વડોદરા જિલ્લાના છેવાડાના લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડવામાં “સંગાથ” પ્રોજેક્ટે નોંધપાત્ર સિદ્ધિ મેળવી
વડોદરા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વસતા લાભાર્થીઓ સુધી સરકારી યોજનાઓ પહોંચાડવાના ઉમદા હેતુથી દીપક ફાઉન્ડેશન દ્વારા દીપક ગ્રુપ ઓફ કંપનીઝના CSR સહયોગથી “સંગાથ” પ્રોજેક્ટ કાર્યરત છે. તાજેતરમાં હોટેલ સૂર્યા પેલેસ ખાતે આયોજિત વર્કશોપમાં આ પ્રોજેક્ટ દ્વારા કરાયેલી સીમાચિહ્નરૂપ કામગીરીનું સરવૈયું રજૂ કરવામાં આવ્યું હતું.
ભારત અને વડોદરાની સિદ્ધિઓ પર એક નજર
પ્રોજેક્ટ “સંગાથ” દ્વારા મેળવવામાં આવેલી સફળતાના આંકડા તેની પ્રભાવશાળી કામગીરીની સાક્ષી પૂરે છે:
| વિગત | સમગ્ર ભારતની સિદ્ધિ | વડોદરા જિલ્લાની સિદ્ધિ |
| આવરી લેવાયેલ પરિવારો | ૧.૩૦ લાખ+ | ૨૪,૦૦૦+ |
| કુલ લાભાર્થીઓ | ૩.૨૦ લાખ+ | ૬૯,૦૦૦+ |
| કુલ અરજીઓ (યોજના/દસ્તાવેજ) | ૮.૪૦ લાખ | ૧.૭૧ લાખ |
| અરજી મંજૂરીનો દર (Success Rate) | ૯૨% | ૯૫% |
| કુલ મળેલ લાભ (રકમમાં) | ₹ ૧૨૮ કરોડ+ | ₹ ૧૩૫૯ કરોડ+ |
વડોદરા ગ્રામ્ય અને સાવલીમાં સઘન કામગીરી
દીપક ફાઉન્ડેશન દ્વારા વડોદરા ગ્રામ્ય અને સાવલી તાલુકાના ૫૦થી વધુ ગામોમાં જાગૃતિ અભિયાન ચલાવીને છેવાડાના માનવી સુધી કનેક્ટિવિટી ઊભી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ હેઠળ માત્ર ફોર્મ ભરવામાં જ મદદ નથી કરાતી, પરંતુ દસ્તાવેજો તૈયાર કરવાથી લઈ લાભાર્થીના બેંક ખાતામાં રકમ જમા થાય ત્યાં સુધીનું હેન્ડ-હોલ્ડિંગ પૂરું પાડવામાં આવે છે. પશુપાલન, ખેતીવાડી અને સામાજિક કલ્યાણ વિભાગ સાથેના સંકલનથી રોકડ, વસ્તુરૂપે અને વીમા યોજનાઓનો મબલખ લાભ ગામડાઓ સુધી પહોંચ્યો છે.
વહીવટી તંત્ર દ્વારા સન્માન
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી મમતા હિરપરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રોજેક્ટની સફળતાને બિરદાવવામાં આવી હતી. જિલ્લા ખેતીવાડી અધિકારી, તાલુકા વિકાસ અધિકારી (વડોદરા/સાવલી) અને પશુપાલન વિભાગના નાયબ નિયામક દ્વારા દીપક ફાઉન્ડેશનને વિશેષ પ્રશંસાપત્રો એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે દીપક ગ્રુપના અધિકારીઓ અને સરકારશ્રીના વિવિધ વિભાગોના પ્રતિનિધિઓએ પ્રોજેક્ટને વધુ સુદ્રઢ બનાવવાના સંકલ્પને દોહરાવ્યો હતો.

