કોંગ્રેસ અને ભાજપામાં ખરાખરીનો ખેલ જામ્યો છે. ભાજપા સત્તાનો લાભ લઇ અનેક ચુંટણીલક્ષી જાહેરાતો કરી છે. જેમાં આશા વર્કર્સ ને ૫૦ % ના વધારાની જાહેરાત કરી છે. તો બીજી તરફ અસંતુષ્ટોને ધ્યાનમાં રાખી બોર્ડ-નિગમોના ચેરમેનોની પણ જાહેરાતો કરી છે. તેમજ દહેજ-ઘોઘાની ફેરીનું પણ ઉદ્ઘાટન કર્યું છે. ખેડૂતલક્ષી જાહેરાત, તે સિવાય દ્વારકાના બ્રીજનું ઉદ્ઘાટન થી લઇ અનેક નાની મોટી ચુંટણીલક્ષી જાહેરાતો કરવામાં આવી છે. પરંતુ લોકો હજુ ખુશ થતા નથી. ત્યારે ભાજપા માટે મોટી વિમાસણ છે કે, લોકોને ફરી ભાજપ તરફી કેમ કરવા.?
ભાજપાની આ વિમાસણ વચ્ચે કોંગ્રેસ પલટાતી બાજી જોઈ તેની રણનીતિને વધુ તેજ અને આક્રમક બનાવી રહ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર પાર્ટી એ શહેરી સીટોને જીતવા નવી રણનીતિ બનાવી છે. જે પ્લાન અન્વયે, પાર્ટી કોલેજ સ્ટુડન્ટ અને પ્રોફેસનલ ઇન્સ્ટીટયુટના યુવાનોને જોડવાની કોશિશ કરવામાં આવશે. અને એના માટે વોર્ડ લેવલ પર ૧૦૦ થી વધુ મિટિંગ યોજવામાં આવશે. તેમજ બુથ ના માઈક્રો મેનેજમેન્ટ દ્વારા ૮૭ શહેરી સીટો પર સીક્ન્જો કસવામાં આવશે.
ત્યારે ઉલ્લેખનીય છે કે, પાર્ટી દ્વારા આ રણનીતિ એક સર્વે બાદ બનાવવામાં આવી છે. સર્વેમાં આ બાબત સામે આવી કે, અગર પાર્ટીએ ભાજપને માત આપવી હોય તો ૬૭ અર્બન અને ૨૦ સેમી અર્બન સીટો પર કબજો કરવો પડશે. વિશેષમાં હાલ રાજ્યમાં કોંગ્રેસ પાસે મહત્વની ૪૬ શહેરી સીટો માંથી કોંગ્રેસ પાસે ફક્ત ૪ જેટલી નામની સીટો છે. તેમજ બીજેપી નો ૪૨ સીટો પર કબજો છે. અને આ શહેરો માં અમદાવાદ, રાજકોટ, સુરત, ગાંધીનગર, વડોદરા અને ભાવનગર છે.
૨૦૧૨ ની ચુંટણી માં બીજેપીએ સુરતની ૧૬ માં થી ૧૫ સીટો, અમદાવાદની ૧૭ માં થી ૧૫, રાજકોટ ની ૪ માંથી ૩, અને ગાંધીનગર, વડોદરા અને ભાવનગર ની તમામ સીટો સર કરી હતી. જેને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ આ ચુંટણીમાં ખાસ તો યુવાનો પર ફોકસ કરવા માંગે છે. અને યુવાનોને પોતાની તરફ કરવા કેટલાય પ્રકારના કેમ્પેનની યોજના બનાવી છે.
જેમાં શિક્ષણનું ખાનગીકરણ , મહિલાઓનું શિક્ષણ થી દુર થવું, મોંઘુ પ્રોફેસનલ શિક્ષણ અને વધી રહેલ બેરોજગારી જેવા મુદ્દાઓને વિધાર્થીઓ વચ્ચે ઉઠાવાશે. અને એમને બુથ લેવલે લાવવાની કોશિશ કરાશે. આ અંગે એક સીનીયર કોંગી નેતાના જણાવ્યા મુજબ, અમે યુવાનો માટે ખાસ કેમ્પેન મટીરીયલ તૈયાર કર્યું છે.
એમાં પણ હાલ જયારે સ્ત્રીઓનું શિક્ષણ અધ વચ્ચે છોડવાના મામલે ગુજરાતનો ૨૧ માં થી ૨૦મો નંબર છે. ત્યારે આ કેમ્પેન ને રાહુલ ગાંધીના એ બયાન સાથે જોડીને જોવામાં આવશે કે, જેમાં તેમણે કહ્યું હતું કે, આરએસએસ અને બીજેપીમાં મહિલાઓ ની ભાગીદારી ખુબ જ ઓછી છે. આવા ઇસ્સ્યુંઓ સાથે કોંગ્રેસ બુથ લેવલે ૧૮ થી ૩૦ વર્ષની ઉમરના યુવાનોને આકર્ષવા પ્રયત્ન કરશે.
રીના બ્રહ્મભટ્ટ