પૂર્વ રાજદૂત સંજય વર્માનો કેનેડા પર પ્રહાર: ‘ખોટા નિર્ણયોએ રાજદ્વારી ક્રેડિબિલિટી પર સવાલ ઉભા કર્યા’
કેનેડામાં ભારતના ભૂતપૂર્વ હાઈ કમિશનર સંજય કુમાર વર્માએ ભારત-કેનેડા વિવાદમાં એક અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે શીખ અલગતાવાદી નેતા હરદીપ સિંહ નિજ્જરની ૨૦૨૩માં થયેલી હત્યાની તપાસના સંચાલન અંગે ઓટાવા (કેનેડા સરકાર) ને આત્મનિરીક્ષણ કરવાની આકરી સલાહ આપી છે. વર્માએ ભારપૂર્વક જણાવ્યું છે કે કેનેડાએ તે સમયે નવી દિલ્હી પર કોઈ પણ નક્કર કે મજબૂત પુરાવા વગર અત્યંત ગંભીર આરોપો લગાવ્યા હતા, જેના કારણે દાયકાઓથી ધીરજપૂર્વક બંધાયેલા બંને દેશોના દ્વિપક્ષીય સંબંધોમાં “અભૂતપૂર્વ તિરાડ” અને ભંગાણ સર્જાયું છે.
RCMP ના ખુલાસા બાદ ટ્રુડો સરકારના દાવાઓ ખોટા સાબિત થયા?
પૂર્વ રાજદૂત સંજય કુમાર વર્માનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ જસ્ટિસ અને રોયલ કેનેડિયન માઉન્ટેડ પોલીસ (RCMP) ની તાજેતરની તપાસમાં મોટો ખુલાસો થયો છે. તપાસ એજન્સીઓએ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ અને તેના ડેપ્યુટી ગોલ્ડી બ્રારને નિજ્જરની હત્યા સાથે જોડ્યા છે.

આ અંગે RCMP ના ડેપ્યુટી કમિશનર લિસા મોરલેન્ડે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, “આ સંગઠિત ગુના (Organized Crime) ની તપાસ અને મૂકવામાં આવેલા આરોપો દ્વારા એવું સૂચવવા માટે કોઈ પુરાવા નથી કે ભારતીય સત્તાવાળાઓ કે અધિકારીઓ આમાં સામેલ હતા અથવા તેમના પર કોઈ આરોપ મૂકવામાં આવ્યો હતો.”
આ સત્તાવાર નિવેદન સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડો દ્વારા સંસદમાં લેવાયેલા વલણથી તદ્દન વિપરીત છે. ટ્રુડોએ હાઉસ ઓફ કોમન્સમાં દાવો કર્યો હતો કે બ્રિટિશ કોલંબિયાના સરેમાં થયેલી નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્ટોનો હાથ હોવાના “વિશ્વસનીય આરોપો” છે. ટ્રુડોના આ નિવેદન પહેલાં કેનેડિયન તપાસકર્તાઓ પોતે જ આ કેસને સ્થાનિક ગેંગસ્ટરો વચ્ચેની હરીફાઈ (Gang Rivalry) તરીકે જોઈ રહ્યા હતા. ભારતે શરૂઆતથી જ ટ્રુડોના આ દાવાઓને “વાહિયાત” અને રાજકીય રીતે પ્રેરિત ગણાવીને ફગાવી દીધા હતા.
રાજદ્વારીઓની કારકિર્દી અને પ્રતિષ્ઠા પર આઘાત
હિંદુસ્તાન ટાઈમ્સ (HT) ને આપેલા એક વિશેષ નિવેદનમાં સંજય કુમાર વર્માએ આ સમગ્ર વિવાદને કારણે નિર્દોષ રાજદ્વારીઓ પર પડેલી નકારાત્મક અસરો અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર ૨૦૨૪ માં જ્યારે કેનેડાએ આ હિંસક પ્રવૃત્તિઓની પૂછપરછ માટે ભારતીય રાજદ્વારીઓની ઈમ્યુનિટી (રાજદ્વારી પ્રતિરક્ષા) હટાવવાની માંગ કરી, ત્યારે ભારતે કડક વલણ અપનાવીને હાઈ કમિશનર વર્મા સહિત પાંચ અન્ય અધિકારીઓને તાત્કાલિક પાછા બોલાવી લીધા હતા. બદલામાં ભારતે કેનેડાના કાર્યકારી હાઇ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલર સહિત છ કેનેડિયન રાજદ્વારીઓને પણ દેશમાંથી હાંકી કાઢ્યા હતા.

વર્માએ જણાવ્યું કે, “કેનેડામાં સર્વોચ્ચ રાજકીય સ્તરે, આટલા ગંભીર આરોપો માટે કોઈ પુરાવાનો આધાર સ્થાપિત થાય તે પહેલાં જ ભારતીય રાજ્યની સંડોવણીના આરોપો જાહેરમાં મૂકી દેવામાં આવ્યા હતા. આના કારણે દાયકાઓની મહેનતથી બનાવેલી વ્યાવસાયિક પ્રતિષ્ઠા અને કારકિર્દી પર આશંકાના વાદળો ઘેરાઈ ગયા હતા.”
તેમણે ઉમેર્યું કે, “કરિયર ડિપ્લોમેટ્સ (વ્યાવસાયિક રાજદ્વારીઓ) માટે વિશ્વસનીયતા એ માત્ર કોઈ સંપત્તિ નથી, પરંતુ તેમની કામગીરી અને અસરકારકતાનો મુખ્ય પાયો છે.” આ ખોટા આરોપોને કારણે માત્ર અધિકારીઓએ જ નહીં, પરંતુ તેમના પરિવારોએ પણ મોટો “ભાવનાત્મક બોજ” અને માનસિક તણાવ સહન કરવો પડ્યો છે.