સુરત બ્રેકિંગ: ગૌવંશ સાથે અશોભનીય કૃત્ય કરનાર શખ્સની ધરપકડ
સુરતમાં માનવતા ને શર્મશાર કરતી ઘટનાએ સમગ્ર શહેરને હચમચાવી દીધું છે. ગૌવંશ સાથે સૃષ્ટિ વિરુદ્ધના ઘૃણાસ્પદ કૃત્યની ગંભીર ઘટના અડાજણ વિસ્તારમાં સામે આવી છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આરોપીએ ગૌવંશના છાપરામાં ગેરકાયદેસર રીતે ઘૂસી, બે પગ દોરડા વડે બાંધીને અમાનવીય કૃત્ય આચર્યું હોવાનો આક્ષેપ છે. ઘટના સામે આવતા જ સ્થાનિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો.
મામલો પ્રકાશમાં આવતા અડાજણ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાઈ હતી. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી, ગુનાની ગંભીરતા ધ્યાને લઈ તપાસ શરૂ કરી હતી. પ્રાથમિક તપાસ બાદ પોલીસે આરોપી બ્રિજમોહન રવિન્દ્ર યાદવને ઝડપી પાડી તેની ધરપકડ કરી છે.
પોલીસ દ્વારા આરોપી સામે સંબંધિત કાયદાની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને તેને ન્યાયિક કસ્ટડીમાં મોકલી જેલ હવાલે કરવામાં આવ્યો છે. ઘટનાસ્થળની તપાસ, આસપાસના સીસીટીવી ફૂટેજની ચકાસણી તેમજ સાક્ષીઓના નિવેદન લેવામાં આવી રહ્યા છે.
આ ઘટનાને લઈ અડાજણ સહિત સમગ્ર સુરતમાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગૌરક્ષક સંગઠનો તથા સ્થાનિક નાગરિકોએ આરોપી સામે કડકમાં કડક સજા કરવાની માંગ ઉઠાવી છે. અનેક લોકોએ આવી ઘટનાઓને રોકવા માટે કડક કાયદા અમલ અને ઝડપી ન્યાયની માંગ કરી છે.
પોલીસે જનતાને શાંતિ જાળવવા અપીલ કરી છે અને ખાતરી આપી છે કે મામલાની સંપૂર્ણ, નિષ્પક્ષ અને ઝડપી તપાસ કરીને દોષીને કડક સજા અપાવવામાં આવશે.