સુરત સહિત તાપી નદીના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે પહેલા વરસાદમાં જ રાંદેર-સિંગણપોર વચ્ચે બનાવવામાં આવેલો વિયર કમ કોઝ-વે ઓવરફ્લો થઈ રહ્યો છે.
તાપી નદીમાં પાણીનું વહેણ ભારે હોવાથી કોઝ-વે પર પણ પૂરઝડપે વહી રહ્યું છે. કોઝવે પરથી પાણીનો પ્રવાહ તીવ્ર ઝડપે વહી રહ્યો હોઇ પાલિકાએ કોઝ-વેને વાહન-વ્યવહાર માટે બંધ કરી દીધો છે અને રાંદેર તથા સિંગણપોર તરફના દરવાજા બંધ કરી દીધા હોવા છતાં લોકો બાળકો સાથે ન્હાવા તેમજ સેલ્ફી લેવા ઉમટી પડ્યા હતા.
સુરતનો વિયર કમ કોઝવે સીઝનના પહેલા જ વરસાદમાં ઓવરફલો થયો છે. કોઝવેની ભયજનક સપાટી 6 મીટર છે અને 6 મીટરને પાર થતા કોઝવે ઓવરફલો થાય છે.
કોઝવે ઓવરફ્લો થતા નદીના પાણી કોઝવે પરથી ફરી વળ્યા છે. જેને લઈને વાહન વ્યવહાર માટે કોઝ-વે બંધ કરવાની ફરજ પડી છે.
જોકે,પાલિકા-પોલીસ નિયમોનો ભંગ કરીને કેટલાક લોકો કોઝ-વે પર પહોંચીને જોખમી રીતે ન્હાવા સાથે ફોટોગ્રાફી કરતા નજરે પડ્યા હતા. ઓવરફ્લો કોઝ-વેના પ્રવાહમાં તેઓ સાથે સાથે નાનાં બાળકોના જીવ પણ જોખમમાં મૂકી રહ્યા છે. એક તરફ પાલિકા અકસ્માત રોકવા માટે કોઝ-વેના દરવાજા બંધ કરી રહી છે. તો બીજી તરફ લોકો નિયમોનો ભંગ કરીને જોખમી ફોટોગ્રાફી કરવા સાથે જોખમી રીતે સેલ્ફી લઈ રહ્યા હોવાના ચોંકાવનારા દ્રશ્યો જોવા મળ્યા હતા.