ભારત-ઈઝરાયેલ સંરક્ષણ સોદો: કયા ઈઝરાયેલી ડ્રોનથી પાકિસ્તાન ફફડી રહ્યું છે? PM મોદીના પ્રવાસમાં થઈ શકે છે મોટી ડીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ પ્રવાસની સાથે જ બંને દેશો વચ્ચે 10 બિલિયન ડોલર એટલે કે અંદાજે ₹83,000 કરોડના વિશાળ સંરક્ષણ સોદા માટેની તૈયારીઓ તેજ થઈ ગઈ છે. આ મહા-સોદામાં આધુનિક મિસાઈલો, ઘાતક ડ્રોન્સ, સ્માર્ટ બોમ્બ અને અત્યાધુનિક લેસર હથિયારોનો સમાવેશ થાય છે. આ સોદો ભારતીય સેનાને જમીન, આકાશ અને સમુદ્ર એમ ત્રણેય મોરચે અજેય બનાવવાની ક્ષમતા ધરાવે છે, જેના કારણે પાકિસ્તાનની ઊંઘ હરામ થઈ ગઈ છે.
પાકિસ્તાની સેનાને ડરાવતા ઘાતક ડ્રોન્સ
પાકિસ્તાન હાલમાં ઈઝરાયેલી ડ્રોન્સની મારક ક્ષમતાથી સૌથી વધુ ડરેલું છે. આ ડ્રોન્સે ભૂતકાળમાં પોતાની તાકાત સાબિત કરી દીધી છે.
- હારોપ (Harop): આ એક ‘આત્મઘાતી’ ડ્રોન છે, જે કલાકો સુધી દુશ્મનના આકાશમાં મંડરાતું રહે છે અને રડાર કે બંકર દેખાતાની સાથે જ પોતાની જાતને બોમ્બની જેમ ત્યાં ફોડી નાખે છે.
- હેરોન ટીપી (Heron TP): તે આકાશમાં બાજની જેમ લાંબા સમય સુધી ઉડીને સરહદોની દેખરેખ રાખવામાં માહિર છે.
- હર્મિસ 900 (Hermes 900): અદાણી ગ્રુપ સાથે ભારતમાં બની રહેલું આ ડ્રોન (દ્રષ્ટિ-10) પાકિસ્તાન સરહદ પર 24 કલાક નજર રાખવાની ક્ષમતા ધરાવે છે. આ આધુનિક ટેકનોલોજી સામે પાકિસ્તાન પાસે હાલ કોઈ જ મજબૂત જવાબ નથી.
મિસાઈલ અને સ્માર્ટ બોમ્બનું અભેદ્ય કવચ
આ ₹83,000 કરોડની ડીલમાં એવા હથિયારો છે જે યુદ્ધની દિશા બદલી શકે છે. જેમાં બરાક-8 (Barak-8) મિસાઈલનો સમાવેશ થાય છે જે 100 કિમી દૂરથી જ દુશ્મન વિમાનને તોડી પાડે છે. આ ઉપરાંત, સ્પાઈસ-1000 જેવી સિસ્ટમ સામાન્ય બોમ્બને પણ લેઝર-ગાઈડેડ સ્માર્ટ હથિયારોમાં ફેરવી દે છે. સમુદ્રમાં સુરક્ષા માટે AI આધારિત ‘આઈસ બ્રેકર’ ટોર્પિડો છે જે પાણીના જહાજો માટે અત્યંત ઘાતક સાબિત થાય છે.
આયર્ન બીમ: માત્ર ₹160 માં દુશ્મનનો સફાયો!
આ સમગ્ર સોદાનું સૌથી મોટું આકર્ષણ ‘આયર્ન બીમ’ (Iron Beam) લેસર ટેકનોલોજી છે. આ એક 100 કિલોવોટની લેસર સિસ્ટમ છે જે કોઈ પણ રોકેટ કે ડ્રોનને હવામાં જ ભસ્મીભૂત કરી શકે છે. તેની ખાસિયત એ છે કે જ્યાં એક મિસાઈલ છોડવાનો ખર્ચ લાખો ડોલર થાય છે, ત્યાં આ લેસરનો એક શોટ માત્ર 2 ડોલર (અંદાજે ₹160-170) માં દુશ્મનનો નાશ કરી દે છે.
‘મેક ઇન ઇન્ડિયા’ અને આત્મનિર્ભરતા
હવે ભારત માત્ર હથિયારો ખરીદવા પૂરતું મર્યાદિત નથી. આ સોદા હેઠળ ઈઝરાયેલ ભારત સાથે ટેકનોલોજી શેર કરશે અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત આ હથિયારો ભારતમાં જ તૈયાર કરવામાં આવશે. પીએમ મોદીનો આ પ્રવાસ દુનિયાને સ્પષ્ટ સંદેશ આપી રહ્યો છે કે ભારત હવે કોઈ પણ પડકારને પહોંચી વળવા માટે પહેલા કરતા વધુ સજ્જ અને શક્તિશાળી છે. આ વધતી જતી સૈન્ય તાકાતે પાકિસ્તાનને રાજદ્વારી અને લશ્કરી બંને મોરચે બેકફૂટ પર ધકેલી દીધું છે.

