ક્રેડિટ કાર્ડ યુઝર્સ માટે મોટા સમાચાર: RBI ના નવા નિયમોએ બિલ ભરવાનું ટેન્શન કર્યું દૂર, જાણો શું છે ‘ગ્રેસ પિરિયડ’
આજના ડિજિટલ યુગમાં શોપિંગ કરવા માટે ક્રેડિટ કાર્ડ એક અનિવાર્ય માધ્યમ બની ગયું છે. લગભગ દરેક બેંક પોતાના ગ્રાહકોને ક્રેડિટ કાર્ડની સુવિધા આપે છે, જેનો ઉપયોગ કરીને લોકો ખરીદી કરે છે અને પછીથી તેનું બિલ ચૂકવે છે. જોકે, ઘણા ગ્રાહકો માટે સમયસર બિલ ભરવું એક મોટું ટેન્શન હોય છે, કારણ કે એક દિવસની પણ મોડું થતા જંગી પેનલ્ટી અને વ્યાજ વસૂલવામાં આવે છે. ગ્રાહકોના આ જ ટેન્શનને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ક્રેડિટ કાર્ડના નિયમોમાં મહત્વપૂર્ણ ફેરફાર કરીને મોટી રાહત આપી છે.
હવે બિલ ભરવામાં ૩ દિવસ મોડું થશે તો પણ પેનલ્ટી નહીં લાગે
સામાન્ય રીતે ક્રેડિટ કાર્ડની ડ્યૂ ડેટ (બિલ ભરવાની છેલ્લી તારીખ) નીકળી જાય એટલે બેંકો તરત જ લેટ ફી લગાવી દેતી હતી. પરંતુ RBI ના નવા નિયમ મુજબ, હવે જો તમે બિલ ભરવાની છેલ્લી તારીખ ભૂલી જાવ અથવા કોઈ કારણસર તે દિવસે પેમેન્ટ ન કરી શકો, તો તમારે ગભરાવાની જરૂર નથી.
બેંકોએ હવે ગ્રાહકોને ૩ દિવસનો ‘ગ્રેસ પિરિયડ’ (વધારાનો સમય) આપવો પડશે. આનો અર્થ એ થયો કે જો તમારા બિલની છેલ્લી તારીખ ૫મી હોય, તો તમે ૮મી તારીખ સુધી બિલ ભરી શકશો અને બેંક તમારી પાસે કોઈ લેટ ફી કે પેનલ્ટી વસૂલી શકશે નહીં. આ ૩ દિવસના વધારાના સમય દરમિયાન તમારા ક્રેડિટ સ્કોર પર પણ કોઈ નકારાત્મક અસર પડશે નહીં.
લેટ ફી માત્ર બાકી રકમ પર જ વસૂલાશે
અત્યાર સુધી એવું બનતું હતું કે જો તમે બિલની રકમમાંથી થોડો હિસ્સો ભરી દીધો હોય અને થોડો બાકી હોય, તો બેંકો આખા બિલની રકમ પર વ્યાજ અને લેટ ફી વસૂલતી હતી. પરંતુ RBI એ આ પદ્ધતિમાં સુધારો કર્યો છે. હવે જો ગ્રાહક ૩ દિવસના ગ્રેસ પિરિયડ બાદ પણ બિલ નથી ભરી શકતો, તો બેંક લેટ ફી માત્ર ‘બાકી રહેલી રકમ’ પર જ લગાવી શકશે, આખા બિલ પર નહીં. આ ફેરફારને કારણે ગ્રાહકો પર આર્થિક બોજ ઓછો થશે.
નિયમોમાં ફેરફાર કરતા પહેલા ૧ મહિનો અગાઉ જાણ કરવી પડશે
રિઝર્વ બેંકે બેંકો પર વધુ એક લગામ લગાવી છે. જો કોઈ બેંક ક્રેડિટ કાર્ડના વ્યાજ દરો, લેટ ફીના સ્ટ્રક્ચર અથવા બિલિંગ સાયકલના નિયમોમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવા માંગતી હોય, તો તેણે તેના ગ્રાહકોને ઓછામાં ઓછા એક મહિના અગાઉ જાણ કરવી પડશે. આ નિયમથી ગ્રાહકોને નવા ફેરફારો સમજવા અને તે મુજબ પોતાનું બજેટ પ્લાન કરવાનો પૂરતો સમય મળશે.
ક્રેડિટ સ્કોર પર જોખમ: ગ્રાહકોએ શું ધ્યાન રાખવું જોઈએ?
RBI એ ગ્રેસ પિરિયડ આપીને રાહત તો આપી છે, પરંતુ બેંકો અને નાણાકીય નિષ્ણાતો હજુ પણ સમયસર બિલ ભરવાની જ સલાહ આપે છે. તેનું મુખ્ય કારણ ‘ક્રેડિટ સ્કોર’ છે.
ગ્રેસ પિરિયડ પછી શું? જો તમે ૩ દિવસના ગ્રેસ પિરિયડમાં પણ બિલ નથી ભરતા, તો બેંક તરત જ તેની જાણ ક્રેડિટ બ્યુરોને કરશે, જેનાથી તમારો ક્રેડિટ સ્કોર નીચે જશે.
નવી લોન મળવામાં મુશ્કેલી: જો તમારો ક્રેડિટ સ્કોર બગડશે, તો ભવિષ્યમાં હોમ લોન, કાર લોન કે નવું ક્રેડિટ કાર્ડ મેળવવામાં ભારે મુશ્કેલી પડી શકે છે.
કાર્ડ બંધ થવાનું જોખમ: સતત બિલ ભરવામાં મોડું કરવાથી બેંક તમારું કાર્ડ બ્લોક અથવા કાયમી ધોરણે બંધ પણ કરી શકે છે.
બેંકોની ગ્રાહકોને મહત્વની સલાહ
બેંકો હંમેશા ગ્રાહકોને ડ્યૂ ડેટ પહેલા જ બિલ ચૂકવવાનું સૂચન કરે છે. તેના બે મુખ્ય ફાયદા છે:
તમારે કોઈ પણ પ્રકારનું વ્યાજ કે વધારાનો ચાર્જ ચૂકવવો પડતો નથી.
તમારો ક્રેડિટ હિસ્ટ્રી મજબૂત બને છે, જે તમને ભવિષ્યમાં લોન લેતી વખતે ઓછા વ્યાજ દર મેળવવામાં મદદરૂપ થાય છે.

