૨૦ દિવસથી ગુમ યુવતીને સખી સેન્ટરની કામગીરીથી મળી નવી આશા અને પરિવારનો સહારો
ગાંધીનગરના સખી વન સ્ટોપ સેન્ટરે માનવીય અભિગમ અપનાવીને એક ૨૦ વર્ષીય માનસિક અસ્વસ્થ યુવતીને તેના પરિવાર સાથે મેળવી આપીને સેવાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે. ગત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સેક્ટર-૭ પોલીસ સ્ટેશન દ્વારા આ અસહાય યુવતીને સેન્ટર ખાતે લાવવામાં આવી હતી. ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય હેઠળ કાર્યરત આ સેન્ટર મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓ માટે આશાનું કિરણ સાબિત થયું છે. શરૂઆતમાં યુવતી માનસિક બીમારીને કારણે પોતાનું સરનામું જણાવી શકતી નહોતી, જે સ્ટાફ માટે મોટો પડકાર હતો.
કાઉન્સેલિંગ અને સંશોધન દ્વારા પરિવારની શોધ
સેન્ટરના નિષ્ણાત સ્ટાફ દ્વારા ધીરજપૂર્વક કરવામાં આવેલા કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું કે, લગ્ન બાદ પતિના શારીરિક ત્રાસથી કંટાળીને યુવતી સાસરું છોડી પિતાના ઘરે જવા નીકળી હતી, પરંતુ રસ્તો ભટકી ગઈ હતી. યુવતીએ અગાઉ એક બાળ સંરક્ષણ ગૃહમાં અભ્યાસ કર્યો હોવાની વિગત મળતા, સ્ટાફે ત્વરિત તપાસ હાથ ધરી હતી. આ સંસ્થાની મદદથી તેના પિતાનું સરનામું શોધવામાં સફળતા મળી હતી. સ્ટાફ જ્યારે યુવતીને લઈને તેના ઘરે પહોંચ્યો, ત્યારે ૨૦ દિવસથી વિખૂટા પડેલા પિતા-પુત્રીના મિલનના દ્રશ્યો અત્યંત ભાવુક હતા.

સુરક્ષાની ખાતરી અને ભવિષ્ય માટે માર્ગદર્શન
દીકરીને હેમખેમ પાછી મેળવી પિતાએ રાહતનો શ્વાસ લીધો હતો અને જણાવ્યું હતું કે તેઓ ઘણા સમયથી તેની શોધખોળ કરી રહ્યા હતા. સખી સેન્ટરના સ્ટાફે પરિવારને યુવતીની માનસિક બીમારીની નિયમિત દવા અને સારવાર ચાલુ રાખવા સમજણ આપી હતી. સાથે જ, સંબંધીઓ દ્વારા થતી કનડગત અટકાવવા પરિવારના સભ્યોને બોલાવીને યુવતીની યોગ્ય સંભાળ રાખવા કડક સૂચના આપી હતી. આમ, સેન્ટરની તત્પરતાને કારણે એક અસહાય દીકરીને ફરીથી સુરક્ષિત આશરો અને પોતાનો પરિવાર પાછો મળ્યો છે.
