તમાશો જોતું રહ્યું તંત્ર! કંડલા પોર્ટની જમીન પર ગેરકાયદે દબાણો મામલે જવાબદાર અધિકારીઓ સામે ઉઠ્યા સવાલો
કંડલા પોર્ટની જમીનનાં દબાણો હટાવવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરાઈ, હજારો એકર જમીનમાં દબાણો થયા અને કંડલા પોર્ટનું તંત્ર તમાશો જોતું રહ્યું, અધિકારીઓ શંકાનાં દાયરામાં, ભૂ-માફિયાઓએ માઝા મૂકી, હજારો એકર જમીન પચાવી પાડી, કુખ્યાત તત્વોની સંડોવણી

કચ્છ જિલ્લાના ભચાઉમાં આવેલા દિનદયાળ પોર્ટ એટલે કે કંડલા પોર્ટમાં ગેરકાયદે દબાણોનો મામલો વર્ષોથી ઉઠાવવામાં આવતો રહ્યો છે પંરતુ કંડલા પોર્ટના અધિકારીઓ અને સ્થાનિક સરકારી અધિકારીઓનાં મેળાપીપણામાં દબાણો કરવામાં આવ્યા હતા. હવે તંત્રે આળસ ખંખેરીને દબાણો દુર કરવાની પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અને નિર્ધારિત ધોરણો મુજબ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
કંડલા પોર્ટની જમીન પર મોટાભાગે મીઠાના અગરીયા આવેલા હતી અને હજારો એકર મીઠાની ખેતીની જમીન પર બેરોકટોક દબાણો કરવામાં આવેલા છે. હવે ડીપીએ દ્વારા દબાણો હટાવવાની ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી હોવાનું કહેવાઈ રહ્યું છે. પોર્ટની જમીન પર ઉભા થયેલા દબાણોને લઈ અનેક પ્રશ્નો પણ ચર્ચાઈ રહ્યા છે.
કંડલા પોર્ટની જમીન પર ગેરકાયદે દબાણને અધિકારીઓ શંકાના દાયરામાં આવી ગયા છે. ચર્ચા મુજબ દબાણોને આટલા વર્ષોથી છાવરવા માટે અધિકારીઓ મોટાપાયા પર આર્થિક વ્યવહારો કરતા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે. કંડલા પોર્ટના અધિકારીઓની મેલી મથરાવટીના કારણે હજારો એકર જમીન પર દબાણો ઉભા થયા હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક જાગૃત નાગરિકોએ વખતોવખત દબાણોને લઈ રજૂઆત કરી છે અને કંડલા પોર્ટ જેવા સરહદી પોર્ટ વિસ્તારમાં રાષ્ટ્રીય સુરક્ષાને ખતરારુપ દબાણોને હટાવવા માટે અનકવાર માંગ કરી છે.
એક વર્ષ પહેલાં પણ ગેરકાયદે દબાણો હટાવીને પોર્ટનાં અધિકારીઓએ વાહ-વાહી મેળવી હતી પરંતુ ભૂ-માફિયાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી ન હતી. ભૂ-માફિયાઓએ બેફામ બનીને કંડલા પોર્ટની જમીન પચાવી પાડી છે અને આમાં કેટલાક કુખ્યાત તત્વોની સંડોવણી હોવાનું જાણવા મળી રહ્યું છે.
