1 એપ્રિલ 2027થી બજારમાં આવી શકે છે ₹10 અને ₹20ની પ્લાસ્ટિક નોટ! RBIની તૈયારી, જાણો શું બદલાશે
ભારતમાં ચલણી નોટોને લઈને એક મોટો ફેરફાર થવાની તૈયારી ચાલી રહી છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) હવે ₹10 અને ₹20ની પ્લાસ્ટિક એટલે કે પોલિમર નોટનું પરીક્ષણ શરૂ કરી શકે છે. અહેવાલો અનુસાર, આ ટ્રાયલ 1 એપ્રિલ 2027થી શરૂ થવાની શક્યતા છે. ખાસ વાત એ છે કે નવી નોટોનો આકાર હાલની કાગળની નોટો જેવો જ રાખવાની યોજના છે. એટલે બેંકોને ATM મશીનોમાં મોટા ફેરફાર કરાવવાની જરૂર નહીં પડે.
આ નોટો સામાન્ય પ્લાસ્ટિકની નહીં, પરંતુ ખાસ પોલિમર મટિરિયલમાંથી બનાવવામાં આવશે. તેનો મુખ્ય હેતુ નોટની ટકાઉ ક્ષમતા વધારવાનો અને વારંવાર નવી નોટ છાપવાનો ખર્ચ ઘટાડવાનો છે.
કાગળની નોટ કરતાં 2થી 4 ગણી વધુ ટકાઉ
હાલ ભારતમાં ચલણમાં રહેલી નોટો કાગળ આધારિત મટિરિયલમાંથી બનાવવામાં આવે છે. રોજિંદા વ્યવહારમાં ₹10 અને ₹20ની નોટોનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે. વારંવાર હાથમાં આવવાથી, ભેજ અને ધૂળના સંપર્કમાં રહેવાથી આ નોટો ઝડપથી ફાટી જાય છે અથવા ખરાબ થઈ જાય છે.

RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ અગાઉ જણાવ્યું હતું કે પોલિમર નોટ સામાન્ય કાગળની નોટ કરતાં બે થી ચાર ગણી વધુ લાંબો સમય ટકી શકે છે. જો આ પરીક્ષણ સફળ રહેશે તો નોટો છાપવા, પરિવહન કરવા અને ખરાબ થયેલી નોટો બદલવા પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય છે.
નોટનો આકાર કેમ નહીં બદલાય?
આ યોજનામાં સૌથી મહત્વનો મુદ્દો નોટના કદનો છે. અહેવાલો અનુસાર, નવી પોલિમર નોટની લંબાઈ અને પહોળાઈ હાલની નોટ જેટલી જ રાખવાની વિચારણા છે. તેનું એક મોટું કારણ ATM મશીનોનો ખર્ચ છે.
જો નોટનો આકાર બદલવામાં આવે તો ATMમાં નોટ રાખવાની ટ્રે, સેન્સર અને અન્ય ટેક્નિકલ વ્યવસ્થામાં ફેરફાર કરવો પડી શકે છે. અગાઉ ₹100 અને ₹200ની નવી નોટો માટે દેશભરમાં આશરે 2.4 લાખ ATM મશીનોમાં ફેરફાર કરવાની જરૂર પડી હતી. આ પ્રક્રિયામાં ATM ઉદ્યોગને લગભગ ₹100 કરોડનો ખર્ચ થયો હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
એટલે નોટનું કદ પહેલાં જેવું રાખવાથી બેંકોને વધારાના ખર્ચમાંથી રાહત મળી શકે છે.
પ્લાસ્ટિક નોટ બનાવવા માટે છ કંપનીઓએ રસ દાખવ્યો
આ પ્રોજેક્ટ માટે RBIની સહાયક કંપની ભારતીય રિઝર્વ બેંક નોટ મુદ્રણ પ્રાઇવેટ લિમિટેડ (BRBNMPL) દ્વારા ટેન્ડર પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. અહેવાલ મુજબ, આ માટે છ કંપનીઓએ બોલી લગાવી છે. તેમાં ભારતીય કંપની યુફ્લેક્સ પણ સામેલ છે, જેણે અમેરિકાની સ્પેક્ટ્રા સિસ્ટમ્સ સાથે ભાગીદારી કરી છે.
₹10 અને ₹20ની નોટો બનાવવા માટે ખાસ પ્રકારની BOPP પોલિમર શીટ ખરીદવાની યોજના છે. આ શીટ પર છાપકામ સારી રીતે થઈ શકે અને શાહી લાંબા સમય સુધી ટકી રહે તે માટે ખાસ કોટિંગ પણ જરૂરી રહેશે.
સરકારની મંજૂરી, પરંતુ ટ્રાયલ પછી જ મોટો નિર્ણય
સરકારે ₹10ની એક અબજ અને ₹20ની એક અબજ પોલિમર નોટના ફીલ્ડ ટ્રાયલ માટે મંજૂરી આપી છે. શરૂઆતમાં આ નોટોનું પરીક્ષણ ભારતીય હવામાન, ગરમી, ભેજ અને રોજિંદા ઉપયોગની પરિસ્થિતિઓમાં કરવામાં આવશે. પરીક્ષણ સફળ થયા પછી જ નિયમિત રીતે આ નોટો બહાર પાડવા અંગે નિર્ણય લેવાશે.

ઓસ્ટ્રેલિયા, બ્રિટન, કેનેડા, ન્યૂઝીલેન્ડ અને સિંગાપોર સહિત અનેક દેશોમાં પોલિમર નોટનો ઉપયોગ થાય છે. ઓસ્ટ્રેલિયાએ 1988માં સૌપ્રથમ પ્લાસ્ટિક ચલણી નોટ શરૂ કરી હતી.
શું હાલની કાગળની નોટો બંધ થઈ જશે?
આ અંગે ચિંતા કરવાની જરૂર નથી. સરકાર તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પોલિમર નોટો હાલની કાગળ આધારિત નોટોની સાથે જ ચલણમાં રહેશે. કાગળની નોટો સંપૂર્ણપણે બંધ કરવાની કોઈ યોજના નથી.
હાલ 1 એપ્રિલ 2027થી ટ્રાયલ શરૂ થવાની વાત અહેવાલોના આધારે સામે આવી છે. અંતિમ સમયપત્રક અને નોટોની ઉપલબ્ધતા અંગે RBI તરફથી સત્તાવાર જાહેરાતની રાહ જોવી પડશે. જો આ પ્રયોગ સફળ થશે તો ભવિષ્યમાં ભારતીય ચલણ વધુ ટકાઉ અને સુરક્ષિત બનાવવાની દિશામાં આ એક મહત્વનું પગલું સાબિત થઈ શકે છે.
