લોકલ મુસાફરોને આંશિક રાહત સાથે એસટી નિગમનો ભાડા વધારાનો નિર્ણય
ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમની બસ સેવાઓ પર રોજ લાખો લોકો નિર્ભર છે. રાજ્યભરમાં દૈનિક 8000થી વધુ બસો દ્વારા 32 લાખથી વધુ કિલોમીટરનું અંતર કાપીને મુસાફરોને જાહેર પરિવહન સુવિધા આપવામાં આવે છે. પરંતુ નવા વર્ષ 2026ની શરૂઆત સાથે જ એસટી બસ ભાડામાં વધારો લાગુ થવાનો છે. આ નિર્ણયથી દૈનિક મુસાફરી કરનાર નાગરિકોના ખિસ્સા પર વધારાનો બોજ પડશે. ખાસ કરીને નોકરીયાત અને વિદ્યાર્થીઓ માટે આ ફેરફાર મહત્વનો બનશે.
1 જાન્યુઆરી 2026થી 3 ટકા ભાડા વધારાનો અમલ
નિગમની સેવાઓને વધુ મજબૂત અને આધુનિક બનાવવા માટે સંચાલક મંડળે ભાડા વધારાનો નિર્ણય લીધો છે. 31 ડિસેમ્બર 2025ની મધ્યરાત્રી બાદ એટલે કે 1 જાન્યુઆરી 2026થી તમામ એસટી સેવાઓમાં સરેરાશ 3 ટકા ભાડા વધારો લાગુ થશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર વધતા ખર્ચ અને સંચાલન ખર્ચને પહોંચી વળવા આ પગલું લેવામાં આવ્યું છે. નિગમનું માનવું છે કે આ વધારો મર્યાદિત અને વ્યવહારૂ છે.
લોકલ મુસાફરો માટે ખાસ રાહત વ્યવસ્થા
એસટી નિગમના આંકડા મુજબ મોટાભાગના મુસાફરો લોકલ રૂટ પર મુસાફરી કરે છે. દૈનિક અંદાજે 10 લાખ જેટલા લોકો 48 કિલોમીટર સુધીનું અંતર કાપે છે. 9 કિલોમીટર સુધી મુસાફરી કરનાર મુસાફરો માટે કોઈ ભાડા વધારો લાગુ કરવામાં આવ્યો નથી. જ્યારે 10થી 60 કિલોમીટર વચ્ચે મુસાફરી કરનાર લોકોને માત્ર એક રૂપિયાનું વધારાનું ભાડું ચૂકવવું પડશે.
આધુનિક બસો અને નવા સ્ટેશનો દ્વારા સુવિધામાં વધારો
છેલ્લા 14 મહિનામાં એસટી નિગમે અત્યાધુનિક BS-6 ટેકનોલોજી ધરાવતી 1475 નવી બસો પ્રજાની સેવામાં ઉતારી છે. તેમાં સ્લીપર કોચ, લકઝરી, સેમી લકઝરી, સુપર ડિલક્સ અને મીની બસનો સમાવેશ થાય છે. આ સાથે રાજ્યભરમાં 13 નવા બસ સ્ટેશન અને ડેપોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ તમામ સુવિધાઓથી દૈનિક એક લાખથી વધુ મુસાફરોને લાભ મળી રહ્યો છે.
બસોમાં ડિજિટલ પેમેન્ટને પ્રોત્સાહન
મુસાફરોને છુટ્ટા પૈસાની મુશ્કેલીમાંથી મુક્ત કરવા માટે એસટી નિગમે ડિજિટલ ચુકવણી પર ભાર મૂક્યો છે. અમદાવાદ, રાજકોટ, જામનગર અને જુનાગઢ વિભાગમાં 3000 સ્માર્ટ ઈટીએમ મશીનો બસોમાં કાર્યરત કરવામાં આવ્યા છે. મુસાફરો હવે બસની અંદર જ ડિજિટલ પેમેન્ટ કરી શકે છે. ટૂંક સમયમાં અન્ય વિભાગોમાં પણ 7500 નવા સ્માર્ટ ઈટીએમ મશીનો શરૂ કરવાની તૈયારી છે.

