પેટ કમિન્સની કેપ્ટનશીપ પર સંકટ વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું સમર્થન, કહ્યું ‘અમે ભૂતકાળમાંથી ઘણું શીખ્યા છીએ’
ઓસ્ટ્રેલિયન ક્રિકેટમાં 2018ના ‘સેન્ડપેપરગેટ’ કૌભાંડને લઈને ફરી ચર્ચા શરૂ થઈ છે. ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન ખેલાડી ઉસ્માન ખ્વાજાની આત્મકથા સબરમાં થયેલા ખુલાસાઓ બાદ વર્તમાન ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સની ભૂમિકા અંગે પણ સવાલો ઊભા થયા છે. આ વિવાદ વચ્ચે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કમિન્સને સ્પષ્ટ સમર્થન આપ્યું છે અને તેમની પ્રામાણિકતા તથા વિશ્વસનીયતા પર શંકા વ્યક્ત કરવાના પ્રયાસોને ફગાવ્યા છે. બોર્ડે જણાવ્યું છે કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ભૂતકાળની ઘટનાઓમાંથી શીખીને આગળ વધવા માટે પ્રતિબદ્ધ છે. આ મામલે ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મંતવ્યો સાંભળવા સ્વતંત્ર ફોરમ પણ જાહેર કરવામાં આવ્યું છે.
2018માં દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન થયેલી બોલ ટેમ્પરિંગની ઘટના, જેને ‘સેન્ડપેપરગેટ’ તરીકે ઓળખવામાં આવે છે, તે ઓસ્ટ્રેલિયન ક્રિકેટના સૌથી વિવાદાસ્પદ પ્રકરણોમાંનું એક છે. તાજેતરમાં આ ઘટનાને લઈને ફરી ચર્ચા શરૂ થતાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સ્થિતિ સ્પષ્ટ કરવાનો પ્રયાસ કર્યો છે.

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પેટ કમિન્સને આપ્યું સમર્થન
20 નવેમ્બરના રોજ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધ્યક્ષ ડેવિડ બૂન અને મુખ્ય કાર્યકારી અધિકારી ટોડ ગ્રીનબર્ગે સિડનીમાં પેટ કમિન્સ સાથે મુલાકાત કરી હતી. આ બેઠકમાં ઓસ્ટ્રેલિયન ક્રિકેટ સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. તેમાં ન્યૂઝીલેન્ડ સામેની આગામી શ્રેણી અને 2018ના પ્રવાસને લઈને ચાલી રહેલી ચર્ચાઓનો પણ સમાવેશ થયો હતો.બેઠક બાદ ડેવિડ બૂને જણાવ્યું કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ પડકારજનક સમયગાળામાં ધીરજ અને સમર્પણ સાથે આગળ વધવા માંગે છે. તેમણે કહ્યું કે બોર્ડ દરેક વ્યક્તિની વાત સાંભળવા અને ભૂતકાળની ઘટનાઓમાંથી શીખવા માટે પ્રતિબદ્ધ છે.
બૂને વધુમાં જણાવ્યું કે 2018ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન બનેલી ઘટનાઓથી પ્રભાવિત તમામ લોકો પ્રત્યે બોર્ડને ચિંતા છે. આ સાથે તેમણે પેટ કમિન્સને સમર્થન આપતાં સ્પષ્ટ કર્યું કે કમિન્સની પ્રામાણિકતા અથવા વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવવાના કોઈપણ સૂચનને ક્રિકેટ ઓસ્ટ્રેલિયા સ્વીકારતું નથી.બોર્ડે આ મુદ્દે એક સ્વતંત્ર ફોરમની જાહેરાત પણ કરી છે. આ ફોરમમાં ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને પોતાના અનુભવો તથા દૃષ્ટિકોણ રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે. ફોરમના નિયમો અને શરતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
કમિન્સે કહ્યું ઓસ્ટ્રેલિયન કેપ્ટન હોવું મોટી જવાબદારી
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અધિકારીઓ સાથેની બેઠક બાદ પેટ કમિન્સે પણ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું કે અધ્યક્ષ અને સીઈઓ સાથે વાતચીત કરવી તેમના માટે મહત્વપૂર્ણ હતી.કમિન્સે કહ્યું કે ઓસ્ટ્રેલિયન ટીમના કેપ્ટન તરીકેની જવાબદારી તેઓ ક્યારેય હળવાશથી લેતા નથી અને ભવિષ્યમાં પણ નહીં લે. તેમના મતે, ટીમનું નેતૃત્વ કરવું માત્ર મેદાન પરના પ્રદર્શન પૂરતું નથી, પરંતુ ખેલાડીઓ અને ક્રિકેટ સાથે જોડાયેલા લોકો પ્રત્યે જવાબદારી નિભાવવી પણ એટલી જ જરૂરી છે.

તેમણે ડેવિડ બૂન અને ટોડ ગ્રીનબર્ગની પ્રશંસા કરતાં કહ્યું કે આ મુશ્કેલ સમયગાળામાં ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનું સંચાલન કરવું સરળ નથી. બંને અધિકારીઓએ માત્ર તેમનો જ નહીં, પરંતુ 2018ના પ્રવાસ સાથે સંકળાયેલા અન્ય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફનો પણ સંપર્ક કર્યો છે.કમિન્સે સ્વતંત્ર ફોરમને સંપૂર્ણ સમર્થન આપ્યું છે અને તેમાં ભાગ લેવાની તૈયારી દર્શાવી છે. તેમણે જણાવ્યું કે તેમની સાથે વાત કરેલા કેટલાક ખેલાડીઓ અને સ્ટાફ પણ આ મંચમાં જોડાઈને પોતાના વિચારો રજૂ કરવા ઉત્સુક છે.
ભૂતકાળમાંથી શીખીને આગળ વધવાનો પ્રયાસ
પેટ કમિન્સે સ્વીકાર્યું કે આ મુદ્દે કેટલીક મુશ્કેલ ચર્ચાઓ થવાની છે, પરંતુ વર્તમાન પરિસ્થિતિમાં તે જરૂરી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા પણ આ સમગ્ર પ્રક્રિયા દ્વારા ભૂતકાળની ઘટનાઓને સમજવા અને ભવિષ્યમાં વધુ જવાબદાર વાતાવરણ ઊભું કરવા માંગે છે.જોકે, કમિન્સે સ્પષ્ટ કર્યું કે તેમનું મુખ્ય ધ્યાન હાલમાં પર્થમાં ઓસ્ટ્રેલિયન ટીમનું નેતૃત્વ કરવા પર છે. મેદાન પરની જવાબદારી તેમની પ્રાથમિકતા છે અને તેઓ આગામી શ્રેણી માટે ટીમને તૈયાર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરશે.
