કોલકાતામાં ભૂકંપના જોરદાર આંચકા: ઓફિસો ખાલી કરાવાઈ, લોકો રસ્તા પર ઉતરી આવ્યા
પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં આજે ભૂકંપના આંચકા અનુભવાતા ભારે ગભરાટ ફેલાયો હતો. બાંગ્લાદેશમાં ઉદ્ભવેલા 4.9 ની તીવ્રતાના ભૂકંપના આંચકા કોલકાતા સુધી પહોંચતા લોકો ઘર, ઓફિસો અને શાળાઓ છોડીને ખુલ્લા મેદાનમાં દોડી આવ્યા હતા. ‘સિટી ઓફ જોય’ તરીકે ઓળખાતા આ શહેરમાં જૂની ઇમારતોની સંખ્યા વધુ હોવાથી લોકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.
ભૂકંપનો અનુભવ અને લોકોની પ્રતિક્રિયા
ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકોએ સોશિયલ મીડિયા પર તેમના મોબાઈલ ફોનમાં આવેલા ‘અર્થક્વેક એલર્ટ’ના સ્ક્રીનશોટ શેર કરવાનું શરૂ કર્યું હતું. એપાર્ટમેન્ટ્સ અને ઓફિસ કોમ્પ્લેક્સમાં કામ કરતા લોકો સીડીઓ ઉતરીને તાત્કાલિક બહાર નીકળી ગયા હતા.
એક 63 વર્ષીય વૃદ્ધાએ પોતાનો અનુભવ જણાવતા કહ્યું કે, “હું રોકિંગ ચેર પર બેઠી હતી ત્યારે અચાનક ખુરશી પોતાની મેળે હલવા લાગી હતી. પંખો બંધ હોવા છતાં તે હલી રહ્યો હતો.” જોકે, આ ભૂકંપ માત્ર થોડી સેકન્ડો સુધી જ ચાલ્યો હતો, પરંતુ તેનાથી લોકોમાં લાંબા સમય સુધી ડરનો માહોલ રહ્યો હતો.
Kolkata, West Bengal: An earthquake of magnitude 5.0 was felt in Kolkata.
Union MoS Sukanta Majumdar was addressing a gathering when an earthquake struck Kolkata. pic.twitter.com/I1OU6k5SCl
— IANS (@ians_india) February 27, 2026
કેન્દ્રીય મંત્રીનો કાર્યક્રમ અટક્યો
આ ભૂકંપની અસર જાહેર કાર્યક્રમો પર પણ જોવા મળી હતી. કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદાર જ્યારે એક સભાને સંબોધિત કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધ્રુજારી અનુભવાતા તેમણે પોતાનું ભાષણ અધવચ્ચે જ અટકાવી દીધું હતું. સભામાં હાજર લોકો પણ થોડી ક્ષણો માટે સ્તબ્ધ થઈ ગયા હતા.
બાંગ્લાદેશમાં હતું ભૂકંપનું કેન્દ્રબિંદુ
પ્રાથમિક અહેવાલો મુજબ, આ ભૂકંપનું કેન્દ્ર પાડોશી દેશ બાંગ્લાદેશમાં હતું. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4.9 નોંધાઈ હતી. કોલકાતામાં ગીચ વસ્તી અને સાંકડી ગલીઓમાં આવેલી જૂની ઇમારતોને કારણે ભૂકંપ આવતા જ તંત્ર અને નાગરિકોમાં દોડધામ મચી ગઈ હતી. સદનસીબે, હજુ સુધી આ આંચકાઓને કારણે કોઈ મોટી જાનહાનિ કે માલહાનિના સમાચાર પ્રાપ્ત થયા નથી.
