વ્યાજખોરના ત્રાસથી ત્રસ્ત વૃદ્ધનો જીવ બચાવ્યો, ગ્રામ્ય પોલીસની દ્રઢ કામગીરી પ્રશંસનીય
રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસની સતર્ક કામગીરીનું એક સકારાત્મક ઉદાહરણ સામે આવ્યું છે. ભાયાવદરના નિવાસી અને 60 વર્ષીય ઉદય શાહ આત્મહત્યા માટે સુરત તરફ જઈ રહ્યા હતા ત્યારે રાજકોટ ગ્રામ્ય એસપી વિજયસિંહ ગુર્જર સુધી તેમની પીડાનો મેસેજ પહોંચ્યો હતો. વ્યાજખોરના ત્રાસને કારણે જીવ ખોવાઈ રહ્યો હોવાની વાત જાણી પોલીસ તાત્કાલિક હરકતમાં આવી હતી. તેમની લોકેશન ટ્રેસ થતાં જ સુરતના મહીધરપુરા વિસ્તારમાં પોલીસ ટીમ મોકલી દેવામાં આવી હતી.
સુરત પોલીસની મદદથી ઉદય શાહને થતું અનર્થ અટકાવાયું
મહીધરપુરા પોલીસ અધિકારીઓએ મળેલી માહિતીના આધાર પર તુરંત સ્થળ પર પહોંચી ઉદય શાહને આત્મહત્યા પ્રયાસ પહેલાં જ બચાવી લીધા હતા. પૂછપરછ દરમિયાન ઉદય શાહે ખુલાસો કર્યો કે વર્ષ 2020માં તેમણે વિશ્વરાજસિંહ ચુડાસમા પાસેથી બે લાખ રૂપિયા માસિક 10 ટકા વ્યાજે લીધા હતા. સમયસર ચૂકવણી છતાં વ્યાજખોરે વધારાની રકમની માંગણી શરૂ કરી હતી. ચુકવણી ન કરી શકતા ઉદય શાહને હથિયાર બતાવી જીવનો ભય બતાવવામાં આવ્યો હતો.
વ્યાજખોરે વડીલોની 18 વિઘા જમીન પર ગેરકાયદેસર કબજો કર્યો
ઉદય શાહે જણાવ્યું કે ધમકી બાદ વિશ્વરાજસિંહે તેમની 18 વિઘા જમીન પર ગેરકાયદેસર કબજો કરી પોતાનું બોર્ડ લગાવી દીધું હતું. વધુમાં, જો દેવું ન ચૂકવે તો ભાયાવદર ખાતેના અન્ય મકાન અને પ્લોટ પણ કબજે કરવાની ચેતવણી આપવામાં આવી હતી. પરિસ્થિતિથી વ્યાકુળ રેહેલા ઉદય શાહ અંતે પોતાની જાન આપવાનો વિચાર કરી ચુક્યા હતા, પરંતુ સમયસર પોલીસને જાણ થતાં તેઓ બચી ગયા હતા. આ મામલે ભાયાવદર પોલીસ સ્ટેશનમાં બીએનએસ, આર્મ્સ એક્ટ તથા મની લેન્ડર્સ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
આરોપીની ધરપકડ, જમીન પરત અને વધુ તપાસ ચાલુ
પોલીસ તપાસમાં ખુલ્યું કે વિશ્વરાજસિંહ ચુડાસમા સામે અગાઉથી મની લેન્ડર્સ એક્ટ અને જુગારધારાના ગુના દાખલ છે. રાજકોટ તથા ભાયાવદરની તેની ઓફિસોમાં સર્ચ ઓપરેશન બાદ મહત્વના પુરાવા મળ્યા છે. ગુનામાં ઉપયોગ કરાયેલ હથિયાર અન્ય વ્યક્તિના નામે હોવાનું સામે આવતા તે વ્યક્તિને પણ નોટિસ અપાઈ છે. હાલમાં ઉદય શાહની લગભગ પાંચ કરોડની કિંમત ધરાવતી જમીન પોલીસ દ્વારા પાછી અપાવી દેવામાં આવી છે. આરોપીની ધરપકડ કરવામાવી છે અને અન્ય શંકાસ્પદોની ભૂમિકા વિશે તપાસ ચાલુ છે.

