૨૦૧૮થી ૨૦૨૫ સુધી ૧,૩૯,૯૫૯ લાખ ઘન ફૂટ જળસંગ્રહની સિદ્ધિ, લાખો કામોથી ભૂગર્ભજળ સ્તર ઉંચું
ગુજરાતમાં પાણીના ટીપે ટીપાનો સંગ્રહ કરવા અને ભૂગર્ભ જળસ્તર ઊંચા લાવવા માટે શરૂ કરાયેલું ‘સુજલામ સુફલામ જળ અભિયાન’ આજે રાજ્યના વિકાસની જીવનરેખા બની ગયું છે. ૨૦૧૮માં માત્ર ૧૮,૫૧૫ કામોથી શરૂ થયેલું આ અભિયાન ૨૦૨૫ સુધીમાં એક વિશાળ જન આંદોલન બની ચૂક્યું છે. છેલ્લા આઠ વર્ષમાં રાજ્ય સરકારે જન ભાગીદારી સાથે મળીને જળ સંગ્રહ ક્ષમતામાં અભૂતપૂર્વ વધારો કર્યો છે, જે આજે ગુજરાતના ખેતરોમાં હરિયાળી લહેરાવી રહ્યો છે.
તળાવો ઊંડા કરવાથી લઈને નહેરોની સફાઈ સુધીની ભગીરથ કામગીરી
વર્ષ ૨૦૧૮માં ૭,૫૫૨ તળાવો ઊંડા કરવાથી શરૂ થયેલી સફર આજે ૩૯,૫૪૨ તળાવો સુધી પહોંચી છે. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ૧,૩૯,૯૫૯ લાખ ઘન ફૂટ જળસંગ્રહની ક્ષમતા ઊભી કરવામાં આવી છે. ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચાડવા માટે ૮૨,૨૪૦ કિલોમીટર લાંબી નહેરો અને કાંસની સફાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત, ૨૬,૦૦૦થી વધુ ચેકડેમોમાંથી કાંપ કાઢીને તેને ફરીથી પાણી સંગ્રહ કરવા માટે સક્ષમ બનાવવામાં આવ્યા છે.
જળ સંચયથી ખેડૂતોને બેવડો ફાયદો અને રોજગારીનું સર્જન
આ અભિયાન માત્ર પાણી બચાવવા પૂરતું મર્યાદિત નથી, પણ તેનાથી ગ્રામીણ અર્થતંત્રને મોટો વેગ મળ્યો છે. તળાવો ઊંડા કરતી વખતે નીકળેલી ફળદ્રુપ માટી ખેડૂતોને મફત આપવામાં આવી, જેનાથી ખેતીમાં ખાતરનો ખર્ચ ઘટ્યો અને પાકનું ઉત્પાદન વધ્યું. આ સાથે જ, છેલ્લા ૮ વર્ષમાં આ કામો દ્વારા ૨૧૦ લાખ ‘માનવ દિવસો’ જેટલી મોટી રોજગારી પણ ઊભી થઈ છે. પશુ-પક્ષીઓ માટે પીવાના પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવ્યો છે અને ડાર્ક ઝોન ગણાતા વિસ્તારોમાં પાણીના તળ ઊંચા આવ્યા છે.
જળ સંચય જન ભાગીદારી ૨.૦: ભૂગર્ભ જળ રિચાર્જની નવી પહેલ
ગુજરાત સરકાર હવે ‘જળ સંચય જન ભાગીદારી ૨.૦’ અભિયાન દ્વારા જળ ક્રાંતિને આગલા સ્તરે લઈ ગઈ છે. આ નવા તબક્કામાં ૧.૩૩ લાખથી વધુ ભૂગર્ભજળ રિચાર્જ વ્યવસ્થાઓનું નિર્માણ કરવામાં આવ્યું છે. જેમાં ૩૭,૦૦૦થી વધુ રિચાર્જ પીટ, ૧૯,૦૦૦ બોરવેલ રિચાર્જ અને ૧૭,૦૦૦ સોક પીટ જેવા કામોનો સમાવેશ થાય છે. હાલમાં પણ ૭૦,૦૦૦થી વધુ નવા કામો પ્રગતિ હેઠળ છે. ગુજરાતના આ જળસંચય મોડેલની નોંધ લઈને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ ૨૦૨૦ અને ૨૦૨૧માં સ્કોચ (SKOCH) એવોર્ડ પણ એનાયત કરવામાં આવ્યો છે.
