અનામી ફોન કોલથી સુરત કોર્ટમાં એલર્ટ, ડોગ સ્ક્વોડ અને પોલીસ દ્વારા સઘન તપાસ
સુરતના જિલ્લા કોર્ટ પરિસરમાં બોમ્બ મૂક્યો હોવાની ધમકી મળતા શહેરમાં હલચલ મચી ગઈ છે. નનામી ફોન કોલ દ્વારા મળેલી આ ધમકી બાદ પોલીસ અને કોર્ટ પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. સુરક્ષા કારણોસર આજના દિવસે કોર્ટમાં વકીલો તથા અરજદારો માટે કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. ઘટનાને પગલે સમગ્ર કોર્ટ પરિસર ખાલી કરાવવામાં આવ્યું હતું.
ડોગ સ્ક્વોડ અને પોલીસની સઘન તપાસ
ધમકી મળતાની સાથે જ સ્થાનિક પોલીસ, ડોગ સ્ક્વોડ તથા અન્ય સુરક્ષા ટીમો કોર્ટ પરિસરમાં પહોંચી હતી. કોર્ટના તમામ રૂમો, ઓફિસો અને આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ શરૂ કરવામાં આવી છે. કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન રહે તે માટે દરેક ખૂણે ચકાસણી કરવામાં આવી રહી છે. હાલ પરિસ્થિતિ પર પોલીસની કડક નજરકેદ છે.
ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને મળી હતી ધમકી
આ પહેલા ગઇકાલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટને પણ બોમ્બની ધમકી મળી હતી. કોર્ટના રજિસ્ટ્રી વિભાગને ઈ-મેલ મારફતે આ ધમકી આપવામાં આવી હતી. એ બાદ કોર્ટની તમામ કાર્યવાહી તાત્કાલિક સ્થગિત કરી દેવાઈ હતી. બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા તપાસ કરવામાં આવી હતી, જેમાં કોઈ વાંધાજનક વસ્તુ મળી નહોતી.
અગાઉ ગુજરાત હાઈકોર્ટને પણ નિશાન બનાવાયું હતું
થોડા સમય પહેલા ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકીભર્યો ઈ-મેલ મળ્યો હતો. આ ઘટનાને પગલે હાઈકોર્ટ પરિસરમાં ભારે દોડધામ મચી ગઈ હતી. બોમ્બ ડિસ્પોઝલ અને ડોગ સ્ક્વોડની ટીમોએ તાત્કાલિક તપાસ હાથ ધરી હતી. તપાસ પૂર્ણ થયા બાદ પણ કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવી નહોતી.

