NCPમાં મોટો ફેરફાર? સુનેત્રા પવાર બની શકે છે પાર્ટીના નવા અધ્યક્ષ
મહારાષ્ટ્રના રાજકારણમાં અજિત પવારના આકસ્મિક નિધન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) માં નેતૃત્વને લઈને હલચલ તેજ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, પાર્ટી ઉપમુખ્યમંત્રી સુનેત્રા પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની તૈયારી કરી રહી છે. આનાથી NCPના સંગઠન અને વ્યૂહરચના બંનેમાં મોટા ફેરફારો થવાની શક્યતા સેવાઈ રહી છે.
પાર્ટીના અનેક વરિષ્ઠ નેતાઓ અને 30 મુખ્ય સેલના અધ્યક્ષોએ કાર્યકારી અધ્યક્ષ પ્રફુલ્લ પટેલને પત્ર લખીને સુનેત્રા પવારને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવાની માંગ કરી છે. આ પત્રમાં સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે પાર્ટીની કમાન હવે સુનેત્રાના હાથમાં હોવી જોઈએ જેથી અજિત પવારનો વારસો પણ આગળ જળવાઈ રહે.
પાર્ટીમાં ફેરફારની દિશા નક્કી
અજિત પવારના નિધન પહેલા NCPનું રાજકારણ અને ચૂંટણી વ્યૂહરચના સંપૂર્ણપણે તેમના નેતૃત્વમાં ચાલતી હતી. ટિકિટ વિતરણ, પ્રચાર અને સંગઠનાત્મક નિર્ણયોમાં તેમની ભૂમિકા મુખ્ય રહેતી હતી. હવે તેમના અકાળ અવસાન બાદ પાર્ટીનું ધ્યાન સુનેત્રા પવારના નેતૃત્વ પર કેન્દ્રિત થયું છે.
સૂત્રોના જણાવ્યા મુજબ, ટૂંક સમયમાં રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવામાં આવી શકે છે, જેમાં સુનેત્રા પવારને પાર્ટીનું અધ્યક્ષપદ સોંપવાનો પ્રસ્તાવ ઔપચારિક રીતે પસાર કરવામાં આવી શકે છે. જો આવું થશે, તો તે NCPના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અને નિર્ણાયક વળાંક સાબિત થશે.
સુનેત્રાની આસપાસ કેન્દ્રિત થશે પાર્ટીની તાકાત
આગામી સમયમાં NCPમાં વ્યુહરચના, સંગઠન અને સરકારમાં જવાબદારીઓ સુનેત્રા પવારની આસપાસ કેન્દ્રિત થવાની સંભાવના છે. પાર્ટીના નેતૃત્વથી લઈને ચૂંટણીલક્ષી નિર્ણયો સુધી, હવે નવા સમીકરણો અને પરિવર્તનો તેમના નેતૃત્વમાં નક્કી કરવામાં આવશે.
નિષ્ણાતોનું માનવું છે કે આ બદલાવથી મહારાષ્ટ્રના રાજકારણમાં માત્ર NCPની દિશા જ નહીં બદલાય, પરંતુ મહાયુતિ ગઠબંધન સરકારમાં પણ નવા સમીકરણો સર્જાઈ શકે છે.

