શ્રેયસ અય્યરના નામે શરમજનક રેકોર્ડ, પ્રથમ વન-ડેમાં કેપ્ટન તરીકે જ ‘ગોલ્ડન ડક’ પર થયા આઉટ
ભારતીય ક્રિકેટમાં પહેલીવાર વન-ડે ટીમની કેપ્ટનશિપ સંભાળવી કોઈપણ ખેલાડી માટે ખાસ ક્ષણ હોય છે. પરંતુ શ્રેયસ અય્યર માટે આ યાદગાર શરૂઆત એક અનિચ્છનીય રેકોર્ડમાં ફેરવાઈ ગઈ. ન્યૂઝીલેન્ડ સામેની ચોથી વન-ડેમાં તેમને પ્રથમ વખત ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરવાની તક મળી હતી, પરંતુ બેટિંગમાં તેઓ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં. મેટ હેનરીના બોલ પર તેઓ સામનો કરેલા પહેલા જ બોલે આઉટ થઈ ગયા. આ સાથે શ્રેયસ અય્યર કેપ્ટન તરીકેની પોતાની પ્રથમ વન-ડે મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થનારા પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા.
માઉન્ટ મૌંગાનુઈના બે ઓવલ મેદાન પર રમાયેલી આ મેચ ભારત માટે પણ નિરાશાજનક રહી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 50 ઓવરમાં 333 રન બનાવ્યા હતા. 334 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત અત્યંત ખરાબ રહી. મેટ હેનરીએ પ્રથમ ઓવરમાં જ રોહિત શર્મા, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરને આઉટ કરીને ભારતને મોટો ઝટકો આપ્યો હતો.

કેપ્ટન તરીકેની પહેલી જ મેચમાં શ્રેયસનો ગોલ્ડન ડક
શુભમન ગિલની ગેરહાજરીમાં શ્રેયસ અય્યરને પ્રથમ વખત ભારતીય વન-ડે ટીમની કમાન સોંપવામાં આવી હતી. કેપ્ટન તરીકે મેદાનમાં ઉતર્યા બાદ તેમની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા હતી. જોકે, ન્યૂઝીલેન્ડના ઝડપી બોલર મેટ હેનરીએ તેમની આ શરૂઆતને નિરાશાજનક બનાવી દીધી.ભારતની ઇનિંગ્સની પ્રથમ ઓવરના છેલ્લા બોલ પર શ્રેયસ અય્યર બેટિંગ કરવા આવ્યા હતા. હેનરીના બોલ સામે તેઓ ટકી શક્યા નહીં અને પ્રથમ જ બોલ પર આઉટ થઈ ગયા. ક્રિકેટની ભાષામાં સામનો કરેલા પહેલા જ બોલ પર શૂન્ય રને આઉટ થવાની સ્થિતિને ‘ગોલ્ડન ડક’ કહેવામાં આવે છે.
આ રીતે શ્રેયસ અય્યરના નામે એક એવો રેકોર્ડ નોંધાયો, જે કોઈ ભારતીય કેપ્ટરના નામે અગાઉ નહોતો. તેઓ પોતાની પ્રથમ વન-ડે કેપ્ટનશિપ મેચમાં ગોલ્ડન ડક પર આઉટ થનારા પ્રથમ ભારતીય કેપ્ટન બન્યા. કેપ્ટન તરીકેની શરૂઆતમાં જ આ પ્રકારનો રેકોર્ડ નોંધાવવો તેમના માટે ચોક્કસપણે નિરાશાજનક બાબત છે.આ પહેલાં કોઈ ભારતીય ખેલાડી પોતાની પ્રથમ વન-ડે કેપ્ટનશિપ મેચમાં શૂન્ય રને આઉટ થયો નહોતો. શ્રેયસ પહેલાં આ મામલે સૌથી ઓછો સ્કોર બે રન હતો. જોકે, આ વખતે શ્રેયસ પોતાનું ખાતું પણ ખોલાવી શક્યા નહીં અને અનિચ્છનીય યાદીમાં સામેલ થઈ ગયા.
રોહિત અને વિરાટ પણ કેપ્ટન તરીકેની પહેલી મેચમાં માત્ર બે રન બનાવી શક્યા હતા
ભારતના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પણ પોતાની પ્રથમ વન-ડે કેપ્ટનશિપ મેચમાં મોટી ઇનિંગ્સ રમી શક્યા નહોતા. બંને ખેલાડીઓ પોતાની કેપ્ટન તરીકેની પ્રથમ વન-ડે મેચમાં બે-બે રન બનાવીને આઉટ થયા હતા. અત્યાર સુધી ભારતીય કેપ્ટનોની પ્રથમ વન-ડે મેચમાં સૌથી ઓછો સ્કોર બે રનનો હતો.પરંતુ શ્રેયસ અય્યરના કિસ્સામાં આ આંકડો પણ પાછળ રહી ગયો. તેઓ શૂન્ય રને આઉટ થતાં આ યાદીમાં સૌથી ઓછો સ્કોર નોંધાવનાર ભારતીય કેપ્ટન બન્યા. ખાસ વાત એ છે કે તેઓ માત્ર શૂન્ય રને જ નહીં, પરંતુ પ્રથમ બોલ પર જ વિકેટ ગુમાવી બેઠા હતા.
શ્રેયસની T20 આંતરરાષ્ટ્રીય કેપ્ટન તરીકેની શરૂઆત પણ ખાસ રહી નહોતી. તેમના નેતૃત્વ હેઠળ ભારતીય ટીમને આયર્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. હવે વન-ડેમાં પણ તેમની શરૂઆત નિરાશાજનક રહી છે. જોકે, આ એક મેચના પ્રદર્શનના આધારે તેમની કેપ્ટનશિપનું મૂલ્યાંકન કરવું યોગ્ય નહીં ગણાય.

મેટ હેનરીની એક ઓવરે ભારતની બેટિંગને હચમચાવી
શ્રેયસ અય્યરનો ગોલ્ડન ડક આ મેચની સૌથી ચર્ચાસ્પદ ઘટનાઓમાંની એક રહ્યો, પરંતુ તેની પાછળ મેટ હેનરીની શાનદાર બોલિંગ પણ એટલી જ મહત્વપૂર્ણ હતી. ન્યૂઝીલેન્ડે 333 રન બનાવ્યા બાદ ભારતની ઇનિંગ્સ શરૂ થઈ ત્યારે હેનરીએ પહેલા જ બોલ પર રોહિત શર્માને સ્લિપમાં કેચ આઉટ કરાવ્યા હતા.ત્યારબાદ પાંચમા બોલ પર વિરાટ કોહલીને બોલ્ડ કરીને ભારતને બીજો ઝટકો આપ્યો. ઓવરના છેલ્લા બોલ પર શ્રેયસ અય્યર પણ આઉટ થયા. આ રીતે પ્રથમ ઓવર પૂરી થતાં પહેલાં જ ભારતે ત્રણ મહત્વપૂર્ણ વિકેટ ગુમાવી દીધી હતી અને ટીમના ખાતામાં એક પણ રન નોંધાયો નહોતો.
