સુરતમાં ઉદ્યોગકારો સાથે સમીક્ષા: ગેસ, પેટ્રોલ-ડીઝલનો પૂરતો પુરવઠો, અફવાઓથી દૂર રહેવાની અપીલ
મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધ અને વૈશ્વિક કટોકટીની અસરોને ધ્યાને રાખીને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને સુરતના ICC સેન્ટર ખાતે એક મહત્વપૂર્ણ સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સુરત, અંકલેશ્વર, વાપી અને ભરૂચ સહિતના દક્ષિણ ગુજરાતના વિવિધ ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે કામદારોની સુવિધા અને ગેસ સપ્લાયને લગતા પ્રશ્નો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી. સરકાર અને ઉદ્યોગ મંડળો વચ્ચેના આ સંવાદનો મુખ્ય હેતુ પ્રવર્તમાન વૈશ્વિક સ્થિતિમાં પણ સ્થાનિક ઉદ્યોગો અને શ્રમિકોને પડતી મુશ્કેલીઓનું સત્વરે નિરાકરણ લાવવાનો છે.
આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ અને PNG પર ભાર
બેઠક દરમિયાન નાયબ મુખ્યમંત્રીશ્રીએ સ્પષ્ટતા કરી હતી કે રાજ્યમાં ગેસ, પેટ્રોલ અને ડીઝલ સહિતની તમામ આવશ્યક ચીજવસ્તુઓનો પૂરતો પુરવઠો ઉપલબ્ધ છે. તેમણે ગુજરાત ગેસ કંપનીના અધિકારીઓને સૂચના આપી હતી કે જ્યાં પી.એન.જી. (PNG) લાઈનો ઉપલબ્ધ છે ત્યાં ઝડપથી નવા કનેક્શનો આપવામાં આવે જેથી એલ.પી.જી. (LPG) પરનું ભારણ ઘટે. જિલ્લા પુરવઠા અધિકારીએ ભારત સરકારની ગાઈડલાઈન મુજબ ઘરેલું, શૈક્ષણિક અને હોસ્પિટલ જેવા સંવેદનશીલ ક્ષેત્રોમાં કરવામાં આવતી સપ્લાયની વિગતો રજૂ કરી હતી. સરકાર દરેક સ્તરે સંતુલિત વિતરણ વ્યવસ્થા જાળવવા માટે કટિબદ્ધ છે.
અફવાઓથી દૂર રહેવા અપીલ અને શ્રમિકો માટે ભોજનની વ્યવસ્થા
સોશિયલ મીડિયા પર ફેલાતી ભ્રામક વાતો અને અફવાઓથી શ્રમિકોમાં ડર પેદા ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચના આપવામાં આવી છે. નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે અફવાઓ ફેલાવનાર વિરુદ્ધ કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. પાંડેસરા, વાપી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં કામદારો માટે રહેવા-જમવાની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે. સુરત અને આસપાસના વિસ્તારોમાં ૧૧૮ જેટલા કોમ્યુનિટી કિચન (ઇન્ડસ્ટ્રિયલ કેન્ટીન) કાર્યરત છે, જે શ્રમિકોને ભોજન પૂરું પાડી રહ્યા છે. સરકાર દ્વારા શ્રમિકોને પાંચ કિલોગ્રામના નાના ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળી રહે તેવી વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે.
કાળાબજાર કરનારાઓ સામે કડક કાર્યવાહી અને સર્તકતા
રાજ્યમાં જીવન જરૂરિયાતની વસ્તુઓ, ગેસ કે પેટ્રોલ-ડીઝલના કાળાબજાર કરનારા તત્વો પર નજર રાખવા માટે દરેક જિલ્લામાં અલગ ટુકડીઓ બનાવવામાં આવી છે. જો કોઈ પણ વ્યક્તિ કૃત્રિમ અછત ઊભી કરવાનો કે વધુ ભાવ વસૂલવાનો પ્રયાસ કરશે તો તેની સામે ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરાશે. ઉદ્યોગ અને ખાણ વિભાગના ઉચ્ચ અધિકારીઓ તથા જિલ્લા કલેક્ટરની હાજરીમાં લેવાયેલા આ નિર્ણયોથી ઉદ્યોગપતિઓમાં પણ વિશ્વાસ વધ્યો છે. ગુજરાત આ મુશ્કેલ પરિસ્થિતિમાં ઉદ્યોગો અને સરકારના સહયોગ દ્વારા દેશ માટે રોલ મોડલ બનીને ઉભરી રહ્યું છે.

