સુરત : કોરોના સંક્રમણ વચ્ચે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગુજકેટ લેવાયા બાદ આજે સુરતના ધો. 10 અને 12 વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. પૂરક પરીક્ષાના આજે સવારના સેશનમાં ધો. 12 વિજ્ઞાન પ્રવાહનું 10-30 થી 2 કલાક દરમિયાન ગણિતનું અને બપોરના 3 થી 6-30 જીવ વિજ્ઞાનનું પેપર લેવાયું હતું. જ્યારે ધો. 10 માં 3 થી 6 વાગ્યા દરમિયાન ગુજરાતી પ્રથમ ભાષાનું પેપર લેવાયું હતું. જો કે પૂરક પરીક્ષામાં ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાનપ્રવાહમાં નોંધાયેલા વિદ્યાર્થીઓ કરતા હાજર રહેલા વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી નોંધાઈ છે. કોરોનાના ડરને કારણે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવા આવવાનું ટાળ્યું હતું.
કોરોનાના ભયને કારણે 50 ટકા વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા જ ન આવ્યા
જેમાં ધોરણ 10 ની પૂરક પરીક્ષામાં 39 બિલ્ડીંગના 420 બ્લોકમાં 98 વિદ્યાર્થીઓએ ગણિત વિષયની પરીક્ષા આપી હતી, જેમાં 26 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહની 12 બિલ્ડીંગના 237 બ્લોકમાં યોજાયેલી પરીક્ષામાં ગણિતના પેપરમાં 46 વિદ્યાર્થીઓની હાજરી નોંધાઈ હતી અને 47 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બાયોલોજીની પરીક્ષા 78 વિદ્યાર્થીઓએ આપી હતી,જેમાં 62 વિદ્યાર્થીઓની ગેરહાજરી નોંધાઈ હતી. પૂરક પરીક્ષામાં ધો. 10 અને ધો. 12 સામાન્ય પ્રવાહમાં વિદ્યાર્થીઓની 50 ટકા ગેરહાજરી નોંધાઈ હતી.
પુરક પરીક્ષાના ટાઈમટેબલને જોઈએ તો ધોરણ 10 ની પૂરક પરીક્ષા 25 થી 28 ઓગસ્ટ દરમિયાન યોજાશે, જેમાં 26 ઓગસ્ટે સામાજીક વિજ્ઞાન અને 27 ઓગસ્ટે ગણિત અને 28 ઓગસ્ટે વિજ્ઞાન અને ટેકનોલોજીની પરીક્ષા યોજાશે.જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 26 ઓગસ્ટ એટલે કે આજે રસાયણ વિજ્ઞાન અને અંગ્રેજી તથા 27 ઓગસ્ટના રોજ ગુજરાતી કે હીન્દી અને ભૌતિક વિજ્ઞાનની પરીક્ષા યોજાશે.