બનાવટી ચલણી નોટોના રેકેટ સામે એલસીબીનો પ્રહાર, રૂ.૫૫,૮૦૦નો મુદ્દામાલ કબજે
ભાવનગર શહેરમાં બનાવટી ચલણી નોટોના રેકેટનો ભેદ ખુલ્યો છે, જેમાં એલસીબી પોલીસે એક શખ્સને ઝડપી લીધો છે. આરોપી પાસેથી રૂ.૨૦૦ની કુલ ૩૪૩ બનાવટી નોટો મળી આવી હતી. પોલીસે બાતમીના આધારે તખ્તસિંહજી વિશ્રાંતિ ગૃહ સામે કાર્યવાહી હાથ ધરી હતી. બજારમાં નકલી નોટો વપરાય તે પહેલાં જ પોલીસની સતર્કતાથી સમગ્ર મામલો બહાર આવ્યો છે.
નારોલથી નકલી નોટો લાવ્યાનો ખુલાસો
પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આરોપી આ નકલી નોટો અમદાવાદના નારોલ વિસ્તારમાં રહેતા એક શખ્સ પાસેથી લાવ્યો હતો. પૂછપરછમાં તેણે સ્વીકાર્યું કે અસલી નોટોની વચ્ચે નકલી નોટો ભેળવીને બજારમાં ચલાવવાનો તેનો ઈરાદો હતો. ખાસ કરીને ભીડભાડવાળી જગ્યાઓ અને નાના વેપારીઓને નિશાન બનાવવાનો પ્લાન બનાવાયો હતો. આ ખુલાસા બાદ પોલીસની તપાસ વધુ ગંભીર બની છે.
રૂ.૫૫,૮૦૦નો મુદ્દામાલ કબજે, તપાસ તેજ
એલસીબી ટીમે નકલી નોટો સહિત અન્ય સામાન મળીને કુલ રૂ.૫૫,૮૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આરોપી અજય ઉર્ફે ઘુઘા બુધેલીયા સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સાથે સાથે ચિંતન કનોજીયાને ઝડપી લેવા માટે પોલીસે વિવિધ ટીમોને સક્રિય કરી છે. ભાવનગરમાં બનાવટી નોટોનું જાળું કેટલું વિસ્તૃત છે તે જાણવા ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે.

