ન્યુઝીલેન્ડે સેમીફાઇનલમાં તોડ્યું દક્ષિણ આફ્રિકાનું સપનું, હાર બાદ માર્કરમે જે કહ્યું તે સાંભળી ફેન્સ પણ નિરાશ

3 Min Read

SA vs NZ: હાર બાદ એડન માર્કરામનું દર્દ છલકાયું, કરારી શિકસ્તને ગણાવી ‘ચહેરા પર તમાચા’ સમાન

T20 વર્લ્ડ કપ 2026માં દક્ષિણ આફ્રિકાની સફરનો અંત ખૂબ જ નિરાશાજનક રહ્યો છે. કોલકાતાના ઈડન ગાર્ડન્સ ખાતે રમાયેલી પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 9 વિકેટે કારમી હાર આપીને ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. આ હાર બાદ પ્રોટીઝ કેપ્ટન એડન માર્કરામ ભારે નિરાશ દેખાયા હતા અને તેમણે મેચ બાદ પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.

ન્યુઝીલેન્ડનો દબદબો અને આફ્રિકાની શરણાગતિ

કોલકાતામાં રમાયેલા આ મહત્વના મુકાબલામાં ન્યુઝીલેન્ડે ટોસ જીતીને શાનદાર પ્રદર્શન કર્યું હતું. દક્ષિણ આફ્રિકાએ આપેલા 170 રનના લક્ષ્યાંકને કીવી ટીમે માત્ર 13મી ઓવરમાં જ હાંસલ કરી લીધો હતો. ફિન એલનની તોફાની બેટિંગ સામે દક્ષિણ આફ્રિકાના બોલરો લાચાર દેખાયા હતા. આ જીત સાથે ન્યુઝીલેન્ડે ધમાકેદાર રીતે ફાઈનલની ટિકિટ મેળવી લીધી છે, જ્યારે બીજી તરફ આફ્રિકન છાવણીમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

- Advertisement -

 sa.jpg

પીચ અને પરિસ્થિતિ પર માર્કરામનું વિશ્લેષણ

મેચ બાદ વાત કરતા માર્કરામે જણાવ્યું કે, શરૂઆતમાં પરિસ્થિતિ બેટિંગ માટે થોડી મુશ્કેલ હતી. તેમણે કહ્યું, “ન્યુઝીલેન્ડના બોલરોએ શરૂઆતમાં અદભૂત લાઇન-લેન્થ જાળવી રાખી હતી. બોલ બેટ પર બરાબર આવતો ન હતો, કેટલીકવાર બોલ નીચે રહેતો હતો તો ક્યારેક પીચ પર થોભીને આવતો હતો. સતત વધતા દબાણને કારણે અમે સમયાંતરે વિકેટો ગુમાવી.” માર્કરામે વધુમાં ઉમેર્યું કે જો ટીમ 190 રન સુધી પહોંચી હોત, તો કદાચ લડત આપી શકાઈ હોત.

- Advertisement -

ફિન એલન અને સીફર્ટના વખાણ

માર્કરામે ન્યુઝીલેન્ડના ઓપનરો, ખાસ કરીને ફિન એલન અને ટિમ સીફર્ટની રમતની પ્રશંસા કરી હતી. તેમણે સ્વીકાર્યું કે આ બંને ખેલાડીઓએ પાવરપ્લેમાં જે રીતે આક્રમણ કર્યું, તેનાથી મેચ દક્ષિણ આફ્રિકાના હાથમાંથી સરકી ગઈ હતી. T20 ક્રિકેટમાં જ્યારે વિરોધી ટીમ આટલી ઝડપી શરૂઆત કરે છે, ત્યારે વાપસી કરવી લગભગ અશક્ય બની જાય છે.

sa41.jpg

“ચહેરા પર તમાચા જેવો અનુભવ”

પોતાની નિરાશા વ્યક્ત કરતા માર્કરામે હારને આકરી ગણાવી હતી. તેમણે કહ્યું, “હાલમાં આ હાર પચાવવી મુશ્કેલ છે. તે ચહેરા પર સીધો તમાચો નથી, પણ કંઈક એવો જ અહેસાસ કરાવી રહ્યો છે. અમે આખા ટૂર્નામેન્ટમાં શાનદાર ક્રિકેટ રમ્યા હતા અને મને મારી ટીમ પર ગર્વ છે, પરંતુ સેમીફાઈનલમાં અમે અપેક્ષા મુજબનું પ્રદર્શન કરી શક્યા નહીં.”

- Advertisement -

માર્કરામે અંતમાં જણાવ્યું કે હવે ખેલાડીઓએ પોતાની લાગણીઓ શાંત પાડવાની જરૂર છે અને ત્યારબાદ ટીમ બેસીને ક્યાં ભૂલ થઈ તેનું વિશ્લેષણ કરશે જેથી ભવિષ્યમાં વધુ મજબૂત બનીને પરત ફરી શકાય.

Share This Article