જેવર એરપોર્ટનું ઉદ્ઘાટન: પીએમ મોદીએ વિપક્ષને આડે હાથ લીધા, કહ્યું- ‘સંકટના સમયે દેશને નુકસાન પહોંચાડતી વાતોથી બચો’
શનિવારનો દિવસ ઉત્તર પ્રદેશ અને દેશના ઉડ્ડયન ક્ષેત્ર માટે ઐતિહાસિક સાબિત થયો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જેવર ખાતે નિર્મિત નોઈડા ઈન્ટરનેશનલ એરપોર્ટના પ્રથમ તબક્કાનું ઉદ્ઘાટન કર્યું હતું. આ સાથે જ તેમણે એરપોર્ટના કાર્ગો ટર્મિનલનું પણ લોકાર્પણ કર્યું. વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆત ‘ભારત માતા કી જય’ના નારા સાથે કરી હતી અને ત્યાં હાજર હજારો લોકોને પોતાના મોબાઈલની ફ્લેશ લાઈટ ચાલુ કરી આ આધુનિક સુવિધાના સાક્ષી બનવા અપીલ કરી હતી. તેમણે ભાવુક સ્વરે કહ્યું કે, “આ એરપોર્ટ તમારી અમાનત છે અને તમારા બાળકોનું ભવિષ્ય છે.”
વિશ્વના સંકટ વચ્ચે વિપક્ષને સલાહ
પોતાના ભાષણ દરમિયાન વડાપ્રધાન મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને તેનાથી સર્જાયેલા વૈશ્વિક સંકટનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે આ યુદ્ધને કારણે વિશ્વભરમાં ખાદ્યપદાર્થો, ડીઝલ અને ખાતરનું સંકટ ઊભું થયું છે. આવા કપરા સમયે દેશની એકતા પર ભાર મૂકતા પીએમ મોદીએ વિપક્ષી પાર્ટીઓને ટકોર કરી હતી કે, “જ્યારે વિશ્વ ચિંતિત હોય અને સંકટનો સમય હોય, ત્યારે દેશને નુકસાન પહોંચાડે તેવી વાતો કે રાજનીતિ કરવાથી બચવું જોઈએ.”
યુપીના વિકાસમાં ‘ડબલ એન્જિન’ની ગતિ
સમાજવાદી પાર્ટી પર નિશાન સાધતા પીએમ મોદીએ નોઈડા સાથે જોડાયેલી જૂની માન્યતાઓ અને ડરની વાત કરી હતી. તેમણે કહ્યું કે, “પહેલાના મુખ્યમંત્રીઓ નોઈડા આવતા ડરતા હતા. તેમને ડર હતો કે નોઈડા જવાથી તેમની ખુરશી જતી રહેશે. નોઈડાને તેના હાલ પર છોડી દેવામાં આવ્યું હતું. મને પણ નોઈડા આવવા માટે ડરાવવામાં આવ્યો હતો, પણ હું આવ્યો અને આજે ભાજપ સરકારમાં એ જ નોઈડા યુપીના વિકાસનું સશક્ત એન્જિન બની ગયું છે.” જેવર એરપોર્ટને તેમણે કેન્દ્ર અને રાજ્યની ‘ડબલ એન્જિન’ સરકારની કાર્યસંસ્કૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ ગણાવ્યું હતું.
કોંગ્રેસ અને સપા પર આકરા પ્રહાર
વડાપ્રધાને એરપોર્ટના વિલંબ માટે ભૂતકાળની સરકારોને જવાબદાર ઠેરવી હતી. તેમણે ખુલાસો કર્યો કે અટલ બિહારી વાજપેયીની સરકારે 2003માં જ આ એરપોર્ટને ફાઈલ પર મંજૂરી આપી દીધી હતી. પરંતુ, ત્યારબાદ કેન્દ્રમાં આવેલી કોંગ્રેસ સરકાર અને રાજ્યની અગાઉની સરકારોએ વર્ષો સુધી આ પ્રોજેક્ટને ફાઈલોમાં દબાવી રાખ્યો. મોદીએ ઉમેર્યું કે, “2014માં જ્યારે અમારી સરકાર બની ત્યારે યુપીમાં સપાની સરકાર હતી, જેણે શરૂઆતના 2-3 વર્ષ કામ થવા દીધું નહીં. પરંતુ જેવી રાજ્યમાં ભાજપ-એનડીએની સરકાર બની, જેવર એરપોર્ટનો પાયો પણ નખાયો, નિર્માણ પણ થયું અને આજે તે શરૂ પણ થઈ ગયું છે.”
ઉડ્ડયન ક્ષેત્રે ભારતની હરણફાળ
વડાપ્રધાને દેશમાં વધી રહેલી કનેક્ટિવિટીના આંકડા રજૂ કરતા જણાવ્યું કે એરપોર્ટ માત્ર એક સુવિધા નથી પણ પ્રગતિની ઉડાન છે.
- 2014 પહેલા: દેશમાં માત્ર 74 એરપોર્ટ હતા.
- આજે: દેશમાં 160 થી વધુ એરપોર્ટ કાર્યરત છે.
- આગામી લક્ષ્ય: દેશમાં હજુ વધુ 100 એરપોર્ટ બનાવવાનું કામ ચાલી રહ્યું છે.
પીએમ મોદીએ ભારપૂર્વક કહ્યું કે અગાઉની સરકારો માનતી હતી કે હવાઈ મુસાફરી માત્ર અમીરો માટે છે, પરંતુ અમારી સરકારે સામાન્ય ભારતીયો માટે પણ ઉડાન ભરવી સરળ બનાવી દીધી છે. હવે નાના શહેરો પણ હવાઈ માર્ગે જોડાઈ રહ્યા છે, જે દેશના સર્વાંગી વિકાસ માટે પાયાનું પગલું છે.

