સાથે વહેલામાં વહેલી તકે બાઇલેટરલ ઇન્વેસ્ટમેન્ટ ટ્રીટી (Bilateral Investment Treaty – BIT) પર વાટાઘાટો શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે.
આ મહત્વપૂર્ણ જાહેરાત કેનેડા-ઈન્ડિયા ફાઇનાન્સ મિનિસ્ટર્સ ઈકોનોમિક એન્ડ ફાઇનાન્શિયલ ડાયલોગની પ્રથમ બેઠક બાદ કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં ભારતનાં કેન્દ્રીય નાણામંત્રી નર્મલા સીતારામન અને કેનેડાના નાણા અને રાષ્ટ્રીય મહેસૂલ મંત્રી ફ્રેન્કોઈસ-ફિલિપ શેમ્પેન (François-Philippe Champagne) સામસામે આવ્યા હતા અને બંને દેશો વચ્ચે આર્થિક ભાગીદારી વધારવા પર ભાર મૂક્યો હતો.
નરેન્દ્ર મોદી અને માર્ક કાર્નીના વિઝન પર આધારિત પગલું
આ વ્યૂહાત્મક આદાન-પ્રદાન માર્ચ ૨૦૨૬ માં નવી દિલ્હી ખાતે કેનેડાના વડાપ્રધાન માર્ક કાર્ની (Mark Carney) અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે થયેલી બેઠકમાં લેવાયેલા નિર્ણયો અને પ્રતિબદ્ધતાઓ પર આધારિત છે.
બંને દેશોના નાણા મંત્રાલયો દ્વારા જારી કરવામાં આવેલા સંયુક્ત નિવેદનમાં પુષ્ટિ કરવામાં આવી છે કે, “ભારતે કેનેડા સાથે શક્ય તેટલી વહેલી તકે દ્વિપક્ષીય રોકાણ સંધિ (BIT) પર વાટાઘાટો શરૂ કરવાની પોતાની સંપૂર્ણ તૈયારી દર્શાવી છે.” આ કરારનો મુખ્ય હેતુ બંને દેશોના રોકાણકારોને કાનૂની સંરક્ષણ આપવાનો અને સરહદ પારથી આવતા કેપિટલ (મૂડી રોકાણ) ને લાંબા ગાળાની સ્થિરતા અને સુરક્ષા પ્રદાન કરવાનો છે.
Building on the commitment made by Canadian Prime Minister H.E. Mr. @MarkJCarney and Prime Minister Shri @narendramodi at New Delhi in March 2026 to strengthen bilateral economic and financial cooperation, India and Canada adopted a Joint Statement post the inaugural India-Canada… pic.twitter.com/us8nuB8pXJ
— Ministry of Finance (@FinMinIndia) August 27, 2026
૨૦૨૬ ના અંત સુધીમાં CEPA પૂર્ણ કરવાનો સંકલ્પ
રોકાણના માળખા ઉપરાંત, બંને નાણામંત્રીઓએ વર્ષ ૨૦૨૬ ના અંત સુધીમાં કોમ્પ્રીહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ એગ્રીમેન્ટ (CEPA) માટેની વાટાઘાટોને આખરી ઓપ આપવાના તેમના સંકલ્પને દોહરાવ્યો છે.
આ આર્થિક માળખું CEPA હેઠળ સમાંતર લક્ષ્યાંક દ્વારા વધુ મજબૂત બનશે, જેનો ઉદ્દેશ ૨૦૩૦ સુધીમાં બંને દેશો વચ્ચેના ચીજવસ્તુઓના વેપાર (Merchandise Trade) ને ૫૦ બિલિયન ડોલર સુધી પહોંચાડવાનો છે. નોંધનીય છે કે નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૬ માં બંને દેશો વચ્ચે આ વેપાર ૮ બિલિયન ડોલર નોંધાયો હતો, જેમાં ભારત તરફથી $૪.૬૭ બિલિયનની નિકાસ અને $૩.૨૮ બિલિયનની આયાત સામેલ હતી. CEPA અમલમાં આવવાથી આ વેપારમાં અનેક ગણો વધારો થવાની અપેક્ષા છે.
કેનેડિયન પેન્શન ફંડ્સ અને ટેક્સ રાહતો પર ચર્ચા
આ ચર્ચાનો એક મુખ્ય વિષય ભારતમાં લાંબા ગાળાની સંસ્થાકીય મૂડી (Institutional Capital) નો ઉપયોગ કરવાનો હતો. બંને પક્ષોએ ભારતીય બજારમાં કેનેડિયન પેન્શન ફંડ્સના નોંધપાત્ર યોગદાન અને રોકાણનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.
નાણામંત્રીઓએ ચર્ચા કરી હતી કે કેવી રીતે ભારત સરકાર દ્વારા આપવામાં આવતી વર્તમાન કર રાહતો (Tax Relief) એ ભારતમાં કેનેડિયન રોકાણને પ્રોત્સાહિત કર્યું છે. મંત્રીઓએ એવા સ્થાનિક કર કાયદાઓના મહત્વ પર ભાર મૂક્યો હતો જે “રોકાણકારોને તેમના રોકાણના સંદર્ભમાં સ્થિરતા અને નિશ્ચિતતાની ખાતરી આપે છે”, જેથી ભવિષ્યમાં વધુ કેનેડિયન સંસ્થાકીય મૂડી ભારતીય ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અન્ય ક્ષેત્રોમાં આવી શકે.
ફિનટેક, રેમિટન્સ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર મોડર્નાઈઝેશન
આર્થિક સંબંધો ઉપરાંત, ફાઇનાન્શિયલ ટેકનોલોજી (Fintech) અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મોડર્નાઇઝેશન આ બેઠકના એજન્ડામાં અગ્રણી સ્થાને રહ્યા હતા.
બંને દેશોની સરકારોએ સરહદ પારથી મોકલવામાં આવતા નાણાં (Cross-Border Remittances) અને વ્યાપારી વ્યવહારો (Merchant Transactions) ને વધુ સરળ, ઝડપી અને સસ્તા બનાવવા માટે સંબંધિત નિયમનકારી સત્તામંડળો (Regulatory Authorities) વચ્ચે સહયોગ વધારવા પર સહેમતી દર્શાવી છે. આનાથી કેનેડામાં રહેતા ભારતીય સમુદાય અને બંને દેશોના વેપારીઓને મોટો ફાયદો થશે.
