રાજકોટ ગ્રામ્ય પોલીસે રેડ કરતા દારૂની ખેપ મારવામાં ખુદ પોલીસકર્મી ઝડપાઇ ગયો હતો જેમાં તે રાજકોટ પોલીસ હેડ ક્વાર્ટર માં ફરજ બજાવતો વિશાલ સોલંકી હોવાનું સામે આવ્યું છે.
પોલીસ કર્મી વિશાલ સહિત અન્ય પાંચ જેટલા આરોપીઓની આટકોટ પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે.
આટકોટ પોલીસે 280 પેટી થી વધુ દારૂનો જથ્થા સાથે કુલ રૂ. 21.50 લાખનો મુદ્દા માલ પણ કબજે કર્યો છે.
આજે સોમવારના રોજવહેલી સવારે આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં વેરાવળ ગામની સીમમાં જ્યારે દારૂ ઉતરી રહ્યો હતો. ત્યારે પોલીસ ત્યાં ત્રાટકી હતી અને ઘટના સ્થળ પરથી વિદેશી દારૂ ભરેલી પેટીઓ સાથે દારૂની ખેપ મારનારા પોલીસ કર્મી વિશાલ સોલંકી સહિત પાંચ જેટલા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
પોલીસ જ્યારે ઘટના સ્થળ પર પહોંચી ત્યારે મજૂર મારફત દારૂની પેટીઓ ઉતરાવવામાં આવી રહી હતી. પોલીસે રાજસ્થાન પાર્સિંગની સ્લીપર બસ સહિત દારૂનો જથ્થો કબ્જે લેતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઇ છે.