તમારા પીએફ એકાઉન્ટમાં રકમ ક્યારે જમા થશે? સપ્ટેમ્બરના પીએફ કટૌતી અને ઇસીઆર ફાઇલિંગ અંગે EPFO નો મોટો ખુલાસો
જો તમે આ મહિને તમારા પ્રોવિડન્ટ ફંડ (PF) ખાતાની પાસબુક ચકાસી રહ્યા હોવ અને તેમાં સપ્ટેમ્બર ૨૦૨૬ નું પીએફ યોગદાન જમા થયેલું ન દેખાય, તો ચિંતા કરવાની જરૂર નથી. દેશના લાખો કર્મચારીઓ આ જ પ્રશ્નને લઈને ચિંતિત છે, પરંતુ કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (EPFO) એ આ વિલંબ પાછળનું સત્તાવાર અને વજૂદભર્યું કારણ સ્પષ્ટ કર્યું છે.
સપ્ટેમ્બર મહિનાનું પીએફ યોગદાન ખાતામાં ન દેખાવાનું મુખ્ય કારણ કંપનીઓ દ્વારા ઇલેક્ટ્રોનિક ચલણ કમ રિટર્ન (ECR) ફાઇલ કરવામાં અને રકમ જમા કરાવવામાં આવેલો સમય છે. સ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને EPFO એ સપ્ટેમ્બર ૨૦૨૬ માટે ECR ફાઇલ કરવાની અને સંબંધિત PF રકમ જમા કરવાની અંતિમ સમયમર્યાદા ૧૫ ઓક્ટોબરથી લંબાવીને ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ કરી દીધી છે. આ નિર્ણયથી કંપનીઓને વધારાના ૧૬ દિવસનો સમય મળ્યો છે.
પીએફ ખાતામાં વિલંબનું મુખ્ય કારણ: વેતન મર્યાદામાં ફેરફાર
EPFO ના જણાવ્યા અનુસાર, સમયમર્યાદા લંબાવવા પાછળનું મુખ્ય કારણ કેન્દ્ર સરકાર દ્વારા ફરજિયાત EPF કવરેજ માટેની વેતન મર્યાદામાં કરાયેલો મહત્વપૂર્ણ ફેરફાર છે. સરકારે ફરજિયાત પીએફ કવરેજ માટે માસિક વેતન મર્યાદા ₹૧૫,૦૦૦ થી વધારીને ₹૨૫,૦૦૦ પ્રતિ માસ કરી દીધી છે, જે ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૬ થી દેશભરમાં અમલમાં આવી છે.
આ ફેરફાર મહિનાના મધ્યમાં અમલમાં આવ્યો હોવાથી કંપનીઓ માટે ભારે ટેકનિકલ, વહીવટી અને કાર્યકારી મુશ્કેલીઓ ઊભી થઈ હતી. નિયમ લાગુ થયા બાદ તમામ કંપનીઓએ પોતાના કર્મચારીઓના પેરોલ સોફ્ટવેર, પગાર રેકોર્ડ અને પીએફ ગણતરીઓમાં મોટા ફેરફારો કરવા પડ્યા હતા. સપ્ટેમ્બર મહિનામાં ૧ થી ૧૬ સપ્ટેમ્બર સુધી જૂની વેતન મર્યાદા (₹૧૫,૦૦૦) અને ૧૭ થી ૩૦ સપ્ટેમ્બર સુધી નવી વેતન મર્યાદા (₹૨૫,૦૦૦) મુજબ અલગ અલગ સમયગાળા માટે હિસાબ કરવાનો હોવાથી કમ્પ્યુટર સિસ્ટમમાં જટિલતા સર્જાઈ હતી. આ ટેકનિકલ કારણોસર કંપનીઓ માટે નિર્ધારિત ૧૫ ઓક્ટોબર સુધીમાં ઇસીઆર ફાઇલ કરવું મુશ્કેલ બન્યું હતું.
સપ્ટેમ્બરનો પીએફ તમારા ખાતામાં ક્યારે દેખાશે?
EPFO એ કંપનીઓને ECR ફાઇલ કરવા અને કર્મચારીઓનું કાનૂની પીએફ યોગદાન જમા કરાવવા માટે ૩૧ ઓક્ટોબર, ૨૦૨૬ સુધીની મુદત આપી છે. જો તમારી કંપનીએ હજુ સુધી સપ્ટેમ્બર મહિનાનું રિટર્ન ફાઇલ કર્યું નથી, તો તમારા PF ખાતામાં રકમ દેખાવામાં થોડા દિવસોનો વધુ સમય લાગી શકે છે.
જોકે, નિષ્ણાતો મતે ૩૧ ઓક્ટોબરને એવી ગેરંટી ન માનવી જોઈએ કે તે જ દિવસે તમામ કર્મચારીઓના ખાતામાં બેલેન્સ અપડેટ થઈ જશે. EPFO એ આ સમયમર્યાદા કંપનીઓને ચુકવણી કરવા માટે આપી છે. બેંકિંગ પ્રક્રિયા અને EPFO ના સર્વર પર ડેટા પ્રોસેસ થયા બાદ જ વ્યક્તિગત પાસબુકમાં એન્ટ્રી દેખાશે. આથી કંપની ચુકવણી કરે તેના બે થી ત્રણ કામકાજના દિવસો બાદ જ બેલેન્સ અપડેટ થશે.
જો પીએફ બેલેન્સ ન દર્શાવે તો કર્મચારીઓએ શું કરવું?
જો તમારા પીએફ ખાતામાં પૈસા જમા થયેલા ન દેખાય, તો કર્મચારીઓએ સૌથી પહેલાં પોતાની સપ્ટેમ્બર મહિનાની સેલેરી સ્લિપ (Salary Slip) તપાસવી જોઈએ. સેલેરી સ્લિપમાં પીએફની રકમ કાપવામાં આવી છે કે નહીં તેની ખાતરી કરી લો.
ત્યારબાદ, તમારી કંપનીના એચઆર (HR) અથવા પેરોલ વિભાગનો સંપર્ક કરીને પૂછપરછ કરો કે શું કંપનીએ સપ્ટેમ્બર મહિનાનું ECR રિટર્ન ફાઇલ કરી દીધું છે અને રકમ EPFO માં જમા કરાવી છે કે કેમ. જો કંપની તરફથી રકમ જમા કરાવી દીધી હોવાની પુષ્ટિ મળે પરંતુ યોગ્ય સમયગાળો વીત્યા પછી પણ તમારી પીએફ પાસબુકમાં એન્ટ્રી ન પડે, તો તમે EPFO ના સત્તાવાર ગ્રીવન્સ પોર્ટલ (EPFiGMS) પર જઈને ઓનલાઈન ફરિયાદ નોંધાવી શકો છો.
