ક્વિન્ટન ડી કોકે ૧૦મી T20 સદી ફટકારી; વિરાટ કોહલી અને ડેવિડ વોર્નરની બરાબરી કરી
દક્ષિણ આફ્રિકાના અનુભવી વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોકે T20 ક્રિકેટમાં એક અદ્ભુત માઇલસ્ટોન હાંસલ કર્યો છે. કેરેબિયન પ્રીમિયર લીગ (CPL) માં બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ તરફથી રમતા ડી કોકે સેન્ટ કિટ્સ એન્ડ નેવિસ પેટ્રિઅટ્સ સામેની મેચમાં પોતાની T20 કારકિર્દીની ૧૦મી સદી ફટકારી દીધી છે. આ શાનદાર ઇનિંગ સાથે જ તેણે T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનોની યાદીમાં ભારતના વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના ડેવિડ વોર્નરની બરાબરી કરી લીધી છે.
ડી કોકની આક્રમક સદી પરંતુ ટીમની હાર
સેન્ટ કિટ્સ સામેની મેચમાં ત્રીજા નંબરે બેટિંગ કરવા આવેલો ડી કોક શરૂઆતથી જ ઉત્કૃષ્ટ ફોર્મમાં જોવા મળ્યો હતો. તેણે માત્ર ૫૭ બોલમાં ૧૧ ચોગ્ગા અને ૬ છગ્ગાની મદદથી ૧૦૬ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી. તેની આ ઝડપી સદીના દમ પર બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સે પ્રથમ બેટિંગ કરતા ૨૦ ઓવરમાં ૪ વિકેટે ૨૧૭ રનનો વિશાળ સ્કોર ઊભો કર્યો હતો.

જોકે, ડી કોકની આ સદી ટીમને જીત અપાવી શકી નહોતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સેન્ટ કિટ્સ અને નેવિસ પેટ્રિઅટ્સની ટીમે જોહ્ન્સન ચાર્લ્સના ૭૮ રનની મદદથી ૫ બોલ બાકી હતા ત્યારે જ ૪ વિકેટ ગુમાવીને આસાન વિજય મેળવી લીધો હતો.
T20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટ્સમેનો
ડી કોકની T20 કારકિર્દીની આ ૪૫૭મી મેચ હતી, જેમાં તેણે આ સિદ્ધિ મેળવી છે. T20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝનો ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલ ૨૨ સદી સાથે આ યાદીમાં ટોચના સ્થાને છે. પાકિસ્તાનનો બેટ્સમેન બાબર આઝમ ૧૩ સદીઓ સાથે બીજા સ્થાને છે.
ક્રિસ ગેલ (વેસ્ટ ઈન્ડિઝ) – ૨૨ સદી
બાબર આઝમ (પાકિસ્તાન) – ૧૩ સદી
ક્વિન્ટન ડી કોક (દક્ષિણ આફ્રિકા) – ૧૦ સદી
વિરાટ કોહલી (ભારત) – ૧૦ સદી
ડેવિડ વોર્નર (ઓસ્ટ્રેલિયા) – ૧૦ સદી
QDK 🟰 MVP
Quinton de Kock raises a stunning century at Warner Park! 🇰🇳x 🇧🇧 #CPL26 #SKNPvBT #CricketPlayedLouder #BiggestPartyInSport #RepublicBank pic.twitter.com/9s3VD98z6O
— CPL T20 (@CPL) September 2, 2026
બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ પોઈન્ટ ટેબલમાં મુશ્કેલીમાં
વિસ્ફોટક બેટિંગ છતાં આ મેચમાં મળેલી હાર બાર્બાડોસ ટ્રાઇડેન્ટ્સ માટે ભારે પડી છે. ૫ મેચોમાંથી માત્ર ૪ પોઈન્ટ મેળવીને ટીમ પોઈન્ટ ટેબલમાં નીચેના સ્થાને સંઘર્ષ કરી રહી છે. ડી કોક પોતાના ફોર્મથી વ્યક્તિગત રીતે રેકોર્ડ બનાવી રહ્યો છે, પરંતુ ટીમને પ્લેઓફની રેસમાં રાખવા માટે અન્ય ખેલાડીઓ પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રાખવામાં આવી રહી છે.
