સાત દિવસની તાલીમથી એક લાખની લોન સુધીનો સફર, ગૃહિણીએ વિશ્વકર્મા યોજનાથી ભરી નવી ઉડાન
રાજકોટના કાજલબેન સોલંકી છેલ્લા ૧૫ વર્ષથી સિલાઈકામ સાથે જોડાયેલા છે. તેમને મહિલાઓ માટે અવનવા વસ્ત્રો તૈયાર કરવાનો ઘણો શોખ હતો, પરંતુ આ શોખને એક મોટા વ્યવસાયમાં કેવી રીતે ફેરવવો તે અંગે તેઓ મૂંઝવણમાં હતા. આ સમયે તેમને ‘પી.એમ. વિશ્વકર્મા યોજના’ વિશે માહિતી મળી, જે તેમના જીવનમાં મોટું પરિવર્તન લાવી. આજે કાજલબેન માત્ર ગૃહિણી નથી, પરંતુ એક આત્મનિર્ભર વ્યવસાયી તરીકે ઓળખાય છે.
તાલીમ અને આર્થિક સહાયથી મળ્યો મજબૂત આધાર
કાજલબેન જણાવે છે કે આ યોજના હેઠળ તેમને સાત દિવસની ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ તાલીમ દરમિયાન તેમને આર્થિક ભથ્થું (સ્ટાઈપેન્ડ) પણ મળ્યું હતું, જેનાથી તેમને કામ કરવાની નવી પદ્ધતિઓ શીખવા મળી. વ્યવસાય શરૂ કરવા માટે તેમને કોઈ પણ ગેરંટી વગર ૧ લાખ રૂપિયાની લોન મળી હતી. લોન મેળવવાની પ્રક્રિયા ખૂબ જ સરળ હતી અને વ્યવસાયમાં સારી પ્રગતિ થતા તેઓ સમયસર લોન પણ ચૂકવી શક્યા છે.
હેન્ડીક્રાફ્ટ અને સિલાઈકામમાં નવી ઉડાન
કાજલબેન હવે માત્ર એકલા કામ નથી કરતા, પરંતુ તેમની સાથે એક પાર્ટનર પણ જોડાયેલા છે જે હેન્ડીક્રાફ્ટની વસ્તુઓ બનાવે છે. પી.એમ. વિશ્વકર્મા યોજના અંતર્ગત યોજાતા પ્રદર્શનોમાં તેમને પોતાની વસ્તુઓ બતાવવાની અને વેચવાની તક મળે છે. આ પ્લેટફોર્મને કારણે તેમના આત્મવિશ્વાસમાં વધારો થયો છે. તેઓ માને છે કે જો કોઈ કારીગર પાસે કળા હોય, તો સરકારની આ યોજના તેમને આર્થિક રીતે સશક્ત બનાવવામાં ખૂબ મદદરૂપ થાય છે.
યોજનાના લાભો: ટૂલકીટથી લઈને ૩ લાખ સુધીની લોન
પી.એમ. વિશ્વકર્મા યોજના હેઠળ ૧૮ પ્રકારના પરંપરાગત કારીગરોને આવરી લેવામાં આવે છે. આ યોજનામાં કારીગરોને તબક્કાવાર ૩ લાખ રૂપિયા સુધીની લોન, ૧૫,૦૦૦ રૂપિયાની ટૂલકીટ સહાય અને તાલીમ દરમિયાન દરરોજ ૫૦૦ રૂપિયાનું સ્ટાઈપેન્ડ આપવામાં આવે છે. આ ઉપરાંત, કારીગરોની વસ્તુઓને ક્વોલિટી સર્ટિફિકેટ પણ મળે છે, જેથી તેઓ બજારમાં પોતાની ચીજવસ્તુઓ ગર્વ સાથે વેચી શકે અને આત્મનિર્ભર બની શકે.

