જીવામૃત–ધનજીવામૃતના લાઈવ ડેમો સાથે પદમલા મોડલ ફાર્મમાં પ્રાકૃતિક ખેતી તાલીમ સંપન્ન
વડોદરા તાલુકાના પદમલા ગામે ગોહિલ મેલાભાઈ ધુળાભાઇના મોડલ ફાર્મ ખાતે કૃષિ સખી અને સી.આર.પી. (CRP) માટે પ્રાકૃતિક ખેતીની વિશેષ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ગ્રામીણ સ્તરે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવાનો અને ખેડૂતોને આત્મનિર્ભર બનાવવાનો હતો.
તાલીમ દરમિયાન સહભાગીઓને મોડલ ફાર્મની પ્રત્યક્ષ મુલાકાત કરાવીને ખેતીની આધુનિક અને કુદરતી પદ્ધતિઓથી માહિતગાર કરાયા હતા. તાલીમના મુખ્ય અંશો નીચે મુજબ છે:
-
લાઈવ ડેમોસ્ટ્રેશન: ખેતરમાં જ જીવામૃત અને ઘનજીવામૃત બનાવવાની પ્રક્રિયા તેમજ તેના ઉપયોગ વિશે પ્રત્યક્ષ નિદર્શન આપવામાં આવ્યું હતું.
-
પ્રાકૃતિક કૃષિના પાંચ આયામ: ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના પ્રતિનિધિ જૈમિનાબેન મેકવાન દ્વારા બિજામૃત, જીવામૃત, આચ્છાદન (Mulching), વાપસા અને મિશ્ર પાક પદ્ધતિ જેવા પાંચ પાયાના સિદ્ધાંતો સમજાવવામાં આવ્યા હતા.
-
પાક સંરક્ષણ: રાસાયણિક જંતુનાશકોને બદલે કુદરતી રીતે પાકને રોગ-જીવાતથી કેવી રીતે બચાવવો તેની વિસ્તૃત માહિતી અપાઈ હતી.
તાલીમમાં કૃષિ સખીઓ સાથે ખેડૂતોને પડતી વ્યવહારુ મુશ્કેલીઓ અને તેના ઉકેલો અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. તાલીમ બાદ સહભાગીઓની સમજણ ચકાસવા માટે નિરવ ચૌહાણ દ્વારા લેખિત પરીક્ષા પણ લેવામાં આવી હતી. અંતમાં, પદમલાના ગ્રામસેવક દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે મળતી સરકારી સહાય અને વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
