કોંગ્રેસનું મનરેગા આંદોલન: “સરકારે પંચાયતોના હક છીનવ્યા”, કચ્છમાં કોંગ્રેસના હોદ્દેદારોના ઉગ્ર ધરણા
મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (MGNREGA) માં કરાયેલા ફેરફારોના વિરોધમાં કોંગ્રેસે ગુજરાતભરમાં ધરણા પ્રદર્શન શરૂ કર્યા છે. ત્યારે આજે કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી આંદોલનની જાહેરાત કરવામાં આવી હતી, જેમાં યોજનામાં થયેલા બદલાવો અને નવી જોગવાઈઓનો વિરોધ કરાયો હતો. ત્યારે આજે કચ્છના ભુજમાં જયુબિલી સર્કલ પર કોગ્રેસના હોદેદારો અને કાર્યકરો દ્વારા ધરણા કરવામાં આવ્યા હતા. કાર્યકરોએ કાયદો પાછો ખેંચવા માગ કરી હતી.
દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં મનરેગા યોજનાને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. કોંગ્રેસના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, યુપીએ સરકાર દ્વારા શરૂ કરાયેલી મનરેગા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય દરેક ગ્રામીણ પરિવારને 100 દિવસની રોજગારીની ખાતરી આપવાનો હતો. આ કાયદાએ ગ્રામ પંચાયતોને ગામમાં કયા કામો કરવા તે નક્કી કરવાની સતા આપી હતી.
કોંગ્રેસે ભાજપ સરકાર પર ગરીબ અને મજૂર વિરોધી હોવાનો આરોપ લગાવ્યો છે. પક્ષે દાવો કર્યો છે કે, સરકારે પંચાયતોના હકો છીનવી લીધા છે અને કેન્દ્ર-રાજ્ય વચ્ચે નવા રેશિયોની વ્યવસ્થાથી યોજનાના અમલીકરણમાં અવરોધ ઊભો થયો છે. સરકારના ‘કાળા કાયદા’ વિરુદ્ધ કોંગ્રેસે આગામી દિવસોમાં ઉગ્ર આંદોલનની ચિમકી ઉચ્ચારી છે.
