T20 વર્લ્ડ કપ 2026: દક્ષિણ આફ્રિકાના 2 ખેલાડીઓ ભારતમાં અચાનક બન્યા ‘હીરો’, જાણો શું છે તેની પાછળનું ખાસ કારણ
ICC T20 વર્લ્ડ કપ 2026 અત્યારે તેના સૌથી રોમાંચક તબક્કે છે. ગુરુવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ટક્કર થઈ હતી. જોકે આ મેચ બે વિદેશી ટીમો વચ્ચે હતી, પરંતુ તેની સૌથી વધુ અસર ભારતીય ટીમ પર પડવાની હતી. આ જ કારણ છે કે દક્ષિણ આફ્રિકાના બે બોલરોએ મેદાન પર જે પરાક્રમ કર્યું, તેનાથી તેઓ રાતોરાત ભારતીય ચાહકોના દિલમાં વસી ગયા અને ‘હીરો’ બની ગયા.
વેસ્ટ ઈન્ડિઝની તોફાની શરૂઆતથી ભારતીય ફેન્સ ચિંતામાં મુકાયા
મેચમાં દક્ષિણ આફ્રિકાના કેપ્ટન એડન માર્કરામે ટોસ જીતીને વેસ્ટ ઈન્ડિઝને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેનોએ મેદાનમાં ઉતરતાની સાથે જ આક્રમક વલણ અપનાવ્યું. કેશવ મહારાજની પહેલી જ ઓવરમાં વેસ્ટ ઈન્ડિઝે 17 રન ઝૂડી કાઢ્યા. માત્ર બે ઓવરમાં સ્કોર 29 રને પહોંચી ગયો હતો. વિન્ડિઝની આ તોફાની બેટિંગ જોઈને ભારતીય ચાહકોના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા, કારણ કે જો વેસ્ટ ઈન્ડિઝ મોટો સ્કોર બનાવીને જીતી જાય તો ભારત માટે સેમીફાઈનલના દરવાજા મુશ્કેલ બની શકે તેમ હતા.
રબાડા અને એન્ગિડીએ પલટી નાખી બાજી
જ્યારે એવું લાગતું હતું કે વેસ્ટ ઈન્ડિઝ સ્કોરનો પહાડ ખડકશે, ત્યારે જ દક્ષિણ આફ્રિકાના બે ફાસ્ટ બોલરો – કગિસો રબાડા અને લુંગી એન્ગિડી ત્રાટક્યા. રબાડાએ ત્રીજી ઓવરમાં બે વિકેટ ઝડપીને વિન્ડિઝની રનગતિ પર બ્રેક લગાવી દીધી. ત્યારબાદ લુંગી એન્ગિડીએ પણ તરખાટ મચાવતા વધુ બે વિકેટ ઝડપી. આશ્ચર્યની વાત એ છે કે જે ટીમે 2 ઓવરમાં 29 રન બનાવ્યા હતા, તેના પછીની 2 ઓવરમાં માત્ર 14 રન ઉમેરાયા અને 4 મુખ્ય વિકેટો પડી ગઈ. આ બે ખેલાડીઓના શાનદાર સ્પેલને કારણે ભારતીય ફેન્સે રાહતનો શ્વાસ લીધો હતો.
દક્ષિણ આફ્રિકાની જીતથી ભારતને શું ફાયદો?
ભારતીય ચાહકો આ મેચમાં દક્ષિણ આફ્રિકાની જીતની પ્રાર્થના એટલા માટે કરી રહ્યા હતા કારણ કે જો વેસ્ટ ઈન્ડિઝ આ મેચ જીતી જાય, તો તેમના પણ 4 પોઈન્ટ થઈ જાય. આવી સ્થિતિમાં સેમીફાઈનલનો નિર્ણય નેટ રન રેટ (NRR) પર આવી જાય, જ્યાં ભારત અત્યારે થોડું નબળું છે. વેસ્ટ ઈન્ડિઝની હારથી ભારતનો રસ્તો સાફ થઈ જશે અને ટીમે માત્ર પોતાની આગામી મેચ જીતવાની રહેશે. આમ, રબાડા અને એન્ગિડીએ પરોક્ષ રીતે ભારતની સેમીફાઈનલની રાહ આસાન કરી આપી છે.

