સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના મધ્યસ્થીકરણથી વર્ષો જુના વિવાદોનો સમાધાનકારી નિકાલ
સુરત જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સંચાલિત મધ્યસ્થીકરણ કેન્દ્ર (Mediation Centre) એ વર્ષોથી ચાલતા જટિલ કાયદાકીય વિવાદોને ઉકેલવામાં એક મહત્વની સિદ્ધિ હાંસલ કરી છે. એક જાણીતી ટેક્ષટાઈલ કંપની અને સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયા વચ્ચે સને ૨૦૦૨ની સાલથી એટલે કે છેલ્લા ૨૪ વર્ષથી ચાલતી કાયદાકીય લડાઈનો મધ્યસ્થીની કુનેહ અને સમજાવટથી અંત આવ્યો છે. આ સફળતાએ સાબિત કર્યું છે કે લાંબી કોર્ટ કાર્યવાહી કરતા ‘મધ્યસ્થીકરણ’ એ વિવાદોના ઉકેલ માટે શ્રેષ્ઠ માર્ગ છે.
હાઈકોર્ટના નિર્દેશ બાદ મધ્યસ્થીકરણ પ્રક્રિયા ગતિમાન બની
આ વિવાદમાં ટ્રાયલ કોર્ટના હુકમ બાદ પક્ષકારો જિલ્લા અદાલત અને ત્યારબાદ નામદાર ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યા હતા. અગાઉ પણ મધ્યસ્થીના પ્રયાસો થયા હતા પરંતુ સફળતા મળી ન હતી. જોકે, ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સમાધાનની તક જોઈને આ કેસ સુરત મધ્યસ્થીકરણ કેન્દ્રમાં રિફર કર્યો હતો. સુરત જિલ્લા અદાલતના મુખ્ય ન્યાયાધીશ શ્રી રાહુલ એ. ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ અનુભવી મધ્યસ્થી શ્રી કિરીટકુમાર ગજજરને આ કામગીરી સોંપવામાં આવી હતી.
મધ્યસ્થીની કુનેહ: આક્ષેપો-પ્રતિઆક્ષેપો વચ્ચે સર્વસંમતિ સાધી
મધ્યસ્થી શ્રી ગજજર દ્વારા બંને પક્ષકારો સાથે અનેક ખાનગી અને સંયુક્ત બેઠકો યોજવામાં આવી હતી. પ્રક્રિયા દરમિયાન:
-
સાંભળવાની તક: બંને પક્ષોને પોતાના આક્ષેપો અને રજૂઆતો કરવા માટે પૂરતો સમય અને મંચ આપવામાં આવ્યો.
-
ભવિષ્યલક્ષી અભિગમ: ભૂતકાળની તકરારો ભૂલી ભવિષ્યના હિતમાં વિચારવા માટે પક્ષકારોને પ્રોત્સાહિત કરાયા.
-
સમાધાનકારી વલણ: મધ્યસ્થીએ બંને પક્ષોને મંજૂર હોય તેવા મધ્યમાર્ગી ઉકેલ તરફ દોર્યા, જેના પરિણામે વર્ષો જૂનો વિવાદ કાયમી ધોરણે ઉકેલાઈ ગયો.
મધ્યસ્થીકરણથી થતા ફાયદા
આ કેસનો નિકાલ આવતા માત્ર કોર્ટનું ભારણ જ ઓછું નથી થયું, પરંતુ પક્ષકારોના સમય અને નાણાંનો વ્યય પણ અટક્યો છે. મધ્યસ્થીકરણ દ્વારા થયેલું સમાધાન બંને પક્ષોની જીત (Win-Win Situation) સમાન હોય છે, કારણ કે તેમાં કોઈની હાર થતી નથી પરંતુ સહમતિથી વિવાદનો અંત આવે છે. સુરત જિલ્લા અદાલતની આ કામગીરી અન્ય પેન્ડિંગ કેસો માટે પણ પ્રેરણાદાયી બની રહેશે.
