ઈરાનનું યુદ્ધ પાકિસ્તાનની બરબાદીનું ટ્રેલર? રક્ષા મંત્રી ખ્વાજા આસિફે કેમ વ્યક્ત કરી મોટી આશંકા?
ઈરાન અને ઈઝરાયેલ-અમેરિકા વચ્ચે ચાલી રહેલા સંઘર્ષની વચ્ચે પાકિસ્તાનના રક્ષા મંત્રી ખ્વાજા આસિફે એક ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે ઈરાન પરના હુમલાઓને પાકિસ્તાન માટે એક મોટી ચેતવણી ગણાવી છે. ખ્વાજા આસિફના મતે, ઈઝરાયેલ દ્વારા ઈરાન પર લાદવામાં આવેલું આ યુદ્ધ વાસ્તવમાં પાકિસ્તાનની સરહદોને પ્રભાવિત કરવા અને દેશને આર્થિક તથા સૈન્ય રીતે પંગુ બનાવવાનું એક ષડયંત્ર છે.
આ નિવેદન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારીના એ નિવેદન બાદ આવ્યું છે, જેમાં તેમણે આશંકા વ્યક્ત કરી હતી કે પાકિસ્તાનને ટૂંક સમયમાં યુદ્ધમાં ધકેલી દેવામાં આવી શકે છે.
નવી ‘થિયરી’: ભારત, અફઘાનિસ્તાન અને ઈઝરાયેલનું ગઠબંધન?
એક્સપ્રેસ ટ્રિબ્યુન મુજબ, ખ્વાજા આસિફે પાકિસ્તાની નાગરિકોને આ જંગને ગંભીરતાથી લેવા અપીલ કરી છે. તેમણે દાવો કર્યો છે કે આવનારા સમયમાં ઈઝરાયેલ, અફઘાનિસ્તાન અને ભારત સાથે મળીને એક નવું ગઠબંધન બનાવી શકે છે. આ ગઠબંધનનો મુખ્ય હેતુ પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલું પાડી દેવાનો અને તેની શક્તિ ક્ષીણ કરવાનો હશે. રક્ષા મંત્રીના મતે, જો આવું થશે તો વિશ્વ મંચ પર પાકિસ્તાનનો કોઈ મહત્વનો રોલ બાકી રહેશે નહીં.
ખ્વાજા આસિફે સમજાવી ‘ક્રનોલોજી’: ત્રણ મોરચે ખતરો
રક્ષા મંત્રીએ પાકિસ્તાનની સુરક્ષા સામેના પડકારોને ત્રણ મુખ્ય મુદ્દાઓમાં વિભાજિત કર્યા છે:
ઈરાન સરહદ પર દબાણ: પાકિસ્તાન અને ઈરાન વચ્ચે આશરે 909 કિમી લાંબી સરહદ છે. આસિફ મુજબ, જો ઈરાનમાં યુદ્ધ વધશે તો પાકિસ્તાનની સરહદ પર અસ્થિરતા આવશે, હુમલાઓ વધશે અને શરણાર્થીઓની ભાગદોડ મચશે, જેનાથી આખી સરહદ અસુરક્ષિત બની જશે.
તાલિબાન સાથેનો સંઘર્ષ: પાકિસ્તાન પહેલેથી જ અફઘાનિસ્તાન સરહદે તાલિબાન સાથે સંઘર્ષમાં છે. ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં સતત આતંકી હુમલા થઈ રહ્યા છે અને તાલિબાન સાથે જોડાયેલા આતંકીઓ ઈસ્લામાબાદ સુધી પહોંચી રહ્યા હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
ભારત સાથેની દુશ્મની: ભારત સાથેની 3300 કિમીથી વધુ લાંબી સરહદ, ખાસ કરીને પંજાબ અને PoK વિસ્તાર પહેલેથી જ સંવેદનશીલ છે. ભારતે ભૂતકાળમાં કરેલી એરસ્ટ્રાઈકનો ઉલ્લેખ કરતા આસિફે કહ્યું કે આ મોરચો હંમેશા ખતરામાં રહે છે.
એકજૂથ થવા માટે હાકલ
રક્ષા મંત્રી ખ્વાજા આસિફે ચેતવણી આપી છે કે જો આ ત્રણેય બાજુથી દબાણ વધશે, તો પાકિસ્તાન માત્ર એક ‘જાગીરદાર’ બનીને રહી જશે. તેમણે દેશના નાગરિકોને અપીલ કરી છે કે આ મુશ્કેલ સમયમાં તમામ લોકોએ એકજૂથ થઈને દેશની સાથે ઉભા રહેવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે જો અત્યારે સાવચેતી નહીં રાખવામાં આવે, તો ભવિષ્યમાં સામાન્ય નાગરિકોએ પસ્તાવાનો વારો આવશે.

